Criminal Cases Against Politicians In India: વર્ષ 2023માં પાંચ રાજ્યો – છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં નવા 92 મંત્રીઓ એટલે કે લગભગ 36 ટકામાંથી 33 ટકા વિરુદ્ધ ગુનાહિત અને ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમના દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા ઉમેદવારી ફોર્મના સોગંદનામાના વિશ્લેષણમાં આ રોચક માહિતી જાણવા મળી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને 3 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામો મોટાભાગે ભાજપની તરફેણમાં ગયા હતા, જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુમતી મેળવી હતી. કોંગ્રેસે તેલંગાણામાં ભારતીય રાષ્ટ્ર સમિતિને હારી, જ્યારે લાલદુહોમાની આગેવાની હેઠળના જોરમ પીપલ્સ મૂવમેન્ટે મિઝોરમમાં 40માંથી 27 બેઠકો જીતી.
રાજકીય નેતાઓના સોંગદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ઉપરોક્ત પાંચય રાજ્યોમાંથી મિઝોરમમાં સૌથી યુવા મંત્રીઓ છે, જ્યારે સૌથી ધનિક મંત્રીઓ તેલંગાણામાં છે.
રાજકીય નેતાઓનો ક્રિમિનલ રેકોર્ડ
મધ્યપ્રદેશમાં 31 નવા મંત્રીઓમાંથી, 12 (39%) સામે ફોજદારી કેસ છે, અને તેમાંથી ત્રણ નેતા ગંભીર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે – જે હુમલો, હત્યા, અપહરણ અથવા બળાત્કાર સંબંધિત છે. આ ત્રણમાંથી એક ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય છે.
રાજસ્થાનમાં ભાજપના 25 મંત્રીઓમાંથી, 8 (32%) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને તેમાંથી ચારના નામ ગંભીર ફોજદારી કેસોમાં સંડોવાયેલા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ ફોજદારી કેસ ધરાવતા મંત્રીઓની યાદીમાં સામેલ છે.
છત્તીસગઢના 12માંથી બે મંત્રીઓ (17%) ફોજદારી અથવા ગંભીર ફોજદારી કેસોનો સામનો કરી રહ્યા છે. આ બે નેતામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને નાણામંત્રી ઓમ પ્રકાશ ચૌધરી.
તો મિઝોરમમાં પણ સમાન સ્થિતિ છે, જ્યાં 12 માંથી બે મંત્રીઓ આવા કેસોનો સામનો કરી રહ્યા છે – આઈઝોલ પશ્ચિમ-2 બેઠકના ધારાસભ્ય લાલનહિંગગ્લોવા હમાર અને કે આઇઝોલ ઉત્તર-3ના ધારાસભ્ય સપડાંગા.
જો ટકાવારીની રીતે જોઇએ તો ગુનાઈત ઇતિહાસ ધરાવતા નેતાઓની સંખ્યા તેલંગાણામાં સૌથી વધુ છે, જ્યાં12 માંથી નવ મંત્રીઓ (75%) એ ફોજદારી કેસો જાહેર કર્યા છે, જ્યારે પાંચ નેતા (42%) એ તેમની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસો હોવાનું જાહેર કર્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, તેંલગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી આ યાદીમાં સૌથી ટોચ પર છે, જેમની સામે 89 કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી 2024 : 70 વર્ષથી ઉપરના થશે આઉટ, બીજેપીના ઉમેદવારોની પ્રથમ યાદી જલ્દી આવશે
પાંચ રાજ્યોના મંત્રીઓનું શિક્ષણ અને ઉંમર
શિક્ષણની દ્રષ્ટિએ, ઉપરોક્ત પાંચ રાજ્યોમાં મોટાભાગના મંત્રીઓ ઓછામાં ઓછું સ્નાતક સ્તરનું શિક્ષણ ધરાવે છે, મિઝોરમ અને તેલંગાણા બંનેમાં 83% મંત્રીઓ આવી લાયકાત ધરાવે છે. ઉંમરની વાત કરીએ તો પાંચ રાજ્યોમાં મોટાભાગના મંત્રીઓની ઉંમર 51 થી 70 વર્ષની વચ્ચે છે. જો કે, મિઝોરમમાં મોટાભાગના પ્રધાનો (58%) 41-60 વય જૂથના છે.