Kanjhawala Case : દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે કારથી ઢસડવાના કારણે 20 વર્ષીય યુવતીના મોતના મામલે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. આ મામલાને લઇને મુખ્ય સાક્ષી બતાવવામાં આવી રહેલી મિત્ર નિધિની (Nidhi)માતાનું પણ નિવેદન સામે આવ્યું છે. નિધિની માતાનું કહેવું છે કે ઘટનાવાળી રાત્રે નિધિ ઘણી ગભરાયેલી હતી. બીજી તરફ આ મામલાને લઇને દિલ્હી મહિલા આયોગે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. મૃતક યુવતીનો પરિવાર સુલ્તાનપુરી પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.
દિલ્હી પોલીસ (Delhi Police) આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે આ મામલે નવો ખુલાસો કરતા કહ્યું કે યુવતીના મોતના મામલામાં અન્ય બે લોકો સામેલ છે. આ બે લોકોએ સાબિતી સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો છે.
સ્વાતિ માલિવાલે કરી સીબીઆઈ તપાસની માંગણી
દિલ્હી મહિલા આયોગના ચીફ સ્વાતિ માલિવાલે કહ્યું કે હું દિલ્હી પોલીસની કાર્યવાહીથી સંતુષ્ઠ નથી. હું ભલામણ કરું છું કે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવે. દિલ્હી પોલીસે કહ્યું કે તેમણે અત્યાર સુધી નિધિનો ફોન લીધો નથી. આ ઘણી મહત્વની સાબિતી છે. મારી સમજણની બહાર છે કે અત્યાર સુધી આવું કેમ કરવામાં આવ્યું નથી?
આ પણ વાંચો – પોસ્ટમોર્ટમ રિપોર્ટ વ્યક્ત કરે છે અંજલિના મોતની દર્દનાક કહાની, 40 ઇજાઓ, દુષ્કર્મના નિશાન નહીં
નિધિની માતાએ શું કહ્યું?
કાંઝાવાલા કેસની મુખ્ય સાક્ષી ગણાવાતી નિધિની માતાએ પોતાની પુત્રીનો બચાવ કર્યો છે. એએનઆઈના હવાલાથી નિધિની માતાએ કહ્યું કે ઘટનાની રાત્રે નિધિ ઘણી ગભરાયેલી હતી. તેણે મને જણાવ્યું કે કેટલાક લોકોએ તેના મિત્રની ઉપર કાર ચડાવી દીધી હતી. તેમણે નિધિ સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે ભાગી ગઇ હતી.
મૃતક યુવતીને માતાએ કહ્યું – નિધિ ખોટું બોલી રહી છે
દિલ્હી પોલીસની તપાસ અને મીડિયા રિપોર્ટ્સના હવાલાથી જ્યારે નિધિને પૂછવામાં આવ્યું કે તે રાત્રે શું થયું હતું. નિધિએ જવાબ આપ્યો હતો કે મૃતક યુવતી નશામાં હતી અને સ્કુટી ચલાવવા પર ભાર આપી રહી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દારૂ પીધો હોય તેવો રિપોર્ટ નથી. એએનઆઈ સાથે વાત કરતા મૃતક યુવતીને માતાએ કહ્યું હતું કે તેમની પુત્રીએ પોતાના જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી.