Delhi MCD Election 2022: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને બીજેપીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બન્ને દળોમાં ઘણા કાર્યકર્તાઓને ટિકિટ ના મળી તો પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ક્રમમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર હસીબ ઉલ હસન ટિકિટ ના મળવાના કારણે લાઇટના થાંભલા પર ચડી ગયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આપ નેતાઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે.
પૂર્વ કોર્પોરેટર હસીબ ઉલ હસન દિલ્હીના શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન પાસે એક ટ્રાન્સમિશન ટાવર પર ચડ્યા હતા. આ દરમિયાન લોકો મોટી સંખ્યામાં જમા થઇ ગયા હતા. ઘણા લોકોએ તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાની સૂચના મળતા જ સ્થાનીય પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘણી મુશ્કેલી પછી હસીબ ઉલ હસનને થાંભલા પરથી ઉતાર્યા હતા.
આ પણ વાંચો – દિલ્હી-NCR માટે 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક બની શકે છે, પાંચ વર્ષમાં ક્યારે-ક્યારે ભૂકંપ આવ્યા?
આ ઘટના પર પૂર્વ કોર્પોરેટર હસીબ ઉલ હસને કહ્યું કે તે ઉમેદવારી ભરશે અને આમ આદમી પાર્ટી મારાથી ડરી ગઇ છે. આ તમારી જીત છે, હવે હું કાલે ઉમેદવારી પત્ર ભરીશ. જો તમે લોકો આવ્યા ન હોત તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ, દુર્ગેશ પાઠક અને આતિશી મારા પેપર ક્યારેય પાછા આપત નહીં. પાર્ટી મીડિયાથી ડરી ગઈ છે. મારા પેપર ષડયંત્ર અંતર્ગત રાખવામાં આવ્યા હતા.
ટ્રાન્સમિશન ટાવરથી ઉતર્યા પછી હબીબ ઉલ હસને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સંજય સિંહ, દુર્ગેશ પાઠક અને આતિશી ત્રણેય ભ્રષ્ટ છે. તેમણે ટિકિટ 2-3 કરોડ રૂપિયામાં વેચી છે.
એમસીડી ચૂંટણીનું વોટિંગ 4 ડિસેમ્બરે થશે અને 7 ડિસેમ્બરે પરિણામ આવશે. દિલ્હી એમસીડી ચૂંટણીમાં બીજેપી અને આપ વચ્ચે લડાઇ થશે.