Father of Nation And Father of New India: મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે (Amruta Fadnavis)દેશમાં બે રાષ્ટ્રપિતા હોવાની વાત કહીને ફરી આ મુદ્દાને ગરમાવી દીધો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવા ભારતના પિતા ગણાવ્યા હતા. વ્યવસાયે બેંકર અને ગાયિકા અમૃતાએ એક મોક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે આપણી પાસે બે રાષ્ટ્રપિતા છે. નરેન્દ્ર મોદી નવા ભારતના પિતા છે અને મહાત્મા ગાંધી જૂના સમયના રાષ્ટ્રપિતા છે
આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી યશોમતિ ઠાકુરે અમૃતા ફડણવીસની ટિકા કરી હતી. તેમણે કહ્યું કે બીજેપી અને આરએસએસની વિચારધારાને માનનાર લોકો વારંવાર ગાંધીજીને મારવાનો પ્રયત્ન કરતા રહે છે. તે આ પ્રકારના કામ કરતા રહે છે કારણ કે તેમને ખોટું બોલીને ઇતિહાસ બદલવા અને ગાંધીજી જેવા મહાન લોકોને બદનામ કરવાનું ઝનૂન સવાર છે.
ઇન્ટરવ્યૂમાં મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી પર તેમનો વિચાર પૂછ્યો હતો
મોક ઇન્ટરવ્યૂમાં અમૃતાને ગત વર્ષે મોદીને રાષ્ટ્રપિતા કહેવા વિશે પૂછવામાં આવ્યું હતું. અમૃતા ફડણવીસને સવાલ કરાયો હતો કે જો મોદી રાષ્ટ્રપિતા છે તો મહાત્મા ગાંધી કોણ છે. અમૃતાએ જવાબ આપ્યો હતો કે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રપિતા છે અને મોદી ન્યૂ ઇન્ડિયાના રાષ્ટ્રપિતા છે. આપણી પાસે બે રાષ્ટ્રપિતા છે.
અમૃતા ફડણવીસની આ ટિપ્પણી છત્રપતિ શિવાજી મહારાજ વિશે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ટિપ્પણી પર વિપક્ષની ટિકાના કેટલાક દિવસો પછી આવી છે.
મરાઠા યોદ્ધા રાજા પર આ ટિપ્પણીઓના કારણે વિપક્ષી ટિકા કરી હતી. જે પછી કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પોતાનો તર્ક સ્પષ્ટ કરતા લખ્યું હતું કે તે આ પ્રકારના આઈકનનું અપમાન કરવાની ક્યારેય કલ્પના પણ કરતા નથી. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, શ્રી ગુરુ ગોવિંદ સિંહ જેવા મહાપુરુષોનું અપમાન કરવાનું હું સપનામાં પણ કલ્પના કરી શકું નહીં.