Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે.ચૂંટણીપંચે એકનાથ શિંદે જૂથને સાચી શિવસેના તરીકે સ્વીકારી છે. ચૂંટણી પંચ તરફથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે પોતાના ફેંસલામાં શિંદુ જૂથને શિવસેનાનું નામ આપ્યું છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો કે પાર્ટીનું નામ શિવસેના અને પાર્ટીનું ચિન્હ તીર અને ધનુષ એકનાથ શિંદે જૂથ દ્વારા રખાશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે ચૂંટણી પંચે જોયું કે શિવસેનાનું વર્તમાન સંવિધાન અલોકતાંત્રિક છે. ચૂંટણીપંચે જોયું કે શિવસેનાના મૂળ બંધારણમાં અલોકતાંત્રિક પ્રથાઓને ગુપ્ત રીતે પાછી લાવવામાં આવી હતી, જેનાથી પક્ષ એક ખાનગી જાગીર બની ગયો હતો. આ પદ્ધતિઓને 1999માં ચૂંટણીપંચે નકારી કાઢી હતી. આ સાથે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હવે ઉદ્ધવ જૂથની દાવેદારી ખતમ માનવામાં આવી રહી છે.
આ બાલા સાહેબ અને આનંદ દીઘેની જીત છે – એકનાથ શિંદે
ચૂંટણી પંચના નિર્ણય પછી એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે આ લોકતંત્રની જીત છે. ચૂંટણી પંચને આ માટે ધન્યવાદ આપું છું. શિવસૈનિકોનો ઘણો-ઘણો આભાર. તેમણે કહ્યું કે સત્યનો વિજય છે, લોકો અમારા વિચારથી જોડાયેલા રહ્યા છે. આ બાલા સાહેબ અને આનંદ દીઘેની જીત છે.
અસલી ધનુષ-બાણ મારી પાસે છે અને રહેશે – ઉદ્ધવ ઠાકરે
ચૂંટણી પંચના નિર્ણય પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચૂંટણી પંચનો નિર્ણય લોકતંત્ર માટે ઘાતક છે. કેન્દ્ર સરકારની દાદાગીરી ચાલી રહી છે. અમારી લડાઇ સુપ્રીમ કોર્ટમાં છે. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ના આવે ત્યાં સુધી ચૂંટણી પંચ નિર્ણય ના આપે. પાર્ટી કોની છે, કોની નથી તે ચૂંટાઇને આવેલા લોકોના આધાર પર જ થશે તો પાર્ટી સંગઠનનું શું થશે. અમે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઇશું. તેમણે કહ્યું કે અસલી ધનુષ-બાણ મારી પાસે છે અને રહેશે.
આ પણ વાંચો – ‘પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટે કામ કરી રહી છે વિદેશી તાકાત’, બીજેપીએ જોર્જ સોરોસ પર કર્યો વળતો પ્રહાર
આ લોકતંત્રની હત્યા – સંજય રાઉત
ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ સરકારે કરોડો રૂપિયા પાણીની જેમ વાપર્યા છે, તે પાણી ક્યાં સુધી પહોંચ્યું તે દેખાઇ રહ્યું છે. આપણે પરેશાન થવાની જરૂર નથી. પબ્લિક આપણી સાથે છે. આપણે નવા ચૂંટણી ચિન્હ સાથે જઇશું અને જનતાની અદાલતમાં ફરી એક વખત શિવસેનાને ઉભી કરીશું. દેશમાં લોકતંત્ર બચ્યું જ નથી. બધા ગુલામ બનીને બેઠા છે. આ લોકતંત્રની હત્યા છે.
ચૂંટણી પંચ બીજેપીનું એજન્ટ – ઉદ્ધવ જૂથ
બીજી તરફ ચૂંટણી પંચના નિર્ણય પછી ઉદ્ધવ જૂથના નેતા આનંદ દુબેએ સવાલ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં હતો તો ચૂંટણી પંચે આટલો જલ્દી નિર્ણય સંભળાવવાની જરૂરત શું પડી. ચૂંટણી પંચ બીજેપીનું એજન્ટ થઇ ગયું છે.
જૂન 2022માં એકનાથ શિંદેએ શિવસેનામાંથી બળવો કર્યો તો બે જૂથ થઇ ગયા હતા. મોટાભાગના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે તરફ હતા. જેના કારણે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારી પડી ગઇ હતી અને ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી બીજેપીએ એકનાથ શિંદે જૂથે સાથે સરકાર બનાવી હતી. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રીના રુપમાં શપથ લીધા હતા.