Tripura, Nagaland & Meghalaya Assembly Election 2023 Result News Updates: પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી આજે (2 માર્ચ) થશે. અલગ-અલગ ટીવી ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનાવે તેવો અંદાજ છે. જ્યારે મેઘાલયમાં રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરીની બધી તૈયારીઓ પુરી થઇ ગઇ છે. મત ગણતરી રાજ્યના બધા 21 સ્થાનો પર સવારે 8 કલાકે શરુ થશે. સુરક્ષા માટે જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સીઆરપીએફ, ત્રિપુરા સ્ટેટ રાઇફલ્સ અને ત્રિપુરા પોલીસ જવાનોને ડ્યૂટી આપવામાં આવી છે.
ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં બીજેપીને 45 ટકા વોટ મળી શકે છે. જ્યારે લેફ્ટ અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને 32 ટકા વોટ મળવાનો અંદાજ છે. રાજ્યમાં પ્રથમ વખત ભાગ્ય અજમાવી રહેલી ત્રિપરા મોથા પાર્ટીને 20 ટકા વોટ મળવાનો અંદાજ છે. જ્યારે અન્ય દળોને 3 ટકા વોટ મળી શકે છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ
કઇ પાર્ટીને કેટલી સીટો મળશે?
ઇન્ડિયા ટૂડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં 60 વિધાનસભા સીટોમાંથી બીજેપીને સૌથી વધારે 36થી 45 સીટો મળી શકે છે. રાજ્યમાં લેફ્ટ અને કોંગ્રસ ગઠબંધનને 6-11 સીટો, ત્રિપરા મોથાને 9-16 સીટો મળી શકે છે. રાજ્યમાં અન્ય દળો ખાતું પણ ખોલાવી શકશે નહીં તેવો અંદાજ છે.
ઝી ન્યૂઝ – Matrizeનો એક્ઝિટ પોલ
ઝી ન્યૂઝ – Matrizeના એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં બીજેપીને 44 ટકા અને લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનને પણ 44 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. ત્રિપરા મોથાને 11 ટકા વોટ મળી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી ગઠબંધનને 29થી 36 સીટો મળવાનો અંદાજ છે. જ્યારે લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધનને 13 થી 21 સીટો મળવાનો અંદાજ છે. ત્રિપરા મોથાને 11 થી 16 સીટો મળી શકે છે. જ્યારે અન્ય દળોને 0 થી 3 સીટો મળી શકે છે.
ત્રિપુરામાં લેફ્ટનું વર્ચસ્વ બીજેપીએ તોડ્યું
ત્રિપુરાની 2013ની વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPM)એ 60માંથી 49 સીટો પર વિજય મેળવી સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસને 10 સીટો મળી હતી. CPIને 1 સીટ મળી હતી. ભાજપને એકપણ બેઠક મળી ન હતી. જોકે 2018માં ભાજપે 36 સીટો પર ઐતિહાસિક વિજય મેળવી પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવી હતી. સીપીએમને 16 સીટો મળી હતી. આઈપીએફટીને 8 સીટો મળી હતી. કોંગ્રેસ પાર્ટી એકપણ સીટ પર જીત મેળવી શકી ન હતી.
મેઘાલયમાં રસપ્રદ મુકાબલો
આજ તક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં મેઘાલયમાં સત્તામાં રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ને સૌથી વધારે 18થી 24 સીટો મળવાનો અંદાજ છે. બીજેપીને 4 થી8 સીટ, તૃણમુલ કોંગ્રેસને 5 થી 9 સીટ, યૂડીપીને 8 થી 12 સીટો, કોંગ્રેસને 6 થી 12 સીટો અને અન્યને 4 થી 8 સીટો મળી શકે છે.
ઝી ન્યૂઝના એક્ઝિટ પોલ પ્રમાણે સત્તામાં રહેલી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)ને સૌથી વધારે 21થી 26 સીટો મળવાનો અંદાજ છે. બીજેપીને 6 થી 11 સીટ, તૃણમુલ કોંગ્રેસને 8 થી 13 સીટ, કોંગ્રેસને 3 થી 6 સીટો અને અન્યને 10 થી 19 સીટો મળી શકે છે.
નાગાલેન્ડમાં ફરી બીજેપી ગઠબંધનની સરકાર
આજ તક એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલના મતે નાગાલેન્ડમાં ફરી એનડીપીપી અને બીજેપી ગઠબંધનની સરકાર બનશે. આ ગઠબંધનને 38થી 48 સીટો મળી શકે છે. કોંગ્રેસને 1 થી 2, એનપીએફને 3 થી 8 સીટો મળી શકે છે. અન્યને 5 થી 15 સીટો મળી શકે છે.
ઝી ન્યૂઝ – Matrizeના એક્ઝિટ પોલ પ્રમાણે નાગાલેન્ડમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. બીજેપી ગઠબંધનને 35થી 43 સીટો મળી શકે છે. કોંગ્રેસને 1 થી 3, એનપીએફને 2 થી 5 સીટો મળી શકે છે. અન્યને 6 થી 11 સીટો મળી શકે છે.