Explosion on tracks in Udaipur:રાજસ્થાનના ઉદયપુરમાં રવિવારે ડેટોનેટર લગાવીને રેલવે ટ્રેકને ક્ષતિગ્રસ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અસરવા-ઉદયપુર એક્સપ્રેસ આ જ ટ્રેકથી પસાર થવાની હતી. ઘટના કેવડાના નાલ વિસ્તારમાં બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘટનાની ટિકા કરતા કહ્યું કે પોલીસ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે. જે પણ આની પાછળ હશે તેની સામે સખત કાર્યવાહી કરાશે.
અશોક ગેહલોતે ટ્વિટ કરતા લખ્યું કે ઉદયપુર-અમદાવાદ રેલ માર્ગના ઓડા રેલવે પુલ પર રેલવેના પાટાને નુકસાન પહોંચાડવાની ઘટના ચિંતાજનક છે. પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારી સ્થળ પર છે. પોલીસને મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્યા છે. રેલવેને પુન:સંચાલનમાં પૂર્ણ સહયોગ કરવામાં આવશે. આ માર્ગના રેલ યાત્રીઓને સ્થળ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – ટ્રાન્સમિશન ટાવર પર ચડ્યો AAPનો કાર્યકર્તા, દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં ટિકિટ ના મળી તો બન્યો શોલેનો ધર્મેન્દ્ર
ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિ કિરણે કહ્યું કે સવારે લગભગ 8 વાગ્યાની આસપાસ સૂચના મળી હતી કે રેલ પાટાને નુકસાન પહોંચાડવા માટે એક ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસ અને રેલવેના અધિકારી સ્થળ પર હાજર છે.
જવાર માઇન્સ પોલીસ સ્ટેશનના થાના પ્રભારી અનિલ કુમાર બિશ્નોઇએ પીટીઆઈને જણાવ્યું કે સ્થાનીય લોકોએ રવિવારે સવારે વિસ્ફોટ વિશે પોલીસને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમને ટ્રેક પર કેટલાક વિસ્ફોટક મળ્યા છે અને આરોપીઓની ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ અને રેલવેના અધિકારી વિસ્ફોટ સ્થળ પર હાજર છે અને તપાસ કરી રહ્યા છે. ઉદયપુર પોલીસ અધિક્ષક વિકાસ શર્માએ કહ્યું કે આ આખા મામલાની બધા એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.