ભારત અને ચીન સરહદ પર વિવાદ હજુ પણ યથાવત્ છે. ઘણા મુદ્દા પર બન્ને દેશો વચ્ચે મતભેદ દૂર થઇ રહ્યા નથી. આ દરમિયાન હાલમાં જ વિપક્ષી દળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય ચીન સામે ખુલીને બોલતું નથી. તેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચીનનું સાર્વજનિક રુપથી નામ લેવાથી તે ડરતા નથી.
એસ જયશંકરે કહ્યું કે ભારત-ચીનની સરહદ એલએસી પર સેના મોકલવાનો નિર્ણય રાહુલ ગાંધીનો નહીં, મોદી સરકારનો હતો. એલએસી પર ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી થઇ છે. વિદેશ મંત્રીએ ચીનને લઇને રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું કે વિપક્ષમાં કેટલાક લોકો જુઠ ફેલાવી રહ્યા છે. તેમને જમીની હકીકતની જાણકારી રહેતી નથી.
વિદેશ મંત્રીએ કહ્યું – હું ચીનનું નામ લઇ રહ્યો છું
ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો એ આરોપ સાવ ખોટો છે કે પીએમ મોદી અને તેમની સરકારના મંત્રી ચીનનું નામ લેવાથી ડરે છે. તેમણે કહ્યું કે હું તો લઇશ નામ અને હજુ પણ ચીનનું નામ લઇ રહ્યો છું.
આ પણ વાંચો – લવ, લુડો અને લાલચ : ભારત – પાકિસ્તાનના યુવક-યુવતીની પ્રેમ કહાની
ચીન અને ભારતની સરહદ પર તણાવ વચ્ચે ભારત સરકારે હાલમાં જ 9000 જવાનોને ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ(ITBP)માં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી ભારતની ચીન સરહદ પર સુરક્ષા વધારે મજબૂત થઇ શકશે. ચીન સરહદ પર સુરક્ષા માટે સૌથી આગળ આઇટીબીપીના જવાનો રહેશે. આ સાથે સાત નવા બટાલિયન અને એક નવું સેક્ટર મુખ્યાલય પણ સ્થાપિત કરવામાં આવશે.
ભરતીનો પ્રસ્તાવ 2013-14થી પેન્ડિંગ હતો
ગૃહ વિભાગના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આઈટીબીપીમાં જવાનોની ભરતીનો પ્રસ્તાવ 2013-14થી પેન્ડિંગ હતો. શરૂઆતમાં તેમાં 12 નવી બટાલિયન બનાવવાની વાત હતી પણ હવે તેને ઘટાડીને સાત બટાલિયન કરી દેવામાં આવી છે. LAC સાથે સીમા ચોકીઓ અને સ્ટેજિંગ કેમ્પોની સંખ્યા વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.