પશ્ચિમ બંગાળમાં રવિવારે ફરી એક વખત હિંસા ભડકી છે. હુગલીમાં ભાજપની શોભા યાત્રા દરમિયાન પત્થરમારો અને આગજનીનો બનાવ સામે આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષના રિશરાના કાર્યક્રમમાં બબાલ જોવા મળી હતી. હુગલીમાં રામ નવમી પછી આ કાર્યક્રમ થયો હતો.
ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે શોભા યાત્રા દરમિયાન મહિલાઓ અને બાળકો પર પત્થરમારો કરવામાં આવ્યો છે. હાવડામાં હિંસા પછી રાજ્ય સરકાર કોઇ કાર્યવાહી કરી રહી નથી. હજુ પણ પત્થરમારો કરવામાં આવી રહ્યો છે અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે.
આ પહેલા રામ નવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડાના કાજીપાડા વિસ્તારમાં હિંસા થઇ હતી. ઘટના ત્યારે બની હતી જ્યારે શોભા યાત્રા કાજીપાડા વિસ્તારથી પસાર થઇ રહી હતી. હિંસા દરમિયાન ઘણી દુકાનો અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. કેટલાક પોલીસ વાહનો સહિત કારમાં આગ લગાડી દીધી હતી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે હાવડામાં થયેલી હિંસામાં ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ જેવા અન્ય દક્ષિણપંથી સંગઠન હથિયારો સાથે સામેલ હતા.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી : ક્યારે આવશે ભાજપના ઉમેદવારની પ્રથમ યાદી?
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે ગુરુવારથી અત્યાર સુધીમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારની અથડામણમાં ફસાયેલી એક 18 વર્ષની છોકરીએ કહ્યું કે હું આજે સવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી હતી પરંતુ લગભગ બે કલાક સુધી અહીં ફસાયેલી રહી. બહારની પરિસ્થિતિ ડરામણી હતી.
રામ નવમીની શોભા યાત્રા દરમિયાન ગુજરાતના વડોદરા, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર, જલગાવ, પશ્ચિમ બંગાળના હાવડા-ઇસ્લામપુરમાં પત્થરમારાની ઘટના સામે આવી હતી. બિહારના સાસારામ અને નાલંદામાં પણ હિંસા થઇ હતી. નાલંદાના બિહારશરીફમાં ફાયરિંગ થઇ હતી. જેમાં 7 લોકોને ગોળી વાગી હતી. બે જૂથો વચ્ચે પત્થરમારો હતો.





