Himachal Pradesh Election Result 2022 : હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી ગઇ છે પણ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઇ શક્યો નથી. ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મુખ્યમંત્રીનો નિર્ણય હાઇકમાન્ડ કરશે. શિમલામાં કોંગ્રેસ ઓફિસમાં થયેલી ધારાસભ્યો દળની બેઠકમાં હિમાચલ પ્રદેશના પ્રભારી રાજીવ શુક્લા, નિરીક્ષક ભૂપેશ બધેલ અને ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હાજર રહ્યા હતા.
હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને પાર્ટીમાં બબાલ જોવા મળી રહી છે. શિમલામાં ધારાસભ્ય દળની બેઠક પહેલા કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહના સમર્થક શિમલાની ઓબેરોય સેસિલ હોટલ બહાર જમા થયા હતા અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલના કાફલાને રોકીને તેમના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.
પ્રતિભા સિંહે કહ્યું- કોઇ જૂથવાદ નથી
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહે કહ્યું હતું કે શિમલામાં ધારાસભ્ય દળની બેઠક પછી નક્કી થશે કે મુખ્યમંત્રી કોણ બનશે. પ્રતિમા સિંહે કહ્યું કે અમે એક બેઠક કરીશું અને પછી મુખ્યમંત્રીના નામ નક્કી કરીશું. કોઇ જૂથવાદ નથી. અમે બધા સાથે છીએ. પાર્ટી તે વ્યક્તિને નજરઅંદાજ ના કરી શકે જેના નામ પર તેમણે ચૂંટણી લડી અને જીતી છે. પ્રતિભા સિંહે કહ્યું કે હાઇકમાન્ડ તેમના (વીરભદ્ર સિંહ) પરિવારને ઇગ્નોર કરી શકે નહીં. અમે તેમના નામ, ચહેરા અને કામ પર જીત મેળવી છે. એવું નથી કે તમે તેના નામ, ચહેરા અને પરિવારનો ઉપયોગ કરશો અને ક્રેડિટ કોઇ બીજાને આપી દેશો. હાઇકમાન્ડ આવું કરશે નહીં.
આ પણ વાંચો – હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ : ફક્ત 37,974 વોટ વધારે મેળવીને કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી સત્તા
સુખવિંદર સિંહ સુખુએ શું કહ્યું
કોંગ્રેસ નેતા સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે પાર્ટી હાઇકમાન્ડ જે ધારાસભ્યની પસંદગી કરશે તે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી બનશે. હાઇકમાન્ડની ઇચ્છા હશે તે જ થશે. બધાએ સામૂહિક મહેનત કરી છે અને જે લોકોએ ચૂંટણી લડી છે તેમાંથી જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. સુખવિંદર હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં એક મજબૂત નેતા ગણાય છે.
સુખવિંદર સિંહ અને પ્રતિભા સિંહનું નામ મુખ્યમંત્રીની રેસમાં ચાલી રહ્યું છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહેલા સુખવિંદર સિંહ રાજ્યના પ્રભાવશાળી ઠાકુર સમુદાયમાંથી આવે છે. તેમને આ વખતે પ્રચાર સમિતિના પ્રમુખ બનાવ્યા હતા. તેમને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પસંદ પણ માનવામાં આવે છે.