(અભિષેક જી. દસ્તીદાર) હાલ ભારતીય રેલવે વિભાગની હલ્દવાની જમીન પર થયેલા અતિક્રમણને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. હલ્દવાની રેલ્વે જમીન વિવાદ મામલામાં નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. વાસ્તવમાં, તાજેતરમાં જ હાઈકોર્ટે બનભૂલપુરા ગફૂર વસ્તીમાં 29 એકર રેલ્વેની જમીન પર થયેલા અતિક્રમણને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના બાદ ફરી એકવાર ભારતીય રેલવે વિભાગની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો મામલો ચર્ચામાં આવ્યો છે.
રેલ્વે વિભાગની મોટાભાગની જમીન પર અતિક્રમણ
દેશની સૌથી મોટી જમીન-માલિકી મંત્રાલય ભારતીય રેલવેની જમીન પર અતિક્રમણ અને ગેરકાયદેસર કબજો કરવાનો વિવાદ નવો નથી. ભારતના 68 રેલ્વે વિભાગ સહિત તમામ 17 ઝોનલ રેલ્વે વિભાગો તેમની માલિકીની જમીન પર અતિક્રમણ અને ગેરકાયદેસર દબાણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રેલવે ઉત્પાદન એકમોની જમીન ઉપર પર અતિક્રમણ કરવામાં આવ્યું છે.
હકીકતમાં, જ્યારે અંગ્રેજોએ ભારતમાં રેલવે વ્યવસ્થાનું નિર્માણ કર્યું, ત્યારે તેઓએ એક વિશાળ નેટવર્કની કલ્પના કરી હતી જેના પગલે તેઓએ ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા રેલવે નેટવર્કના વિકાસ અને વિસ્તરણ માટે રેલવેની આસપાસ વિશાળ જમીન ખાલી રાખી હતી. જો કે, હવે જ્યારે રેલવે વિભાગને આ ખાલી પડેલી તેમની જમીનની જરૂર પડી છે ત્યારે મોટાભાગની જમીન પર અતિક્રમણમાં જોવા મળી રહ્યું છે.
ભારતીય રેલવેની 782.81 હેક્ટર જમીન પર ગેરકાયદેસર દબાણ
સત્તાવાર આંકડા અનુસાર, હાલ ભારતીય રેલવે વિભાગ પાસે 4.86 લાખ હેક્ટર જમીન છે, જેમાંથી 782.81 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરી દેવામાં આવ્યો છે. આ જમીન અમદાવાદમાં આવેલા ભારતના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમના કદ જેટલા 31 સ્ટેડિયમ બરાબર થાય છે. દિલ્હી સ્થિત ઉત્તર રેલવે વિભાગની 158 હેક્ટર જમીન પર અતિક્રમણ છે, જે ભારતમાં સૌથી વધારે છે. ત્યારબાદ નંબર આવે છે કોલકાતા સ્થિત દક્ષિણ પૂર્વ રેલવે વિભાગનો, જ્યાં 140 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.

જમીન માફિયાઓથી જમીન બચાવવા રેલવે વિભાગ શું કરે છે?
આટલી વિશાળ જમીન પર સરળતાથી અતિક્રમણ થઈ શકે છે તે જાણીને, દરેક રેલ્વે વિભાગ નિયમિત સર્વે કરે છે અને સંવેદનશીલ સ્થળોને ઓળખી કાઢે છે. વાસ્તવમાં, જ્યાં પણ શક્ય હોય, રેલવે વિભાગ તેમની માલિકીની જમીનની સુરક્ષા માટે બાઉન્ડ્રી વોલ ઊભી કરે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં, રેલ્વેએ અતિક્રમણ કરનારાઓ સામે 1,352 થી વધુ ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી છે અને 65 હેક્ટર જમીન ખાલી કરાવી છે. કોલકાતા સ્થિત ઈસ્ટર્ન રેલ્વેએ સૌથી વધુ સંખ્યામાં ડિમોલિશન હાથ ધર્યા છે તો ગોરખપુર સ્થિત નોર્થ ઈસ્ટર્ન રેલ્વેએ 14.45 હેક્ટર જમીન પરથી અતિક્રમણ દૂર કર્યું છે.
રેલવે વિભાગ ક્યા કાયદા હેઠળ કરે છે કાર્યવાહી
કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારનો વિષય હોવાથી અને સરકારી સંસ્થા હોવા છતાં માનવ વસાહતો તેની જમીન પર હોય તો પણ તેને તોડી શકતી નથી. આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વે એક નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરે છે. રેલવેની માલિકીની જમીન પર ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે પબ્લિક પ્રિમીસીસ એક્ટ, 1971 (PPE એક્ટ, 1971) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો- હલ્દવાની રેલવે જમીન પર અતિક્રમણ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો
જ્યારે મંત્રણાના તમામ વિકલ્પો અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના પ્રયત્નો નિષ્ફળ જાય છે, ત્યારે રાજ્યના સત્તાધિશો રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર લોકોને તે જમની ખાલી કરવાની સૂચના આપે છે. અલબત્ત જમીન ખાલી કરવાની નોટિસને કોર્ટમાં પડકારી શકાય છે.