(સાક્ષી કુચરો) : વર્ષ 2023માં ટ્રેનમાં મુસાફરીને વધારે સુવિધાજનક અને આરામદાયક બનશે. વંદે ભારત એક્સપ્રેસે ટ્રેન મુસાફરીનો અનુભવ જ બદલી નાખ્યો છે. વર્ષ 2019માં ‘મેક ઇન ઈન્ડિયા’ હેઠળ પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરાઇ હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં દેશને સાત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. શતાબ્દી ટ્રેનોની તુલનાએ મિનિમમ 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ અને વધુ સારી સુવિધાઓથી સજ્જ વંદે ભારત દેશના પ્રવાસ ક્ષેત્ર માટે વરદાન સાબિત થઇ રહી છે.
હવે નવા વર્ષે ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ વધારે આહલાદક બનશે. હકીકતમાં વર્ષ 2023 રેલવે માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે. સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સફળતા બાદ દેશને ચાલુ વર્ષે ઘણી નવી વંદે મેટ્રો ટ્રેનની ભેટ મળશે. આ ટ્રેનો તેની શ્રેષ્ઠત્તમ સુવિધાઓ સાથે મુસાફરીનો સમય ઘટાડશે. ચાલો જાણીએ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પર દોડતી દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેન વિશે.
હાઈડ્રોજન ફ્યૂઅલથી દોડશે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન
હાલ રેલવે વિભાગ હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી વંદે મેટ્રો ટ્રેનને દોડાવવા માટે પર કામગીરી કરી રહ્યું છે. આ હાઇડ્રોજન ઇકો-ફ્રેન્ડલી ટ્રેન 1950 થી 1960 સુધીની જૂની ટ્રેનોનું સ્થાન લેશે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જાહેરાત કરી હતી કે વંદે મેટ્રો ટ્રેનો મોટી હરણફાળ ભરવા જઈ રહી છે કારણ કે તમામ પ્રકારના મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હાઇડ્રોજન ફ્યૂઅલથી સંચાલિત વંદે મેટ્રો ટ્રેન મધ્યમ અને નીચલા વર્ગની જરૂરિયાતો પૂરી કરશે. તેમણે કહ્યું કે ઇકો-ફ્રેન્ડલી ટ્રેન દરેક ભારતીયના રોજિંદા જીવનમાં પરિવર્તન લાવશે. રેલ્વે દ્વારા લેવામાં આવેલું આ પગલું એ સૌથી મોટી પહેલ છે કારણ કે હાઇડ્રોજન ફ્યૂઅલથી દોડતી ટ્રેનો ઇંધણની બચત કરશે અને અત્યંત ઓછો ઘોંઘાટ સાથે વંદે મેટ્રો ટ્રેનથી કોઈ પ્રકારનું પ્રદૂષણ ફેલાશે નહીં.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનો માત્ર વરાળ અને બાષ્પીભવન થયેલા પાણીને જ બહાર કાઢશે. તે ભારતની પ્રથમ અને વિશ્વની બીજી હાઈડ્રોજન ફ્યુઅલ સેલથી દોડતી ટ્રેન બનવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જર્મની દુનિયાનો પહેલો દેશ છે જ્યાં હાઈડ્રોજન ફ્યૂઅલ પર ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ભારતમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત વંદે મેટ્રો ટ્રેન ક્યારે શરૂ થશે તેની ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી. રેલ્વે મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે વંદે મેટ્રો ટ્રેન મે અને જૂન 2023ની આસપાસ તૈયાર થઈ જશે.
વંદે ભારત 3.0 : સ્લીપર ક્લાસ વંદે ભારત એક્સપ્રેસ
નવા વર્ષમાં લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બનવા જઈ રહી છે. રેલવે વિભાગ વંદે ભારત (વંદે ભારત-3)ના ત્રીજા વર્ઝનની ડિઝાઇન પર કામગીરી કરી રહ્યુ છે. હકીકીતમાં રેલવે વિભાહ હવે વંદે ભારત ટ્રેનોમાં સ્લીપર ક્લાસ ઉમેરવાની તૈયારી કરી રહ્યું છે, જે લાંબા અંતરની મુસાફરીને સરળ બનાવશે. રેલવે મંત્રાલયે આની જાણકારી આપી છે. રેલ્વેએ આ નવી જનરેશનની ટ્રેન માટે 200 નવા રેક બનાવવા હેતુ ટેન્ડર પણ બહાર પાડ્યા છે. વંદે ભારતના આ તમામ 200 રેક માત્ર સ્લીપર ક્લાસ માટે જ ડિઝાઇન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ભારતને વર્ષ 2026માં મળશે પહેલી ટિલ્ટિંગ ટ્રેન, વળાંક પર બાઇકની જેમ એક બાજુ નમી જશે
રિપોર્ટ અનુસાર વંદે ભારત 3.0 ટ્રેનની બોડી એલ્યુમિનિયમથી બનેલી હશે. પ્રથમ વંદે ભારત એક્સપ્રેસની સરખામણીમાં નવી જનરેશનની ટ્રેનનું વજન ઓછું હશે. સ્લીપર ક્લાસ કોચથી સજ્જ વંદે ભારત 3.0 ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા હશે. આ સાથે પેસેન્જરને અપડેટ રાખવા માટે LED સ્ક્રીન આપવામાં આવી હશે. મુસાફરીને સુરક્ષિત, સરળ અને આરામદાયક બનાવવા માટે આ ટ્રેનમાં ઓટોમેટિક ફાયર સેન્સર, જીપીએસ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ પણ હશે.