ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું – પીએમ પર લગામ, આ અંબાણી-અદાણીની સરકાર

Bharat Jodo Yatra: રાહુલ ગાંધી (Rahul Gandhi) એ લાલ કિલ્લા (Red Fort) પરથી મોદી સરકાર (Modi Goverment) પર પ્રહાર કર્યો, કહ્યું - અદાણી (Adani) અને અંબાણી (Ambani) સરકાર ચલાવી રહ્યા, અમે ગરીબો, મોંઘવારી અને ચીન મામલે વાત કરી રહ્યા અમને બોલવા દેવામાં નથી આવી રહ્યા.

Written by Kiran Mehta
Updated : December 24, 2022 19:10 IST
ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ લાલ કિલ્લાથી કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું – પીએમ પર લગામ, આ અંબાણી-અદાણીની સરકાર
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો લાલ કિલ્લા પરથી મોદી સરકાર પર પ્રહાર (Express/Chitral Khambati)

Bharat Jodo Yatra: કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન પર કોઈની લગામ છે. આ અદાણી-અંબાણી સરકાર છે. દેશમાં ક્યાંય નફરત નથી, માત્ર મીડિયા 24 કલાક હિન્દુ-મુસ્લિમ કરે છે. રાહુલે કહ્યું કે, ભાજપ હિંદુ ધર્મની વાત કરે છે, પરંતુ હિંદુ ધર્મમાં ક્યાંય એવું નથી લખ્યું કે કોઈ પણ ગરીબને મારી નાખો.તેમણે કહ્યું કે આ યાત્રામાં તમે બધાએ ઘણો સાથ અને શક્તિ આપી છે. એટલા માટે હું હૃદયથી દરેકનો આભાર માનું છું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. જ્યારે અમે કન્યાકુમારીમાં આ યાત્રા શરૂ કરી ત્યારે મારા મનમાં ઘણા વિચારો હતા, પરંતુ જ્યારે મેં ચાલવાનું શરૂ કર્યું ત્યારે વાસ્તવિકતા કઈંક અલગ જ હતી.

દેશમાં ક્યાંય નફરત નથી, મીડિયા હિન્દુ-મુસ્લિમ કરે છે’

આ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમને ક્યારેય મીડિયા પર બતાવવામાં આવતા નથી. આ મીડિયાકર્મીઓનો દોષ નથી. તેમની પાછળ પણ એક લગામ છે. ટીવી ચેનલો 24 કલાક હિંદુ-મુસ્લિમ કરે છે. પરંતુ આ દેશની વાસ્તવિકતા નથી. દેશના તમામ લોકો એકબીજાને પ્રેમ કરે છે. કોઈ કોઈને નફરત કરતું નથી.

મીડિયા ગરીબો, મજૂરોને કેમ પૂછતું નથી કે તેમને ઠંડી લાગે છે કે નહીં?

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ નરેન્દ્ર મોદીની સરકાર નથી. આ અદાણી અને અંબાણીની સરકાર છે. સરકાર આ બે લોકોની સૂચના પર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, પ્રેસના લોકોએ મને પૂછ્યું કે શું તમને ઠંડી નથી લાગતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં વિચાર્યું કે પ્રેસ ગરીબ મજૂરો અને ખેડૂતોને આ વિશે કેમ પૂછતી નથી.

હું ગીતા, ઉપનિષદ વાંચું છું: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ હિન્દુત્વની વાત કરે છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે, નબળા વર્ગને મારી નાખો, ગરીબને કચડી નાખો. હું ગીતા, ઉપનિષદ વાંચું છું, પણ ક્યાંય આવું લખાયેલું નથી. તેમણે કહ્યું કે, હિંદુ ધર્મ કહે છે કે ડરશો નહીં. શું ભારત જોડો યાત્રા દરમિયાન કોઈએ ક્યાય હિંસા જોઈ?

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા દરમિયાન કૂતરાં, ગાય, ભેંસ, ભૂંડ પણ આવ્યાં હતાં, પરંતુ કોઈએ કોઈને માર્યા નથી. તેમણે કહ્યું કે, જેમ આપણું ભારત છે. અદાણી-અંબાણી તરફ ઈશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન પર પણ લગામ લાગી છે. તેઓ સંભાળી શકતા નથી.

પીએમ અને ભાજપે મારી ઈમેજ ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા

પોતાની રાજકીય સફરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 2004માં જ્યારે મેં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે અમારી સરકાર હતી. ત્યારે આ પ્રેસવાળાઓ 24 કલાક મારા વખાણ કરતા હતા. તે પછી હું ભટ્ટા પરસોલ ગયો. મેં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો. એ પછી પ્રેસના લોકો મારી પાછળ પડ્યા. રાહુલે કહ્યું કે, વડાપ્રધાન અને ભાજપે મારી છબી ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા. તેમણે કહ્યું કે, સત્ય બતાવવા માટે અમે આ યાત્રા કન્યાકુમારીથી શરૂ કરી છે અને શ્રીનગરમાં ત્રિરંગો ધ્વજ લહેરાવીશું.

કેન્દ્ર સરકાર ચીન મુદ્દે ચર્ચા કરતી નથીઃ રાહુલ ગાંધી

ચીન મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીને બે હજાર ચોરસ કિલોમીટર જમીન હડપ કરી લીધી છે. કેન્દ્રની મોદી સરકાર આ અંગે કેમ વાત નથી કરતી? તેમણે કહ્યું કે, એક દિવસ એવો આવશે, જ્યારે કોઈ વ્યક્તિ શાંઘાઈમાં નવા શૂઝ ખરીદશે તો તેના પર મેડ ઈન ઈન્ડિયા લખેલું હશે.

ભારત જોડો યાત્રાને તોડફોડ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છેઃ મલ્લિકાર્જુન ખડગે

આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લાલ કિલ્લા પરથી ભારત જોડો યાત્રાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ભાજપ ભારત જોડો યાત્રાથી ડરે છે. એટલા માટે કોવિડ-19નું બહાનું બનાવવામાં આવી રહ્યું છે. યાત્રાને તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેં પીએમ મોદીને લગ્નમાં હાજરી આપતા જોયા છે, પરંતુ ત્યારે તેમણે માસ્ક પહેર્યું ન હતુ. તેમણે કહ્યું કે, ચીન આપણા દેશ પર હુમલો કરી રહ્યું છે, અમે તેની સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. અમે મોંઘવારી પર બોલીએ છીએ, પરંતુ કેન્દ્રની ભાજપ સરકાર અમને બોલવા દેતી નથી. અમે બધા રાહુલ ગાંધીની સાથે છીએ. ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધી માત્ર કોંગ્રેસના કાર્યકરો કે સમર્થકોને જ નથી મળી રહ્યા, પરંતુ તેઓ દેશના દરેક વર્ગને મળી રહ્યા છે.

આ પણ વાંચોમનસુખ માંડવિયા રાજકીય સફર: ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ‘વિનમ્ર’

કોંગ્રેસની ભારત જોડો યાત્રા સવારે દિલ્હીના બદરપુર બોર્ડરથી શરૂ થઈ હતી, બાદમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ITO નજીક રાહુલની મુલાકાતમાં પ્રખ્યાત અભિનેતા કમલ હાસન પણ જોડાયા હતા. આ ઉપરાંત જયરામ રમેશ, પવન ખેરા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, કુમારી સેલજા અને રણદીપ સુરજેવાલા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ માર્ચમાં જોડાતા જોવા મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ