રવિવારે (23 ઓક્ટોબર) ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક 13 વર્ષની બાળકી ઘાયલ અને લોહીથી લથપથ હાલતમાં પડેલી જોવા મળી હતી. આ છોકરીનો મળી આવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાબતની પુષ્ટિ કરતા ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું કે, કન્નૌજમાં એક સગીર બાળકી ઘાયલ હાલતમાં મળી આવી છે, લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં બાળકી જમીન પર પડી છે અને તેના શરીર પર લોહીના ડાઘ દેખાઈ રહ્યા છે.
નજીકમાં ઉભેલા લોકો યુવતીની મદદ કરવાને બદલે તેનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. પોલીસ અધિક્ષક કુંવર અનુપમ સિંહે જણાવ્યું હતું કે, “યુવતી ગુલ્લક (પૈસા મુકવાનો ગલ્લો) ખરીદવા માટે રવિવારે તેના ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત ન આવી, જેના પછી તેના પરિવારના સભ્યોએ તેની શોધ શરૂ કરી.” જ્યારે એક પ્રત્યક્ષદર્શીએ છોકરીને રોડની બાજુમાં ઘાયલ હાલતમાં જોઈ તો તેણે પોલીસને જાણ કરી. એસપી સિંહે કહ્યું, “સંબંધિત પોલીસ ચોકીના ઈન્ચાર્જ મનોજ પાંડે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયા અને તરત જ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા.”
એસપીએ મીડિયાને જણાવ્યું કે, આ વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ મુજબ આ છોકરી એક યુવક સાથે વાત કરતી જોવા મળે છે. હવે પોલીસે આ યુવકની ઓળખ કરીને તેની પૂછપરછ કરવાની છે. એસપી સિંહે કહ્યું કે, “યુવકની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે કે બાળકી પર બળાત્કાર થયો છે કે નહીં.
આ પણ વાંચો – દિવાળીની પૂર્વ રાત્રે UPમાં કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોત
કોંગ્રેસે પૂછ્યું કે આમાં કોણ દોષી છે?
આ સાથે જ રાજ્યમાં આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ વીડિયોને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કરીને ઉત્તર પ્રદેશ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે આ માટે કોણ જવાબદાર છે? આ વીડિયો શેર કરતા કોંગ્રેસે લખ્યું કે, “કનૌજમાં એક માસૂમ બાળકી લોહીથી લથબથ રોડ કિનારે પીડાઈ રહી હતી, પરંતુ લોકો તેની મદદ કરવાને બદલે તેનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. સવાલ એ છે કે દોષ કોનો? અને દીકરીના આવી હાલના ગુનેગાર ક્યારે પકડાશે?”