કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત સાથે જ ઘણી ન્યૂઝ ચેનલોએ વિધાનસભામાં ચૂંટણીને લઇને પોતાના ઓપિનિયન પોલ જાહેર કર્યા છે. ન્યૂઝ ચેનલ એબીપી દ્વારા સી વોટર સાથે મળીને કરાયેલા ઓપિનિયન પોલ પ્રમાણે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બીજેપીને મોટું નુકસાન થવાનો અંદાજ છે.
એબીપી સી વોટર ઓપિનિયન પોલ પ્રમાણે કર્ણાટકમાં આ વખતે બીજેપીને 68 થી 80 સીટોથી જ સંતોષ માનવો પડી શકે છે. રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. કોંગ્રેસને કર્ણાટકમાં 115થી 127 વિધાનસભા સીટો મળી શકે છે. જ્યારે કુમારસ્વામીની જેડીએસને 23 થી 35 સીટો મળી શકે છે. ઓપિનિયન પોલમાં અન્ય દળોને શૂન્યથી 2 સીટો મળવાનો અંદાજ છે.
કોના કેટલા વોટ શેર
એબીપી ન્યૂઝ અને સી વોટરના ઓપિનિયન પોલમાં કર્ણાટકમાં બીજેપીને 35 ટકા વોટ મળવાનો અંદાજ છે. વોટ શેર મામલામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનશે તેવો અંદાજ છે. કોંગ્રેસને 40 ટકા વોટ મળી શકે છે. જેડીએસને 18 ટકા વોટ જ્યારે અન્ય દળોને 7 ટકા વોટ મળવાનો અંદાજ છે.
અન્ય એક ઓપિનિયન પોલમાં બીજેપી આગળ
બીજી તરફ ઝી ન્યૂઝ અને MATRIZEના ઓપિનિયન પોલ પ્રમાણે બીજેપીને 96-106 સીટો મળવાનો અંદાજ છે. કોંગ્રેસને 88-98 સીટો અને જેડીએસને 23-33 સીટો મળવાનો અંદાજ છે. અન્યના ભાગમાં 2-7 સીટો આવી શકે છે. આ ઓપિનિયન પોલમાં લગભગ 56,000 લોકોના મત જાણ્યા હતા. ઓ ઓપિનિયન પોલ 3 માર્ચથી 28 માર્ચ 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – દેશે 1984નો એ કાળો દિવસ જોયો….. પીએમ મોદી બોલ્યા 2 સીટથી શરુ થયેલી સફર આજે 303 સુધી પહોંચી
કર્ણાટકમાં 2018માં કઇ પાર્ટીને મળી હતી કેટલી સીટો?
2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 104 સીટો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 78 વિધાનસભા સીટો જીતી હતી. કુમારસ્વામીની પાર્ટી જેડીએસને 37 સીટો મળી હતી. કર્ણાટકમાં બીએસપીને 1, કેપીજેપી અને અપક્ષને 1-1 સીટો મળી હતી.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે અને મત ગણતરી 13 મેના રોજ થશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. કર્ણાટકમાં રાજ્યની 224 વિધાનસભા મતવિસ્તારોમાં 5,21,73,579 નોંધાયેલા મતદારો છે. રાજ્યભરમાં 58,282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.