Karnataka Assembly Election 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે (10 મે 2023) મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. વિધાનસભાના 224 સભ્યો માટે કુલ 5,31,33,054 મતદારો મતદાન કરશે. જેમાં 2,67,28,053 પુરુષો અને 2,64,00,074 સ્ત્રીઓ તથા 4927 અન્યોનો સમાવેશ થાય છે. કુલ 11.71 લાખ લોકો એવા છે કે જેઓ પ્રથમ વખત મતદાતા બન્યા છે. રાજ્યભરમાં કુલ 58,545 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પરિણામ 13 મેના રોજ સામે આવશે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપ 38 વર્ષનો રેકોર્ડ તોડીને ફરી સત્તામાં વાપસી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો બીજી કોંગ્રેસે પણ કર્ણાટકમાં ફરી જીત મેળવવા ઘણી મહેનત કરી છે.
ભાજપે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે, કોંગ્રેસના 223 ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનતા દળ (સેક્યુલર) સહિત વિવિધ પક્ષોના કુલ 2615 ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાંથી 2430 પુરુષો, 184 મહિલાઓ અને એક અન્ય છે. ભાજપે તમામ 224 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસે 223 બેઠકો પર તથા જનતા દળ (સેક્યુલર) અને આમ આદમી પાર્ટીએ 209-209 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. રાજ્યમાં કુલ 11,71,558 યુવા મતદારો છે, જ્યારે 5,71,281 દિવ્યાંગ અને 12,15,920 મતદારો 80 વર્ષથી વધુ વયના છે.
સમગ્ર રાજ્યમાં મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્વતંત્ર, નિષ્પક્ષ મતદાન થાય અને કોઈ ખલેલ ન પડે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજ્ય પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની ઘણી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પાડોશી રાજ્યોમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો – એક કે બે નહીં, પૂરા 11 સીએમ દાવેદારો! કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસ માટે આસાન નહીં રહે આ નિર્ણય
ત્રણ લાખથી વધુ કર્મચારીઓ તૈનાત
મતદાન કરવા માટે લગભગ ત્રણ લાખ મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કુલ 75,603 બેલેટ યુનિટ (બીયુ), 70,300 કંટ્રોલ યુનિટ (સીયુ) અને 76,202 વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ (વીવીપીએટી)નો ઉપયોગ કરવામાં આવશે. મોડી સાંજ સુધીમાં તમામ મતદાન મથકો પર મતદાન કર્મચારીઓ પહોંચી ગયા છે.
ચૂંટણીના એક દિવસ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) રાજીવ કુમારે મંગળવારે મતદારોને ખાસ કરીને પ્રથમ વખતના મતદાતાઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં બહાર આવવાની અપીલ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે યુવા અને શહેરી મતદારોને 103 વર્ષીય મહાદેવ મહાલિંગા માલી જેવા વૃદ્ધ મતદારો પાસેથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.