Karnataka Elections 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાનો પ્રચાર હવે બાકી છે અને ત્યારબાદ 10 મેના રોજ મતદાન થશે. 13 મેના રોજ મત ગણતરી થવાની છે. આ દિવસે સ્પષ્ટ થઈ જશે કે કોણ જીતશે અને કોની હાર થશે. આ સાથે જ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે પણ સવાલ સૌના મનમાં આવી રહ્યો છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી ઘણા સીએમ દાવેદારો છે, કેટલાક અપેક્ષિત છે અને કેટલાક એકદમ આશ્ચર્યજનક છે.
સિદ્ધારમૈયા
કર્ણાટકના સૌથી મોટા કોંગ્રેસી નેતા અને પાંચ વર્ષનો કાર્યકાળ પણ પૂરો કરી ચૂકેલા સિદ્ધારમૈયાને ફરી એકવાર મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ રાહુલ ગાંધીની પણ નજીક છે, તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડનો વિશ્વાસ જીત્યો છે, તેથી જો પક્ષ ફરી સત્તામાં આવશે તો તેઓ રેસમાં ઘણા આગળ રહેશે તે નક્કી છે. પરંતુ તેમની ઉંમર 76 વર્ષની ઉંમર અને પાછલી સરકાર દરમિયાન કેટલાક નિર્ણયોએ તેમને લિંગાયત મતદારો, ખાસ કરીને હિન્દુ મતદારોમાં ઓછા લોકપ્રિય બનાવ્યા છે.
ડીકે શિવકુમાર
કોંગ્રેસમાં ડીકે શિવકુમારની હાજરી પણ મજબૂત છે. સૌથી અમીર રાજનેતા, પાર્ટીના સંકટમોચક અને સતત 8 ટર્મથી ધારાસભ્ય. ડીકે ઘણા સમયથી મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા છે 2018માં પણ તેમણે તે પહેલા જ પોતાની મહત્વકાંક્ષા બતાવી હતી પરંતુ દરેક વખતે તક હાથમાંથી જતી રહી. હાલ તો આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પાર્ટીને ફંડની પણ જરૂર પડશે, તેથી ડીકે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. પરંતુ પાર્ટી તેમના પર દાવ લગાવશે કે કેમ તે જોવાનું બાકી છે.
બસવરાજ બોમ્મઈ
ભાજપના વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ ફરી એકવાર સીએમની રેસમાં જોવા મળી રહ્યા છે. ઓપિનિયન પોલને ખોટા સાબિત કરીને ભાજપ ફરી સત્તામાં આવે તો બસવરાજ ચોક્કસ વિકલ્પ તરીકે ઉભરી આવે છે. તેમની છબી સ્વચ્છ છે તેઓ લિંગાયત સમુદાયમાંથી આવે છે તેથી તેમનો દાવો મજબૂત છે. પરંતુ કાયદો વ્યવસ્થા અને લોકપ્રિયતા એ બે પરિબળો છે જે તેમની વિરુદ્ધ જાય છે અને આ જ કારણ છે કે તે તેમને સીએમની ખુરશી પર પાછા આવતા અટકાવી શકે છે.
આ પણ વાંચો – 75 ટકા અનામતનો અમલ કરવો કોંગ્રેસ માટે સરળ નહીં હોય! તમિલનાડુમાં 69 ટકા અનામતનું શું છે ગણિત?
પ્રહલાદ જોશી
મોદી સરકારમાં મંત્રી અને હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટથી ચાર વખત સાંસદ રહેલા પ્રહલાદ જોશીએ પણ ભાજપમાં પોતાનું કદ વધાર્યું છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર છે અને અમિત શાહની ગુડબુકમાં પણ આવે છે. એટલે કે પાર્ટી હાઇકમાન્ડના સૌથી મજબૂત નેતાઓવી નજર તેમના પર રહે છે. તેઓ ભાજપ માટે આઉટ ઓફ ધ બોક્સ સીએમ સાબિત થઈ શકે છે. પાર્ટીએ ઘણા રાજ્યોમાં આ પ્રકારના નિર્ણયો લઈને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ પ્રહલાદ જોશીનું લિંગાયત સમુદાયમાંથી ના આવવું કર્ણાટકના રાજકારણમાં તેમને થોડા મિસફિટ કરી જાય છે.
એચડી કુમારસ્વામી
જ્યારે કિંગમેકર રાજા બની જાય છે ત્યારે તેના નસીબના જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. કર્ણાટકના રાજકારણમાં એચડી કુમારસ્વામી સાથે આ સંપૂર્ણ રીતે બંધ બેસે છે. તેઓ માત્ર બે વાર મુખ્યમંત્રી જ નથી બન્યા પરંતુ તેઓ આ પદ એવા સમયે સંભાળી ચૂક્યા છે જ્યારે તેમની પાર્ટી બહુમતથી દૂર રહી છે. હવે ફરી એકવાર તેઓ સીએમના દાવેદાર છે કારણ કે જો ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમત નથી મળતો તો તેવામાં જેડીએસ ફરીથી ખેલ કરી શકે છે. પરંતુ કોંગ્રેસ સાથેનો તેમનો ભૂતકાળનો અનુભવ કંઈ ખાસ રહ્યો નથી. જે રીતે તેમની સરકાર પડી હતી તે કોઈ ભૂલી શક્યું નથી.
આ નેતાઓને પણ લાગી શકે છે લોટરી
આ તમામ નેતાઓ ઉપરાંત અન્ય કેટલાક આઉટ ઓફ ધ બોક્સ વિકલ્પો પણ પાર્ટીઓ પાસે ઉપલબ્ધ છે. આ યાદીમાં બીજેપી માટે સીટી રવિ, એસએન સંતોષ જેવા નેતાઓ સામેલ છે. જ્યારે કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગે, એમબી પાટિલ જેવા નેતાઓ દાવ પર લાગી શકે છે. એટલે કે એક રીતે જોઇએ તો કુલ 11 મુખ્યમંત્રી પ્રબળ દાવેદાર દેખાઇ રહ્યા છે. હવે મુખ્યમંત્રી કોણ બને છે, તેનો આધાર ચૂંટણી કોણ જીતે છે તેના પર રહેશે.
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન
કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે અને બસવરાજ બોમ્મઈ મુખ્યમંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કોઇ પણ પાર્ટીને બહુમત મળી ન હતી. તે સમયે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરીને 104 સીટો મેળવી હતી. કોંગ્રેસને 80 અને જેડીએસને 37 સીટો મળી હતી.