મનોજ સી જી: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીનું અભિયાન અંતિમ તબક્કામાં પહોંચી રહ્યું છે. ત્યારે એક વાત ખૂબ જ સ્પષ્ટ થઈ રહી છે કોંગ્રેસે તાજેતરના વર્ષોમાં રાજ્યની ચૂંટણીમાં આટલું મોટી માત્રામાં પ્રચાર કર્યું નથી ઓછામાં ઓછું 2019થી તો નહીં જ. કોંગ્રેસને જીત દેખાઇ રહી છે અને તે માને છે કે ભાજપની હાર તેના ચૂંટણીમાં પુનરાગમનની ઘોષણા કરી શકે છે.
કર્ણાટક એવાં થોડાં રાજ્યોમાંનું એક છે કે જ્યાં કોંગ્રેસની મજબૂત સંગઠનાત્મક હાજરી છે અને તે પ્રચંડ નેતૃત્વ ધરાવે છે, જે તમામ મુખ્ય જ્ઞાતિજૂથોને અપીલ કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે પણ ઘણું બધું દાવ પર છે કારણ કે તેમના ગૃહ રાજ્યમાં શાનદાર જીત 2024 માટે પાર્ટીને એક નવો ઉત્સાહ પુરો પાડશે. પાર્ટી આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં મોદીનો મુકાબલો કરવા માટે એક પ્રકારનો ભાજપ વિરોધી મોરચો રચવા માટે સમાન વિચારધારાવાળા વિરોધ પક્ષોને ભેગા કરવાનો પ્રયાસ કરે છે.
આ ચૂંટણીને પાર્ટી કેટલું મહત્વ આપે છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે ખડગેએ રાજ્યમાં પડાવ નાખ્યો છે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર છે જ્યારે રાહુલ અને પ્રિયંકા મળીને રાજ્યની ચૂંટણી માટે આટલો આક્રમક પ્રચાર કરી રહ્યા છે.
કર્ણાટક અને કોંગ્રેસનો ઇતિહાસ મિશ્ર છે, જેમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. 1969માં જ્યારે કોંગ્રેસમાં પ્રથમ વખત મોટા ભાગલા પડ્યા હતા ત્યારે પક્ષના પ્રમુખ એસ. નિજલિંગપ્પા હતા. જેઓ દિગ્ગજ લિંગાયત નેતા અને કર્ણાટકના બે વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. નિજલિંગપ્પાએ આગળ વધીને ઇન્દિરાને હાંકી કાઢ્યા હતા, જે તે સમયે વડા પ્રધાન હતા. પરંતુ ઇન્દિરા ગાંધીની તાકાતમાં વધારો થયો, સંસદમાં અવિશ્વાસની દરખાસ્તમાંથી તેઓ બચી ગયા હતા. એક નવું ચૂંટણી ચિહ્ન (ગાય અને વાછરડું) અપનાવવાની ફરજ પડી હોવા છતાં 1971માં નિર્ધારિત સમય કરતાં વહેલા ચૂંટણીની હાકલ કરી અને બે તૃતીયાંશ બહુમતી સાથે પાછા ફર્યા હતા.
આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ચોંકાવનાર ઓપિનિયન પોલ, ભાજપ અને કોંગ્રેસમાંથી કોની બનશે સરકાર
1978માં કર્ણાટક ફરીથી રાષ્ટ્રીય રાજકારણના હાર્દમાં આવી ગયું હતું. એક વર્ષ પછી જ્યારે ઇન્દિરાને રાષ્ટ્રીય જનતા પાર્ટીના ગઠબંધને સત્તામાંથી હાંકી કાઢ્યાં હતાં. જાન્યુઆરી 1978માં ઈન્દિરાએ કોંગ્રેસનું વિભાજન કર્યું. જ્યારે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પૂર્વ વડા પ્રધાન એક અનિશ્ચિત રાજકીય ભાવિ તરફ જઇ રહ્યા હતા. આ સમયે કર્ણાટકે જ તેમને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું. એક મહિના બાદ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તેમની કોંગ્રેસ (આઈ)એ પ્રચંડ વિજય મેળવ્યો હતો, જ્યારે મુખ્ય કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો.
તે જ વર્ષના અંતમાં તેઓ ચિકમંગલુર લોકસભા બેઠક પરથી પેટા-ચૂંટણી લડવા માટે ફરીથી કર્ણાટક તરફ વળ્યા હતા અને તેમણે વીરેન્દ્ર પાટિલને હરાવ્યા હતા.’એક શેરની, સો લંગુર, ચિકમંગલુર, ચિકમંગલુર’ સૂત્ર ભારતના રાજકીય શબ્દકોશમાં અંકિત થઈ ગયું હતું. જેમાં ઇન્દિરાના વિજયે તેમની વાપસીની ઘોષણા કરી હતી.
એક વર્ષ બાદ કર્ણાટકમાં ફરી કોંગ્રેસની રાજનીતિએ વળાંક લીધો. ઇન્દિરાના એક પ્રખર વફાદાર મુખ્યમંત્રી દેવરાજ ઉર્સે પાર્ટી છોડી દીધી અને અલગ પાર્ટી બનાવી હતી.
1999માં જ્યારે રાજીવની હત્યા બાદ આખરે સોનિયા ગાંધીએ રાજકારણમાં ઉતરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે કર્ણાટકમાં બેલ્લારીની પસંદગી કરી હતી. ભાજપે તેમની સામે દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજને ઉભા રાખ્યા હતા. આ સીટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરે હારી ગઈ હતી, જોકે સોનિયા ગાંધી જીતી ગયા હતા. કર્ણાટક રાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીએ વિજયી દેખાવ કર્યો હતો.
2023 એ પાછલા બધા વર્ષોથી મૂળભૂત રીતે અને એકદમ અલગ છે. કદાચ એક માત્ર સમાનતા એ છે કે કોંગ્રેસ ચૂંટણીલક્ષી રીતે સૌથી નીચલા સ્તરે છે. લોકભા ચૂંટણીના એક વર્ષ પહેલાં અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવાં મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણીના મહિનાઓ પહેલાં ખૂબ જ જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવા માટે કર્ણાટકમાં જીતની તલાશ છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.