Karnataka Assembly Election Results 2023 Updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ધીમે-ધીમે સામે આવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ચૂંટણી પહેલા ભાજપ અને અન્ય પક્ષોને છોડીને કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓને ફાયદો થતો દેખાઈ રહ્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા થયેલા પક્ષપલટામાં પાંચ હાઈપ્રોફાઈલ નેતાઓના નામ પણ સામેલ છે. આ પાંચમાંથી મોટા ભાગના ભાજપ અને જેડી(એસ)ને છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેમની સ્થિતિ શું છે તે જણાવી રહ્યા છીએ.
જગદીશ શેટ્ટાર
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર 1 એપ્રિલના રોજ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપે તેમને હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ટિકિટ આપી ન હતી. જ્યારે તેઓ આ મતવિસ્તારમાંથી છ વખત જીત્યા હતા. ઇન્ડિયા ટૂડે સાથે વાત કરતા શેટ્ટારે કહ્યું હતું મેં દરેકને ટિકિટ ન મળવાનું કારણ પૂછ્યું હતું. શું તે ઉંમરને કારણે છે? મારી ઉંમર 67 વર્ષ છે, ભાજપે 75 વર્ષના નેતાઓને ટિકિટ આપી છે. શું મારી કોઇ ગુનાહિત પૃષ્ઠભૂમિ છે? કે પછી ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપો છે? મારું રાજકીય જીવન નિષ્કલંક રહ્યું છે કોઈ કાળો ડાઘ નથી.
ભાજપે કોંગ્રેસના શેટ્ટાર સામે હુબલી-ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી મહેશ તેંગિનાકાઈને મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ લિંગાયત સમુદાયના નેતા છે. આ સીટ પરથી જગદીશ શેટ્ટારનો પરાજય થયો છે. આમ પક્ષ પલટો તેમને ફળ્યો નથી.
લક્ષ્મણ સાવદી
કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદીને ભાજપમાંથી ટિકિટ ન મળતાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. સાવદી અથાનીથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ 2018ની ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. બેલગામ જિલ્લાની આ સીટ પર ભાજપના મહેશ કુમાથલ્લી સામે તેમનો મુકાબલો થયો હતો. કોંગ્રેસના લક્ષ્મણ સાવદીનો વિજય થયો છે.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી પરિણામ : કોણ બનશે મુખ્યમંત્રી? ડી કે શિવકુમાર કે સિદ્ધારમૈયા? જાણો કોણ છે બાહુબલી
કે એમ શિવલિંગે ગૌડા
કે એમ શિવલિંગે ગૌડાએ એચ ડી દેવગૌડાની આગેવાની હેઠળની જનતા દળ (સેક્યુલર)ને છોડીને એપ્રિલમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ હાસન જિલ્લાની અરસીકેર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસના કે.એમ.શિવલિંગે ગૌડા અને જેડીએસના એન.આર. સંતોષ અને ભાજપના જી.વી.ટી.બસવરાજ વચ્ચે મુકાબલો હતો. જેમાં કોંગ્રેસના કે એમ શિવલિંગે ગૌડાનો વિજય થયો છે.
એસ આર શ્રીનિવાસ
એસ આર શ્રીનિવાસ માર્ચના અંતમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ તુમકુર જિલ્લાના ગુબ્બી મતવિસ્તારમાંથી જેડી(એસ)ની ટિકિટ પર ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગયા વર્ષે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગના આરોપો બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગુબ્બીમાં જેડી(એસ)ના નાગરાજુ બીએસ, કોંગ્રેસના એસ આર શ્રીનિવાસ અને ભાજપના એસડી દિલીપ કુમાર વચ્ચે મુકાબલો હતો. જેમાં કોંગ્રેસના એસ આર શ્રીનિવાસનો વિજય થયો છે.
યુ બી બાંકર
હાવેરી જિલ્લાના હિરેકેરુરથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા યુ બી બાંકર ગયા ડિસેમ્બરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે તેમને હિરેકેરુર સીટ પરથી ટિકિટ આપી હતી. હિરેકેરુરમાં કોંગ્રેસના બાંકરનો મુકાબલો ભાજપના બસવનગૌડા પાટિલ અને જેડી(એસ)ના જયાનંદ જવાન્નાનવર સામે હતો. જેમાં કોંગ્રેસના યુ બી બાંકરનો વિજય થયો છે.