કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે 13 મે, 2023ના રોજ જાહેર થવાના છે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મે, 2023ના રોજ મતદાન યોજાયુ હતુ. જેમાં રેકોર્ડ બ્રેક 73.19 ટકા મતદાન થયુ હતુ, જે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી વધુ વોટિંગ છે. કર્ણાટકના વિધાનસભા ચૂંટણીના પરિણામ ભાજપની માટે મહત્વપૂર્ણ હોવાની સાથે સાથે કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઇ છે.
સતત ત્રીજી વખત રેકોર્ડ બ્રેક મતદાન
કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10 મે, 2023ના રોજ મતદાન થયુ હતુ. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કર્ણાટકમાં આ વખતની વિધાનસભા ચૂંટણી માટે 73.19 ટકા જેટલું જંગી મતદાન થયુ છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ વોટિંગ છે. આમ સતત ત્રીજી કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી મતદાન થયું છે. આ પૂર્વ વર્ષ 2018 અને વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં પણ અનુક્રમે 72.10 ટકા અને 71.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ.
સ્ત્રીઓ કરતા પુરુષોએ વધારે વોટિંગ કર્યુ
કર્ણાટકની વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં સ્ત્રીઓ કરતાં પુરુષોમાં મતદાનની ટકાવારી વધુ હતી, જેમાં 72.7% સ્ત્રીઓની સરખામણીએ 73.68% પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું. જો સંખ્યાની રીતે જોઇએ તો રાજ્યમાં કુલ 2.66 કરોડ માંથી 1.96 કરોડ પુરુષ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે 2.63 કરોડમાંથી 1.91 કરોડ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ પર એક નજર
કર્ણાટકની છેલ્લી 10 વિધાનસભા ચૂંટણીના પરિણામના આંકડા અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર વર્ષ 1978થી અત્યાર સુધીમાં છ વખત કોંગ્રેસની સરકાર બની છે. માત્ર બે વખત વર્ષ 1985 અને 1994ની વિધાનસભા ચૂંટણીમાં જેડીએસ (જનતાદળ સર્ક્યુલર) એ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જો ભાજપની વાત કરીયે તો વર્ષ 2008ની ચૂંટણીમાં ભાજપે 110 બેઠક અને વર્ષ 2018ની ચૂંટણીમાં 104 બેઠકો જીતીને સરકાર બનાવી હતી.
વર્ષ ભાજપ/NDA કોંગ્રેસ/UPA જેડીએસ+BSP 2018 104 80 37 2013 40 122 40 2008 110 80 28 2004 79 65 58 1999 44 132 10 1994 40 34 115 1989 – 178 24 1985 – 65 139 1983 – 82 95 1978 – 149 59
એક્ઝિટ પોલ કોની તરફેણમાં છે?
કર્ણાટકની વિધાનસભા માટે 10 મે, 2023ના રોજ મતદાન થયા બાદ તે દિવસે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા હતા. 10માંથી 8 એ્કઝિટ પોલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હોવાના સંકેત મળ્યા હતા. કર્ણાટકની વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 224 બેઠકમાં ભાજપે 104 બેઠકો જીતીને સરકાર બનાવી હતી અને બસવરાજ બોમાઇ મુખ્યમંત્રી બન્યા હતા. તો કોંગ્રેસે 80 બેઠક અને જેડીએસ એ 37 બેઠકો જીતી હતી. તો તેની અગાઉ વર્ષ 2013ની ચૂંટણીમાં કોંગ્રેસે 122 બેઠક જીતીને સરકાર બનાવી હતી. તે વર્ષે ભાજપને 40 અને જેડીએસને 40 બેઠક મળી હતી.






