Karnataka Assembly Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી સાથે જીત તરફ અગ્રેસર છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ હિમાચલ પ્રદેશ સિવાય એકપણ ચૂંટણી જીતી શકી નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા પાછળ કોંગ્રેસની ચૂંટણી રણનીતિનો મોટો ફાળો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તેના ચૂંટણી રણનીતિકાર તરીકે સુનિલ કાનુગોલુને રાખ્યા હતા. કાનુગોલુએ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કામગીરી કરી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસે કોંગ્રેસના એક નેતાને ટાંકીને જણાવ્યું હતું કે પાર્ટીએ છેલ્લા આઠ મહિનામાં પાંચ સર્વે કર્યા છે. અંતમાં કેટલીક બેઠકોને બાદ કરતાં, ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે સુનિલ કાનુગોલુની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે કરવામાં આવી હતી. તે સર્વેના આધારે, લગભગ 70 હોટ સીટોની ઓળખી કાઢવામાં આવી હતી. તે બેઠકો પર દેશભરમાંથી AICC (ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી)ના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.
કર્ણાટકમાં કોઈ પણ તેને ‘આઉટસાઈડર’ તરીકે બરતરફ કરી શક્યું નહીં કારણ કે તેમનો જન્મ રાજ્યના બલ્લારી જિલ્લામાં થયો હતો અને તેમણે કર્ણાટકમાં રહીને જ મિડલ સ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે.
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે રહેશે સુનિલ કાનુગોલુ
ગત વર્ષના મે મહિનામાં તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુનિલ કાનુગોલુને પાર્ટીના 2024 લોકસભા ઇલેક્શન ટાસ્ક ફોર્સના સભ્ય બનાવ્યા હતા. આ ટાસ્ક ફોર્સમાં પી ચિદમ્બરમ્, મુકુલ વાસનિક, જયરામ રમેશ, કેવી વેણુગોપાલ, અજય માકન, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રણદીપ સિંહ સુરજેવાલા જેવા દિગ્ગજ નેતાઓ પણ સામેલ છે. સુરજેવાલાને AICC લીડર કર્ણાટકના પ્રભારી પણ બનાવાયા હતા.
કોંગ્રેસે અગાઉ આ ઓફર પ્રશાંત કિશોરને કરી હતી. તેમણે ઇન્કાર કર્યાના થોડાક અઠવાડિયા બાદ કાનુગોલુ કોંગ્રેસ ટાસ્ક ફોર્સનો હિસ્સો બન્યા. કાનુગોલૂ ની કોઈ સોશિયલ મીડિયા પ્રોફાઇલ નથી. કિશોર અને કાનુગોલૂએ 2014માં અલગ થતા પહેલા સાથે કામગીરી કરી હતી, જોકે બંનેનો અભિગમ અલગ છે.
પ્રશાંત કિશોરથી અલગ થયા બાદ, કાનુગોલુએ 2016ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં DMK વડા અને વર્તમાન મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના અભિયાન “નમાક્કુ નામ”ને તૈયાર કર્યુ હતુ. આ અભિયાને સ્ટાલિનની પબ્લિક ઇમેજ બનાવી હતી. જોકે, ડીએમકે જીત હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે ત્રીજા મોરચાએ મતોનું વિભાજન કર્યું અને AIADMK સત્તામાં ટકી રહી હતી. ત્યારે પણ કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે, “DMK હારી ગયો પરંતુ સ્ટાલિન નેતા તરીકે ઉભરી આવ્યા છે.” આ પછી કાનુગોલુએ ફેબ્રુઆરી 2018 સુધી દિલ્હીમાં અમિત શાહ સાથે નજીકથી કામગીરી કરી હતી.
2019ની ચૂંટણીમાં DMK માટે કામગીરી કરી
2019ની લોકસભા ચૂંટણી પહેલા સુનીલ કાનુગોલુ DMK કેમ્પમાં પરત ફર્યા અને UPA (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)ને રાજ્યની 39 સંસદીય મતવિસ્તારોમાંથી 38 બેઠકો જીતાડવામાં મદદ કરી. પરંતુ સ્ટાલિને કિશોરની મદદ માંગી તે પછી તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીથી અલગ થઈ ગયા.
તેમણે પક્ષપલટો કર્યો અને AIADMKની માટે કામગીરી કરી પરંતુ તેને સત્તામાંથી બેદખલ થતા રોકી શક્યા નહીં. તે વર્ષે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે બેઠક કર્યા બાદ કોંગ્રેસે કર્ણાટકની માટે કાનુગોલૂની કંપની માઇન્ડશેર એનાલિટિક્સની સર્વિસ લીધી.
કોંગ્રેસે સુનિલ કાનુગોલુને કેમ પસંદ કર્યા?
કોંગ્રેસે તેના ચૂંટણી રણનીતિકાર તરીકે સુનિલ કાનુગોલુને કેમ પસંદ કર્યા? તેનું એક કારણ તેમની લો પ્રોફાઇલ પર્સનાલિટી પણ હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસને કોંગ્રેસના એક નેતાએ કહ્યું, “સુનિલ કાનુગોલુ એટલા લો પ્રોફાઈલ છે કે સોશિયલ મીડિયા પર તેમની તસવીર ગણાવીને જે શેર કરવામાં આવે છે તે હકીકતમાં તેમના ભાઈ છે. આના પરથી તમે તેમની કાર્યશૈલીને સમજી શકો છો. તેમને પડદા પાછળ કામ કરવાનું પસંદ છે. હું માનું છું કે તે પાર્ટી પર પોતાના વિચારો થોપતા નથી. દરેક પક્ષની પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે. દરેક પક્ષની કામ કરવાની રીત અલગ હોય છે. તેઓ આ બાબતને સમજે છે અને પાર્ટી સાથે કામ કરવાનો પ્રયાસ કરે છે.”
સુનિલ કાનુગોલુ 40 વર્ષના પણ નથી, પરંતુ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો માટે એક ડઝનથી વધુ ચૂંટણીઓની રણનીતિ બનાવી ચૂક્યા છે. લગભગ એક દાયકાની કારકિર્દીમાં તેમણે એક ડઝનથી વધુ મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. ભાજપથી લઈને ડીએમકે અને હવે કર્ણાટકમાં કોંગ્રેસ સુધી, કાનુગોલુ પ્રશાંત કિશોરની જેમ જ લોકપ્રિય ચૂંટણી વ્યૂહરચનાકાર બની રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસે સુનીલ કાનુગોલુને મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવવાની જવાબદારી પણ સોંપી છે.
આ પણ વાંચોઃ Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.