Karnataka Assembly Elections 2023: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે તેમની પાર્ટી ખેડૂતોના પુત્ર સાથે લગ્ન કરનાર યુવતીઓને બે લાખ રૂપિયા આપશે. કુમારસ્વામીએ આ નિવેદન કોલારમાં પંચરત્ન રેલીને સંબોધિત કરતા આપ્યું છે. તેમણે આ દરમિયાન કહ્યું કે ખેડૂતોના પુત્ર સાથે લગ્ન માટે પ્રોત્સાહિત કરવા સરકારે યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ.
કુમારસ્વામીએ આવું કેમ કહ્યું
એચડી કુમારસ્વામીએ કહ્યું કે મને એક અરજી મળી છે કે યુવતીઓ ખેડૂતોના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. ખેડૂતોના પુત્ર સાથે લગ્ન કરવા પ્રોત્સાહિત કરવા માટે સરકારે યુવતીઓને બે લાખ રૂપિયા આપવા જોઈએ. આ ખેડૂત પરિવારમાંથી આવતા યુવાનો માટે શાનદાર નિર્ણય રહેશે.
આ પણ વાંચો – ભાજપ ફરી સરકાર બનાવશે? જાતિ સમીકરણ કેવા છે? હાર-જીતમાં બે સમુદાયની ભૂમિકા મહત્વપૂર્ણ
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે
કર્ણાટકમાં 10 મે ના રોજ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મે ના રોજ પરિણામ જાહેર થશે. કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 24 મે ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. કર્ણાટકમાં રાજ્યની 224 વિધાનસભા મતવિસ્તારોમાં 5,21,73,579 નોંધાયેલા મતદારો છે. રાજ્યભરમાં 58,282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 104 સીટો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 78 વિધાનસભા સીટો જીતી હતી. કુમારસ્વામીની પાર્ટી જેડીએસને 37 સીટો મળી હતી. કર્ણાટકમાં બીએસપીને 1, કેપીજેપી અને અપક્ષને 1-1 સીટો મળી હતી.





