કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેમના એક ધારાસભ્યનો પુત્ર ગુરુવારે સાંજે તેના પિતાના કાર્યાલયમાં 40 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો. બાતમીના આધારે લોકાયુક્ત પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન, આરોપીઓના ઘરની તપાસમાં રૂ. 6 કરોડની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.
લોકાયુક્ત પોલીસે બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB)માં ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા વી પ્રશાંત મદલની તેના પિતા અને ચન્નાગિરીના બીજેપી ધારાસભ્ય કે મદલ વિરુપક્ષપ્પાની ક્રેસન્ટ રોડ ઓફિસમાં ખાનગી વ્યક્તિ પાસેથી પૈસા લીધા બાદ ધરપકડ કરી હતી.
ગુરુવારે સવારે પ્રશાંતની ધરપકડ માટેની એફઆઈઆર જે વ્યક્તિએ લાંચ આપવાનું કહ્યું હતું તેના દ્વારા દાખલ કરવામાં આવી હતી. લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, પ્રશાંતના પિતા કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડ (K&SDL)ના ચેરમેન પણ છે અને લાંચની રકમ તેમના માટે હતી. પોલીસે જણાવ્યું કે, વાસ્તવિક માંગ 81 લાખ રૂપિયા હતી, જેમાંથી તે 40 લાખ રૂપિયા ચૂકવાઈ રહ્યા હતા.
દરોડા દરમિયાન ધારાસભ્યની ઓફિસમાંથી 1.2 કરોડ રૂપિયા મળી આવ્યા હતા, જ્યાં પ્રશાંતને પકડવામાં આવ્યો હતો. લોકાયુક્ત પોલીસે પ્રશાંતના સંજય નગર સ્થિત ડોલર્સ કોલોની ખાતેના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. આવાસ પર ફોલો-અપ દરોડામાં, 6 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે પ્રશાંતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમણે અગાઉ નાણાકીય સલાહકાર તરીકે હાલના નિષ્ક્રિય એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સાથે કામ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે એસીબીના બંધ થયા બાદ પ્રશાંતે લોકાયુક્તમાં જોડાવા પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો – મેઘાલયની ચૂંટણીમાં કોંગ્રેસની આશા ઠગારી નીવડી, તેમનો મુખ્ય ચહેરો વિન્સેન્ટ પાલા પણ હારી ગયા
મદાલુ વિરુપક્ષપ્પા દાવંગેરે જિલ્લાના ચન્નાગિરી મતવિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય છે. તેમણે 2018ની વિધાનસભા ચૂંટણીમાં પોતાના સોગંદનામામાં 5.73 કરોડ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો હતો. 2013ની ચૂંટણીમાં, તેમણે 1.79 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના વદનલ રાજન્ના સામે હારી ગયા હતા.