Karnataka CM Race: કર્ણાટક ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવ્યા પછી કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે. હજુ પાર્ટી આ વિશે નિર્ણય કરી શકી નથી. ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે રેસ જોવા મળી રહી છે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે મંગળવારે સાંજે જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હજુ સુધી કોઇ નિર્ણય કરાયો નથી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. બન્ને તરફથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે પણ હજુ સુધી અંતિમ નિર્ણય લઇ શકાયો નથી. હવે માનવામાં આવે છે કે સીએમ પદનો નિર્ણય સોનિયા ગાંધી અને રાહુલ પર છોડી દેવામાં આવશે. રાહુલ અને સોનિયા પણ આ નિર્ણય ક્યારે લેવાના છે તે હજુ સુધી જણાવવામાં આવ્યું નથી એટલે મામલો ખેંચાતો હોય તેવું લાગી રહ્યું છે.
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની દલીલો શું છે?
મોટી વાત એ છે કે ડીકે શિવકુમાર સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ગુસ્સાના કારણે દિલ્હી પણ નથી આવ્યા. પરંતુ પાછળથી તેમના પેટમાં ઈન્ફેક્શન થયું હોવાનો ખુલાસો આપવામાં આવ્યો હતો. હવે જ્યારે ડીકે દિલ્હી આવી ગયા છે ત્યારે આ રેસ ફરી એકવાર રસપ્રદ બની છે. સિદ્ધારમૈયા સતત એવી દલીલ કરી રહ્યા છે કે તેમની પાસે વધુ ધારાસભ્યોનું સમર્થન છે. બીજી તરફ ડીકે ભાવનાત્મક કાર્ડ રમીને બાજી પોતાના પક્ષમાં કરવા માંગે છે.
આ પણ વાંચો – Road to 2024: કર્ણાટકમાં જીત મળી, હવે કોંગ્રેસ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન માટે કેમ વધુ આશાવાદી છે
ડીકે શિવકુમારની તાકાત
- ચૂંટણીમાં પ્રચંડ જીત અપાવવાનો શ્રેય જાય છે. તેઓ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે.
-લિંગાયત અને વોક્કાલિગા સમુદાયના પ્રભાવશાળી નેતાઓએ ટેકો આપ્યો છે.
- તેમણે અધ્યક્ષ કાળમાં મુશ્કેલ સમયમાંથી પાર્ટીને બહાર કાઢી હતી.
- સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનું સમર્થન મળી શકે છે. તે સોનિયા ગાંધીના રાઇન્ટ હેન્ડ રહેલા અહેમદ પટેલ સાથે કામ કરી ચુક્યા છે.
સિદ્ધારમૈયાની તાકાત
- પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસના 135 નવા ધારાસભ્યોમાંથી 90એ પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો તરફથી સિદ્ધારમૈયાને સમર્થન આપ્યું છે.
- સિદ્ધારમૈયા પાસે વધુ અનુભવ છે અને તેમનું કદ વિશાળ છે.
- મુસ્લિમ અને કુરુબા સમુદાયમાંથી તેમને સમર્થન મળી રહ્યું છે.
કર્ણાટકની ચૂંટણીના પરિણામ
કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો જીતી છે. જ્યારે આ વખતે ભાજપની કુલ બેઠકો 66 બેઠકો પર અટકી ગઈ છે. જેડીએસને માત્ર 19 બેઠકો મળી હતી. 224 બેઠકો ધરાવતા આ રાજ્યમાં બહુમતી માટે 113 સીટ જરૂરી છે. આવી સ્થિતિમાં જનતાએ કોંગ્રેસને પ્રચંડ જનાદેશ આપ્યો છે.