Siddaramaiah vs DK shivakumar: સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને કર્ણાટકમાં સીએમ પદને લઇનેઅડગ છે. આજે બંને નેતાઓએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ડીકે શિવકુમાર પોતાના ભાઈ ડીકે સુરેશના દિલ્હી સ્થિત ઘરે પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. આ પહેલા તમામ મીડિયા સંસ્થાનોએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કોંગ્રેસે સીએમ પદ માટે સિદ્ધારમૈયાના નામની પસંદગી કરી છે, પરંતુ હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે રણદીપ સુરજેવાલાએ આવા તમામ અહેવાલોને અફવા ગણાવીને ફગાવી દીધા હતા.
આ દરમિયાન હિન્દુસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલાથી એક રિપોર્ટમાં અહેવાલ આપ્યો છે કે કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને ઉપમુખ્યમંત્રી પદની સાથે છ વિભાગોનો હવાલો સોંપવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઓ ચાલી રહી છે. પાર્ટીએ આ અંગે તમામ અટકળોને ફગાવી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડીકે શિવકુમારે માંગ કરી છે કે કાં તો તેમને પાંચ વર્ષ માટે સંપૂર્ણપણે સરકારની કમાન સોંપવામાં આવે અથવા તો બિલકુલ નહીં. તેમણે પૂછ્યું કે સિદ્ધારમૈયાએ ત્રણ વર્ષમાં શું કર્યું?
આ પણ વાંચો – શું કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી બદલાઇ ગયું છે મમતા બેનર્જીનું વલણ? જાણો કોંગ્રેસ-ટીએમસીના સંબંધોના ઉતાર-ચડાવની કહાની
આ વચ્ચે કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની રેસમાં ત્રીજા એક દાવેદાર આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વરાએ પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 50 ધારાસભ્યોને જમા કરી શકે છે અને દિલ્હી જઇ શકે છે પરંતુ ખચકાઇ રહ્યા છે કારણ કે તેમના સિદ્ધાંતો વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે જો મુખ્ય નેતૃત્વમાં મને જવાબદારી આપે તો હું આ જવાબદારી લેવા માટે હું તૈયાર છું. મને પોતાની લીડરશિપમાં વિશ્વાસ છે
કોંગ્રેસ કર્ણાટકમાં 135 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. હવે સરકાર બનાવવા માટે પાર્ટીની અંદર નેતૃત્વ સંઘર્ષ ચાલી રહ્યો છે.