Karnataka Assembly Election Results 2023 Live Updates : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી જે ચૂંટણી વલણો સામે આવ્યા છે. તેમાં કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. કર્ણાટકમાં 224 વિધાનસભાની ચૂંટણી માટે 10 મે ના રોજ મતદાન થયું હતું.
જો કર્ણાટક ચૂંટણી પ્રચારની વાત કરીએ તો આ ચૂંટણીમાં તમામ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જનતાને રીઝવવા માટે ઘણી રેલીઓ અને જનસભાઓ કરી હતી. આ દરમિયાન નેતાઓએ રાજ્યની જનતાને અનેક વચનો આપ્યા હતા અને દાવા પણ કર્યા હતા. આવી સ્થિતિમાં જો આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની રેલીઓ અને જનસભાઓની વાત કરીએ તો આ નેતાઓએ રાજ્યમાં વિશાળ રેલીઓ કરી હતી. ચાલો એક નજર કરીએ. આ અગ્રણી નેતાઓએ ચૂંટણી રેલીઓ અને જનસભાઓ યોજી હતી ત્યાં પાર્ટીનું શું સ્થિતિ રહી છે.
પીએમ મોદીએ 18 રેલીઓ અને 6 રોડ શો કર્યા
ભાજપ તરફથી પીએમ મોદી કર્ણાટક ચૂંટણીમાં સૌથી વધુ સક્રિય દેખાયા હતા. મોદીએ 29 એપ્રિલથી 7 મે વચ્ચે સાત દિવસ સુધી પ્રચાર કર્યો હતો. વડા પ્રધાને રાજ્યના 31 જિલ્લાઓમાંથી 19 જિલ્લાઓમાં રેલીઓ અને રોડ શો યોજ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ 18 રેલીઓ અને 6 રોડ શો કર્યા. રોડ શો દ્વારા મોદીએ 19 વિધાનસભા સીટોને કવર કરી હતી. મોદીએ મૈસુરુના પ્રખ્યાત શ્રીકાંતેશ્વર મંદિરમાં પ્રાર્થના કરીને તેમના ચૂંટણી અભિયાનની સમાપ્તિ કરી હતી.
આ પણ વાંચો – દેશ માટે આખરે કેમ આટલું મહત્ત્વપૂર્ણ છે કર્ણાટક? આંકડાથી સમજો પૂરી કહાની
ગૃહમંત્રી અમિત શાહે 16 રેલીઓ કરી, 20 રોડ શો કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. શાહે કર્ણાટક રાજ્યમાં 21 એપ્રિલથી 7 મેની વચ્ચે નવ દિવસ સુધી પ્રચાર કર્યો હતો. તેમણે 31 જિલ્લાઓમાંથી 19 જિલ્લાઓમાં રેલીઓ અને રોડ શો યોજ્યા હતા. જેમાં 16 રેલી અને 20 રોડ શો સામેલ છે.
રાહુલ ગાંધી 23 રેલીઓ અને 2 રોડ શો
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટી માટે અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 16 એપ્રિલથી 7 મે વચ્ચે 11 દિવસ સુધી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધીએ રાજ્યના 31 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓમાં રેલીઓ અને રોડ શો કર્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન 23 રેલીઓ અને 2 રોડ શો કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ 15 રેલી, 11 રોડ શો કર્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની જીત માટે ઘણી મહેનત કરી. પ્રિયંકા ગાંધીએ 25 એપ્રિલથી 8 મે વચ્ચે રાજ્યમાં નવ દિવસ સુધી પ્રચાર કર્યો હતો. પ્રિયંકાએ રાજ્યના 31માંથી 18 જિલ્લામાં રેલી અને રોડ શો કર્યા હતા. જેમાં 15 રેલી અને 11 રોડ શોનો સમાવેશ થાય છે. પ્રિયંકાના રોડ શો એ રાજ્યની જનતાનું ધ્યાન ખેંચ્યું હતું.
પીએમ મોદીએ પ્રચાર કર્યો હતો તે સીટની શું છે સ્થિતિ
વડાપ્રધાન મોદીએ બીટર બેઠક પર ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો, પરંતુ આ બેઠક પરથી મોદીના કરિશ્માની કોઇ ખાસ અસર જોવા મળી નથી. આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહીમ ખાન આગળ ચાલી રહ્યા છે. બીજાપુર બેઠક પરથી ભાજપના યત્નાલ આગળ ચાલી રહ્યા છે. બેલગામ ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પીએમ મોદીએ આ તમામ સીટો પર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું છે કે કર્ણાટકમાં નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસની જીત થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હારી ગયા છે.
પ્રિયંકા ગાંધીએ વિજયનગરમાં રોડ શો કર્યો હતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાત કરવામાં આવે તો તેમણે બીદર સીટથી કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. અહીંયા કોંગ્રેસના રહીમ ખાન આગળ ચાલી રહ્યા છે. બેલગામ ગ્રામીણ વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. બેલગામમાં અમિત શાહે રોડ શો કર્યો હતો. વિજયનગર સીટથી કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વિજયનગરમાં પ્રિયંકા ગાંધીએ રોડ શો કર્યો હતો.