Karnataka Election Results 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસે 224માંથી 135 સીટો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. કર્ણાટકમાં ભાજપને 66 બેઠકો અને જેડીએસને 19 બેઠકો મળી છે. 2023ની કર્ણાટક ચૂંટણીના પરિણામોમાં ભાજપે રાજ્યમાં તેનો એકંદરે 36 ટકા મત હિસ્સો જાળવી રાખ્યો હતો પરંતુ વિધાનસભામાં તેની વર્તમાન 116 બેઠકોમાંથી 40 ટકાથી વધુ બેઠકો ગુમાવી હતી.
ભાજપને 36 ટકા વોટ શેર સાથે 65 બેઠકો મળી
ભાજપે 2023ની ચૂંટણીમાં 36 ટકાના વોટ શેર સાથે માત્ર 65 બેઠકો જીતી છે, જ્યારે 2018માં આ જ વોટ શેર હતો પણ પાર્ટીએ 104 બેઠકો જીતી હતી. હકીકત એ છે કે ભાજપનો આ વોટ શેર કર્ણાટકના માત્ર બે જ પ્રદેશો ઓલ્ડ મૈસૂર અને બેંગલુરુથી આવ્યો છે. સાથે જ 2018ની ચૂંટણીમાં આ વોટ શેર દરેક જગ્યાએથી આવ્યો હતો. જોકે દક્ષિણ કર્ણાટકમાં ભાજપે સીટો જીત્યા વગર જ જેડીએસના વોટ શેરનો ભંગ કર્યો છે.
કોંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં 7 ટકાનો તફાવત
આ વર્ષે રેકોર્ડ 73 ટકા મતદાન નોંધાયું હતું. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ દ્વારા જીતેલી બેઠકોના ક્ષેત્રવાર વિભાજન પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે કોંગ્રેસે તેનો વોટ શેર 2018માં 38 ટકા અને 80 સીટથી વધારીને 2023માં 43 ટકા અને 135 બેઠકો કરી છે. જેડીએસે 19 સીટો પર જીત મેળવી છે અને તેનો વોટ શેર 13 ટકા થઇ ગયો છે. જે 2018માં 18 ટકા હતો અને 37 સીટો પર જીતી મેળવી હતી. જોકે કોંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં માત્ર 7 ટકાનો ગેપ હોવા છતાં બંને પક્ષો વચ્ચે 70 બેઠકોનો તફાવત જોવા મળ્યો છે.
મુંબઈ કર્ણાટક ક્ષેત્ર અને મધ્ય કર્ણાટકના કારણે કોંગ્રેસની મોટી જીત
કોંગ્રેસની મોટી જીત મુંબઈ કર્ણાટક ક્ષેત્ર અને મધ્ય કર્ણાટકમાં જીતના કારણે મળી છે, જે ભાજપનો ગઢ હતો. આ સાથે હૈદરાબાદ કર્ણાટકમાં કોંગ્રેસે હંમેશા મજબૂત જીત સાથે સારું પ્રદર્શન કર્યું હતું. સામાન્ય રીતે ઓલ્ડ મૈસૂર વિસ્તારમાં જેડી(એસ)નો દબદબો રહેતો હોય છે ત્યાં પણ કોંગ્રેસે વિજય પતાકા લહેરાવી છે. મુંબઈ કર્ણાટક વિસ્તાર લિંગાયત બેલ્ટ છે, જ્યાં સમુદાયનો મોટો ભાગ (17 ટકા) રહે છે. આ ક્ષેત્રમાં કોંગ્રેસે પ્રદેશની 50માંથી 33 બેઠકો પર જીત મેળવી છે. 2018ના પરિણામોમાં અહીં કોંગ્રેસે માત્ર 16 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપએ અહીં 31 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો – ભારતમાં કેટલા રાજ્યોમાં છે કોંગ્રેસની સરકાર? આ રહી સંપૂર્ણ યાદી
ભાજપ અને કોંગ્રેસે કયા પ્રદેશમાં કેટલી બેઠકો જીતી?
હૈદરાબાદ કર્ણાટક ક્ષેત્રમાં 2023માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે 40માંથી 26 બેઠકો જીતી છે, જ્યારે 2018માં પાર્ટીએ અહીં 21 બેઠકો જીતી હતી. ભાજપે અહીં 10 બેઠકો જીતી છે, જે 2018ની સરખામણીએ ત્રણ બેઠકો ઓછી છે. મધ્ય કર્ણાટક ક્ષેત્રમાં કોંગ્રેસે 23માંથી 19 બેઠકો જીતી છે જે 2018ની સરખામણીએ સાત બેઠકો વધારે છે. ભાજપે 2018માં અહીં 10 બેઠકો જીતી હતી પણ આ વખતે ફક્ત 4 બેઠકો મળી છે.
આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જૂના મૈસુરુ ક્ષેત્રમાં કોંગ્રેસે 64 માંથી 43 બેઠકો જીતીને અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે, જે 2018ની તુલનામાં 23 બેઠકો વધારે છે. 2018ની સરખામણીમાં ભાજપે આ ક્ષેત્રમાં 11 બેઠકો અને જેડીએસે 12 બેઠકો ગુમાવી છે. ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન બેંગલુરુમાં રહ્યું છે, જ્યાં તેણે 28માંથી 15 બેઠકો જીતી છે. ભાજપને તટીય કર્ણાટક વિસ્તારમાં પણ થોડું નુકસાન થયું છે, જ્યાં 19માંથી 13 સીટો જીતી છે. 2018માં આ ક્ષેત્રમાં 16 બેઠકો જીતી હતી. કોંગ્રેસે આ વખતે આ ક્ષેત્રમાં છ બેઠકો જીતી છે. 2018ની સરખામણીએ પાર્ટીને ત્રણ બેઠકોની લીડ મળી છે.