Karnataka election results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીત સાથે જ પાર્ટીની સામે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે રાજ્યના મુખ્યમંત્રી કોને બનાવવા જોઈએ. કોંગ્રેસ તરફથી બે નામ સૌથી વધુ ચર્ચામાં છે. પહેલું નામ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને બીજું નામ કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારનું છે. આ દરમિયાન ડીકે શિવકુમારે કહ્યું કે સિદ્ધારમૈયા સાથે તેમનો કોઈ મતભેદ નથી.
મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે: ડીકે શિવકુમાર
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સિદ્ધારમૈયા સાથે મારા મતભેદ છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે અને સિદ્ધારમૈયા જી ની સાથે ઉભો રહ્યો છું. મેં સિદ્ધારમૈયાને સહકાર આપ્યો છે. મેં બલિદાન આપ્યું, મદદ કરી અને સિદ્ધારમૈયાની પડખે ઊભો રહ્યો છું. શરૂઆતમાં જ્યારે મને મંત્રી ન બનાવવામાં આવ્યો ત્યારે શું મેં ધીરજ રાખી ન હતી? મેં સિદ્ધારમૈયાને સહકાર આપ્યો છે.
ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે સીએમ પદ માટે મુકાબલો
કર્ણાટકની 224 વિધાનસભા બેઠકોમાંથી 135 બેઠકો જીત્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કોંગ્રેસ વિધાયક દળના નેતાની પસંદગી માટે પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે, જિતેન્દ્ર સિંહ, દીપક બાબરિયાની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે રવિવારે (14 મે, 2023) ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે.
આ પણ વાંચો – કોણ બનશે મુખ્યમંત્રી? ડી કે શિવકુમાર કે સિદ્ધારમૈયા? જાણો કોણ છે બાહુબલી
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે 6 વાગ્યે બેંગલુરુની હોટલ શંગ્રીલામાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય લેવામાં આવશે અને જરૂર પડ્યે તેમને પોતાના નેતાને મત આપવાનું પણ કહેવામાં આવી શકે છે.
ડીકે શિવકુમારે કનકપુરા મતવિસ્તારમાં જેડી(એસ)ના ઉમેદવાર બી નાગરાજુને 1,22,392 મતોથી હરાવ્યા હતા, જ્યારે સિદ્ધારમૈયાએ વરુણા વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વી સોમન્નાને હરાવ્યા હતા.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આપ્યું રાજીનામું
આ દરમિયાન ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ ગઈ કાલે રાત્રે રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાર નથી.