Who Is CM of Karnataka : કર્ણાટકની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ કોંગ્રેસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે. હવે આ અંગે નિર્ણય લેવા માટે બેંગલુરુમાં પાર્ટીની વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકી નથી. ધારાસભ્ય દળની બેઠકમાં એક પ્રસ્તાવ પાસ થયો છે. તે પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગી કરશે. સોમવારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી જશે. મુખ્યમંત્રીની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સૌથી આગળ હોવાનું કહેવાય છે. બંને નેતાઓના સમર્થકોએ પણ જમીન પર માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે.
એક તરફ ડીકેના સમર્થકો આ વખતે મુખ્યમંત્રી બને તેવા પોસ્ટર લગાવી રહ્યા છે તો બીજી તરફ સિદ્ધારમૈયાના પુત્રએ કહ્યું છે કે, તેઓ પોતાના પિતાને ફરીથી સીએમ બનતા જોવા માંગે છે. એટલે કે બંને પક્ષે મહત્ત્વાકાંક્ષાની જબરદસ્ત ટક્કર છે, હવે કોનો તાજ પહેરાવવામાં આવે છે તે તો સમય જ બતાવશે. જોકે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ છે કે સીએમના ચહેરા પર હાઈકમાન્ડ નિર્ણય લેવા જઈ રહ્યુ છે. આ કારણે ખડગેએ દિલ્હીમાં ગાંધી પરિવાર સાથે મહત્વની બેઠક પણ કરી હતી.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણી પરિણામ : કર્ણાટકમાં 7 ટકા વોટ શેરનો જાદુ, કોંગ્રેસની વધી ગઇ 70થી વધુ બેઠકો
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકો વચ્ચે પોસ્ટર વોર
કર્ણાટકમાં જીત હાંસલ થવાની સાથે જ સમર્થકો દ્વારા પોસ્ટરો લગાવવાનું શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગલુરુમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને ‘કર્ણાટકના આગામી મુખ્યમંત્રી’ તરીકે દર્શાવ્યા હતા. તો બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગલુરુમાં તેમના નિવાસસ્થાનની બહાર પોસ્ટર લગાવ્યું હતું. જેમાં ડીકે શિવકુમારને રાજ્યના ‘સીએમ’ તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જેમાં શિવકુમારને રાજ્યના આગામી મુખ્યમંત્રી ગણાવીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ડીકે શિવકુમારનો જન્મદિવસ 15મી મેના રોજ છે. તેમનો જન્મ 15 મે 1962ના રોજ થયો હતો, તેઓ સોમવારે 61 વર્ષના થશે.
મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયા બની શકે છે પ્રથમ પસંદગી
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયા એક જન નેતાની છબી ધરાવતા હોવાથી તેઓ મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી બની શકે છે. બીજી તરફ વોક્કાલિગા સમુદાયના શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ઉપરાંત ડેપ્યુટી સીએમ તરીકે એમબી પાટીલ (લિંગાયત) અને પૂર્વ ડેપ્યુટી સીએમ પરમેશ્વર (દલિત)ના નામ પણ ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પક્ષ દ્વારા મોકલવામાં આવેલા કેન્દ્રીય નિરીક્ષકો વિધાયક દળના નેતાનું નામ સૂચવશે.
મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે: ડીકે શિવકુમાર
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સિદ્ધારમૈયા સાથે મારા મતભેદ છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મેં પાર્ટી માટે ઘણી વખત બલિદાન આપ્યું છે અને સિદ્ધારમૈયા જી ની સાથે ઉભો રહ્યો છું. મેં સિદ્ધારમૈયાને સહકાર આપ્યો છે. મેં બલિદાન આપ્યું, મદદ કરી અને સિદ્ધારમૈયાની પડખે ઊભો રહ્યો છું. શરૂઆતમાં જ્યારે મને મંત્રી ન બનાવવામાં આવ્યો ત્યારે શું મેં ધીરજ રાખી ન હતી? મેં સિદ્ધારમૈયાને સહકાર આપ્યો છે.