Johnson T A : સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસની કર્ણાટક સરકારે શનિવારે શપથ ગ્રહણ કર્યા તે પહેલા એક ટેલિવિઝન ડિબેટમાં એકવાર ફરીથી એક દલિત મુખ્યમંત્રીની ગેરહાજરીની ચર્ચા થઇ હતી. રાજ્યમાં ક્યારેય દલિત સીએમ ન હોવાને કારણે ચર્ચા એ વિષય પર કેન્દ્રિત થઈ ગઈ હતી કે શું રાજકીય પક્ષો દલિતોને આ પદથી દૂર રાખવા માટે જાતિના સમીકરણ પર જઈ રહ્યા છે કે પછી દલિત નેતાઓ રાજકીય રીતે દાવો કરવા માટે પૂરતા મજબૂત નથી.
કર્ણાટકમાં દલિત સમુદાયો તરફથી સીએમ નિયુક્ત કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને જનતા દળે (સેક્યુલર)આ માંગને પૂરી કરવા માટે ઘણો સમય ગુમાવ્યો છે અને વધુ પ્રભાવશાળી જાતિઓના સભ્યો સાથે રહેવાનું પસંદ કર્યું છે, જે વધુ સંગઠિત લાગે છે.
અનુસૂચિત જાતિ (એસસી) સમુદાયોના હિતો સાથે સૌથી નજીકથી સંકળાયેલી ગણાતી કોંગ્રેસ, તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દલિત સમુદાયમાંથી આવે છે. કોગ્રેસે 2004, 2013માં અને હવે તાજેતરની ચૂંટણીઓ પછી દલિત મુખ્યમંત્રીની નિમણૂક કરવાની તકો ગુમાવી છે.
ભાજપ મડિગા જેવા સૌથી પછાત દલિતો માટે રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડીને એસસીના સમર્થનને કોંગ્રેસથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ગોવિંદ કરજોલ અને એ નારાયણસ્વામી જેવા નેતાઓને રાજ્ય અને કેન્દ્રના ટોચના પ્રધાન પદ પર નિયુક્ત કર્યા છે. પરંતુ 2021માં તેમણે પણ દલિત મુખ્યમંત્રીને નિમણૂક કરવાની તક ગુમાવી હતી જ્યારે પાર્ટીના લિંગાયતના દિગ્ગજ નેતા બી એસ યેદિયુરપ્પાને પદ છોડવાની ફરજ પડી હતી.
જેડી(એસ)એ ભૂતકાળમાં દાવો કર્યો હતો કે 2004 અને 2018માં કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન ખડગેને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવા માટે તૈયાર હતી પરંતુ તેના તત્કાલીન સાથી પક્ષ નિષ્ફળ ગયા હતા અને અન્યોને પસંદ કર્યા હતા. 2004માં એક રાજપૂત એન ધરમ સિંહ અને 2018માં વોક્કાલિગા અને જેડી (એસ) સુપ્રીમો એચ ડી દેવગૌડાના પુત્ર એચ ડી કુમારસ્વામીની પસંદગી કરી હતી.
આ પણ વાંચો – કર્ણાટકઃ કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર ચૂંટણીમાં આપેલા 5 વચનો પાળશે, વાર્ષિક 50 કરોડ રૂપિયા ખર્ચશે
જ્યારે જેડીએસે ક્યારેય દલિત સીએમનો અંદાજ મુક્યો નથી પરંતુ તે બહુજન સમાજ પાર્ટી (બીએસપી) જેવા પક્ષો સાથે ચૂંટણી જોડાણ સાથે વ્યૂહાત્મક રીતે દલિત મતો જીતવામાં સફળ રહી છે. જેણે 2018ની ચૂંટણીમાં પાર્ટીને મદદ કરી હોવાનું માનવામાં આવે છે. આ વખતે દલિત તરફી પક્ષો સાથે જોડાણના અભાવને કારણે પાર્ટીને એસસી સમુદાયોના સમર્થનની કિંમત ચૂકવવી પડી હોવાનું માનવામાં આવે છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ વડા જી પરમેશ્વરે જણાવ્યું હતું કેલોકોને દલિત મુખ્યમંત્રીની ઇચ્છા છે પરંતુ અમે તેને પુરી કરી શક્યા નથી. આવી માંગ ઉઠાવવામાં કંઈ ખોટું નથી. હાઈકમાન્ડ આ તમામ બાબતોની નોંધ લેશે. કોંગ્રેસ પાર્ટી પરિસ્થિતિ અને ઉમેદવારોની ક્ષમતાઓ અનુસાર નિર્ણય લેશે. તેઓ 2013માં મુખ્યમંત્રી બનવા માટે સૌથી આગળ હતા પરંતુ કોંગ્રેસ ચૂંટણી જીતી ગઈ હોવા પણ તે હારી ગયા હતા.
કોંગ્રેસની જોરદાર જીત બાદ પરમેશ્વર આ વખતે પણ સીએમ બનવાની રેસમાં હતા પરંતુ સિદ્ધારમૈયાને પાર્ટીના 135 ધારાસભ્યો અને કેન્દ્રીય નેતૃત્વના બહુમતિનું સમર્થન પ્રાપ્ત હોવાથી તેમની અવગણના કરવામાં આવી હતી.
પરમેશ્વરે જણાવ્યું હતું કે અમે પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો છીએ. અમને નથી લાગતું કે લોબિંગ કરવું અને પાર્ટી પર દબાણ લાવવું જરૂરી છે કારણ કે અમને હાઈકમાન્ડ પર વિશ્વાસ છે. પાર્ટીના નેતૃત્વએ સમજવું જોઈએ કે કયો સમુદાય પાર્ટીની સાથે ઉભો છે અને મોટી જીત માટે કોણ જવાબદાર છે. પરમેશ્વરે કહ્યું હતું કે આ વખતે દલિત સમુદાય, લિંગાયત સમુદાય અને લઘુમતીઓ કોંગ્રેસ પાર્ટી સાથે મજબૂતીથી ઉભા રહ્યા છે. દલિતોમાં કુલ 51 બેઠકો (એસટીની 15 બેઠકો સહિત) માંથી અમે 35 બેઠકો જીતી છે અને બે સામાન્ય કેટેગરીની બેઠકો પર પણ જીત્યા છીએ.અન્ય મતક્ષેત્રોમાં પણ દલિત સમર્થનની અસર થઈ છે.
પરમેશ્વરથી વિપરીત ખડગેએ ઘણીવાર કર્ણાટકના પ્રથમ દલિત સીએમ વિશેના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું છે કે તેમણે ક્યારેય તેમની જાતિના આધારે આ પદની માંગ કરી નથી અને જો તેમની નિમણૂક રાજકારણમાં તેમની વરિષ્ઠતા અને સેવાના આધારે કરવામાં આવશે તો તેઓ તેનું સ્વાગત કરશે.
2018માં જ્યારે સિદ્ધારમૈયાએ રાજ્યને પ્રથમ દલિત સીએમ મળવાની શક્યતા વિશે વાત કરી હતી ત્યારે ખડગેએ કહ્યું હતું કે મેં ક્યારેય દલિત તરીકે મુખ્યમંત્રી પદની માંગ કરી નથી. જો પાર્ટી મને મારી જાતિને આધારે નહીં પણ મારી વરિષ્ઠતાના આધારે ટોચના પદ માટે ધ્યાનમાં લેશે તો હું તેનું સ્વાગત કરીશ. તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
આ વખતની ચૂંટણી પહેલા શિવકુમારે ખડગેના સીએમ બનવાના મુદ્દાને એમ કહીને રજૂ કર્યો હતો કે તેઓ તેમના માટે સ્વીકાર્ય ઉમેદવાર હશે. આ નિવેદનમાં તેમના વિરોધીઓએ તેમના સિદ્ધારમૈયા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ જોયો હતો. હાલના ડેપ્યુટી સીએમએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે દેશ અને રાજ્ય માટે એક સંપત્તિ છે. પાર્ટી જે પણ નિર્ણય લેશે તેનું હું પાલન કરીશ. તેમણે પાર્ટી માટે ઘણા બલિદાન આપ્યા છે. બ્લોક નેતાથી લઇને તેઓ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. આવું માત્ર કોંગ્રેસમાં જ થઈ શકે છે. જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો હું ખુશીથી કામ કરીશ.
મતદાન પછી શિવકુમારે એમ પણ સૂચવ્યું હતું કે ખડગેએ નવા મુખ્યમંત્રી બનવા માટે કર્ણાટક આવવું જોઈએ. સિદ્ધારમૈયા સાથેના તેમના ઝઘડા વચ્ચે વૈકલ્પિક સમાધાન તરીકે આ સૂચન કરવામાં આવ્યું હતું. સિદ્ધારમૈયા કે જેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી) કુરુબા સમુદાયમાંથી આવે છે, તેમણે એસસી જૂથોની તરફેણ મેળવવા માટે ઘણા પ્રસંગોએ પોતાને દલિત તરીકે ઓળખાવ્યા છે. એસસી સમુદાયના વર્ગો દ્વારા તેમને ઘણીવાર દલિત મુખ્યમંત્રીનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.