શાજુ ફિલિપ : કેરળમાં એક મહિલાની હત્યાનો રહસ્યમય કેસ ઉકેલાયો. કેવી રીતે (એક આધ્યાત્મિક ગુરુએ) તેની પત્નીને મારી નાખી? 20 માર્ચ, 2020 ના રોજ, કેરળના પલક્કડ જિલ્લામાં એક વ્યક્તિએ ગૂગલ સર્ચમાં આ ટાઇપ કર્યું. કલાકો પછી, પોલીસ રેકોર્ડ મુજબ, 33 વર્ષીય સંગીત શિક્ષક પ્રશાંત નામ્બિયારે તેના ભાડાના ઘરમાં 42 વર્ષિય તેની મિત્ર સુચિત્રા પિલ્લઈ ગળું દબાવી દીધું અને તેના શરીરને એક ચાદરમાં લપેટી દીધું.
તે રાત્રે પછી, પ્રશાંત ફરીથી ઓનલાઈન થયો, અને ગુગલમાં સર્ચ કર્યું કે, મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો, અને એવી ફિલ્મોની તપાસ કરી જેમાં ગુનેગારો પોલીસને દગો આપી જતા હોય. પોલીસે જણાવ્યું કે, તેણે શરીરના ટુકડે-ટુકડા કરી નાખ્યા, અને ઘરની પાછળ એક ખાડામાં ફેંકી દીધા.
કોલ્લમ એડિશનલ સેશન્સ કોર્ટ-1 એ સોમવારે પ્રશાંતને કોલ્લમ જિલ્લાના નાડુવિલાક્કારા ગામની રહેવાસી સુચિત્રાની હત્યા માટે આજીવન કેદની સજા ફટકારી છે. પ્રશાંતને 14 વર્ષની જેલ અને 2.5 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. આ સજાઓ એક સાથે ચાલશે.
આ હત્યા 2019 માં શરૂ થયેલા સંબંધની પરાકાષ્ઠા હતી
ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, બે વખત છૂટાછેડા લીધેલ સુચિત્રાએ પ્રશાંત સાથે બાળક રાખવાનો આગ્રહ રાખ્યો હતો, જે પહેલાથી પરિણીત હતો. વ્યવસાયે બ્યુટિશિયન ટ્રેનર સુચિત્રા પ્રશાંતની પત્નીની દૂરની સંબંધી હતી.
બંને પહેલીવાર 2019 માં તેમના બાળકના નામકરણ સમારોહમાં મળ્યા હતા. તેમની મિત્રતા સોશિયલ મીડિયા પર ખીલી હતી, જો કે શરૂઆતમાં પ્રશાંતે તેની સાથે મોટી બહેનની જેમ વર્તન કર્યું અને તેને “ચાચી” કહીને સંબોધિત કરી. સુચિત્રા પલક્કડમાં પ્રશાંતના ફેમિલી ફંક્શનમાં પણ હાજરી આપતી, પ્રશાંત એક ખાનગી શાળામાં સંગીત શિક્ષક તરીકે કામ કરતો હતો.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, બે નિષ્ફળ લગ્નો પછી, સુચિત્રા ફરીથી લગ્ન કરવા ઈચ્છતી ન હતી પરંતુ તે માતા બનવા ઈચ્છતી હતી. તેણીએ પ્રશાંતને તેના બાળકના પિતા બનવા કહ્યું હતું. ફરિયાદ મુજબ, આ દરમિયાન તેણે તેની પાસેથી 2.56 લાખ રૂપિયા લીધા હતા.
પ્રશાંતને ડર હતો કે, જો તે બાળક માટે રાજી થશે, તો મામલો જાહેર થઈ જશે.
સુચિત્રાને મારવાનું નક્કી કર્યા પછી, પ્રશાંતે સુચિત્રાને પલક્કડમાં તેના ભાડાના મકાનમાં લઈ જવાનું નક્કી કરે છે. ચાર્જશીટ મુજબ, પ્રશાંતે સલાહ આપી કે, તે માર્ચમાં થોડા દિવસ સાથે રહે. આ દરમિયાન તેણે તેની પત્ની અને બાળકને કોલ્લમમાં તેના ઘરે અને પોતાના માતા-પિતાને કોઝિકોડ મોકલી દીધા.
પોલીસે વોટ્સએપ ચેટ્સ પણ રીકવર કરી છે જે દર્શાવે છે કે, પ્રશાંતે સુચિત્રાને કાળા વસ્ત્રો પહેરવાનું કહ્યું હતું, જેથી રાત્રે જ્યારે તેણી તેના ઘરમાં પ્રવેશે ત્યારે કોઈ તેને જોઈ ન શકે.
પોલીસ રેકોર્ડ મુજબ, સુચિત્રા 17 માર્ચની સવારે ઘરેથી નીકળી હતી અને કોલ્લમની બ્યુટિશિયન ટ્રેનિંગ એકેડમી ગઈ હતી. તેણીએ તેના પરિવારને કહ્યું કે, તે એક ક્લાસને સંબોધિત કરવા કોચી જઈ રહી છે. બપોરે, સુચિત્રા એકેડમીમાંથી એમ કહીને નીકળી હતી કે, તે એક બીમાર સંબંધીને મળવા અલપ્પુઝા જઈ રહી છે. તે સાંજે, પ્રશાંત તેને કોલ્લમના હાઇવે પર સુમસાન જગ્યા પરથી પીક-અપ કરી ગયો અને 270 કિમી દૂર પલક્કડ લઈ ગયો.
સુચિત્રા 20 માર્ચ સુધી પ્રશાંતના ઘરે રોકાઈ હતી. સુચિત્રાએ કોલ્લમથી તેના એમ્પ્લોયર પાસેથી વધુ રજા માંગી અને તેના પરિવારને કહ્યું કે, તે 22 માર્ચે પરત ફરશે.
ફરિયાદ અનુસાર, પ્રશાંતે 20 માર્ચની સાંજે સુચિત્રાનું માથું જમીન પર પછાડીને તેના પર હુમલો કર્યો હતો. તે જમીન પર પડી જતાં પ્રશાંત તેના પર બેસી ગયો અને તેના બંને ઘૂંટણ તેની છાતી પર દબાવી દીધા. તેણે ઇમરજન્સી લેમ્પના વાયરથી તેણીનું ગળું દબાવી દીધું અને પછી શરીરને ચાદરમાં લપેટી દીધું.
આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ બી ગોપાકુમારના જણાવ્યા અનુસાર, જેમણે તપાસનું નેતૃત્વ કર્યું હતું, “ત્યારબાદ પ્રશાંત થ્રિસુર જવા રવાના થયો અને તેનો મોબાઈલ ફોન લીધો, જે સ્વીચ ઓફ હતો.”
તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે, પ્રશાંતે ત્રિસુરમાં મનુથી પોલીસ સ્ટેશન પાસે ફોન ચાલુ કરી દીધો. તેણે પોતાનો ફોન થોડો સમય સ્વીચ ઓન રાખ્યો, જેથી તે બતાવી શકે કે તે એ જગ્યાએ છે. બાદમાં, તેણે ફોન અને સિમને તોડી નાખ્યું અને પલક્કડ પાછા ફરતા પહેલા તેને મન્નુથી 9 કિમી દૂર નદાથરા ખાતે ફેંકી દીધો.
ઘરે પહોંચીને પ્રશાંતે સુચિત્રાના શરીર પરથી સોનાના દાગીના કાઢી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે તેના પગ ઘૂંટણની નીચેથી કાપી નાખ્યા અને ઘરની પાછળ ખાડો ખોદ્યો, જ્યાં તેણે શરીરના અંગો કાપી નિકાલ કર્યો. તેણે શરીરના અંગો પર પેટ્રોલ છાંટીને અવશેષોને સળગાવી દીધા હતા. ખાડો પથ્થરો અને સિમેન્ટ બ્લોક્સથી ઢંકાયેલો હતો, જેથી કૂતરાઓ શરીરને ખોદી ન શકે. તેણે તેના કપડાં અને અન્ય તમામ લોહીના ડાઘાવાળી વસ્તુઓને પણ બાળી નાખી. શરીરને કાપવા માટે વપરાતી છરી અને અન્ય હથિયારો અને ખાડો ખોદવા માટે વપરાતી કોદાળી કોઈ અન્ય જગ્યાએ ફેંકી દીધી.
બીજી તરફ, સુચિત્રાનો પરિવાર તેમની એકમાત્ર પુત્રીની રાહ જોઈ રહ્યો હતો, જેનો સેલફોન બંધ હતો. તેમણે બ્યુટિશિયન એકેડમીમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, તેણીએ તેના એમ્પ્લોયરને ખોટું બોલ્યું હતું. 23 માર્ચે પરિવારે સ્થાનિક પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પ્રશાંતની કોલ હિસ્ટ્રી તપાસ્યા બાદ તેની ધરપકડ કરી હતી.
વિશેષ ફરિયાદી જી મોહનરાજના જણાવ્યા અનુસાર, આરોપીએ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી તેની ચેટ્સ ડિલીટ કરી દીધી હતી. પરંતુ પોલીસે સાયબર ફોરેન્સિક નિષ્ણાંતોની મદદથી ડિલીટ કરેલી ચેટ્સ પુનઃપ્રાપ્ત કરી હતી. તેણે તપાસકર્તાઓને એમ કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો કે, સુચિત્રાની મહારાષ્ટ્રમાં એક મિત્ર છે અને તે કદાચ ત્યાં રહેવા ગઈ હશે. તે સમયે કોવિડ લોકડાઉનને કારણે તપાસને પણ પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
તપાસ અધિકારી બી ગોપાકુમારે જણાવ્યું હતું કે, તેની કોલ હિસ્ટ્રી સિવાય, પોલીસે ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડ્સ પણ ફરી મેળવ્યા, જેના કારણે તેની મોબાઈલ ઈન્ટરનેટ એક્ટિવિટી ટ્રેક કરવામાં મદદ મળી.
અધિકારીએ કહ્યું, “આ કેસમાં સફળતા તેની Google સર્ચ હિસ્ટ્રીની પુનઃપ્રાપ્તિથી મળી. જેમાં કેવી રીતે આધ્યાત્મિક ગુરુએ તેની પત્નીની હત્યા કરી હતી. હત્યા બાદ પણ તેણે ઓનલાઈન લોગઈન કર્યું હતું. તેની હત્યા કર્યા બાદ તેણે લાશના ટુકડા કરવાનો નિર્ણય કર્યો. તેણે મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે અંગે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને એવી ફિલ્મોની શોધ કરી જેમાં નાયક પોલીસને છેતરવામાં સફળ થયા હોય.
આ પણ વાંચો – ક્રાઇમ ન્યૂઝ : ત્રણ બાળકોએ મળીને કરી મિત્રની હત્યા, પુરાવાનો પણ કર્યો નાશ, કારણ જાણી તમે પણ ચોંકી જશો
સ્પેશિયલ પ્રોસિક્યુટરના જણાવ્યા અનુસાર, કોઈ સાક્ષી ન હોવાથી ફરિયાદ પક્ષે સંજોગોવશાત્ પુરાવા પર આધાર રાખવો પડ્યો હતો. “અમે ગુનામાં આરોપી વ્યક્તિની સંડોવણી સાબિત કરવા માટે 18 સંજોગોવશાત પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત, સાયબર પુરાવાઓએ પણ પ્રોસિક્યુશનને તેનો કેસ સાબિત કરવામાં મદદ કરી.
ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો