MP seoni minor kids killed friend : મધ્ય પ્રદેશના સિવનીમાંથી ક્રાઇમ ન્યૂઝની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્રણ સગીર છોકરાઓએ ભેગા મળી પોતાના 12 વર્ષના મિત્રની હત્યા કરી નાખી. ત્રણેય બાળકોની ઉંમર 16 વર્ષથી ઓછી છે. એક તો માત્ર 11 વર્ષનો છે. ત્રણેય બાળકોએ પહેલા હત્યાની યોજના બનાવી અને પછી આ ઘટનાને અંજામ આપ્યો.
આટલું જ નહીં તેના મિત્રની હત્યા કર્યા બાદ તેમણે તમામ પુરાવાનો નાશ પણ કરી દીધો હતો. સમગ્ર ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે, આ કોઈ શાતીર ગુનેગારનું કામ છે. આરોપી બાળકો હોવાનું સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. આરોપીઓમાંથી એક બાળક મૃતકની બહેન સાથે વાત કરતો હતો. મૃતક બાળકને તે ગમતું ન હતું કે, તે તેની બહેન સાથે વાતો કરે. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેના કારણે આરોપી બાળકોએ આ મિત્રને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.
ક્રૂરતાથી કરી હત્યા
આ મામલામાં પોલીસનું કહેવું છે કે, સિવની જિલ્લામાં ત્રણ સગીર છોકરાઓએ સાઈકલની ચેઈન વડે તેના મિત્રનું ગળું દબાવી દીધું હતું. આ પછી પથ્થર વડે તેનું માથું ફોડી નાખ્યું હતું. એટલું જ નહીં, ધારદાર છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. આ પછી, તેઓએ મૃતદેહને પોલીથીન બેગમાં ભરીને ઘરની નજીક કચરાના ઢગલા પર ફેંકી દીધો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક મહિલાએ લોહીથી લથપથ થેલી જોઈ. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. હત્યાનું કારણ બાળકો વચ્ચેનો ઝઘડો હોવાનું માનવામાં આવે છે. હાલ ત્રણેય બાળકોને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને 14 દિવસ માટે સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક (સિઓની) રામજી શ્રીવાસ્તવે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓ અનુક્રમે 16, 14 અને 11 વર્ષની વયના છે અને તેમાં બે ભાઈઓનો સમાવેશ થાય છે.
કેમ હત્યા કરી?
શ્રીવાસ્તવે કહ્યું કે, “આ એક અદભૂત કેસ છે કારણ કે 16 વર્ષનો આરોપી રોમેન્ટિક શો જોઈને મોટો થયો હતો, જે બ્રેકઅપ થવાના ડરથી પરેશાન હતો અને છોકરીને ગુમાવવાનો ડર હતો. તેણે મને પૂછપરછ દરમિયાન કહ્યું કે, તે બ્રેકઅપથી ડરી ગયો હતો. આરોપી છોકરાઓ ગામડાના છે અને અંગ્રેજી શબ્દો વધારે જાણતા ન હતા, મેં તેમને પૂછ્યું કે, બ્રેક-અપનો અર્થ શું થાય છે. તો તેણે મને કહ્,યું ‘એનો અર્થ એ છે કે તમારું હૃદય તૂટી ગયું હોય’ અને હું ચોંકી ગયો. આ છોકરાઓ સ્થાનિક ક્રાઈમ શોથી પણ પ્રેરિત હતા અને બ્રેકઅપથી બચવા માટે યુવતીના ભાઈની હત્યા કરવાની યોજના ઘડી હતી.”
પહેલા પ્લાન બનાવ્યો
બરઘાટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પ્રસન્ના શર્માનું કહેવું છે કે, આરોપી બાળકોમાંથી બે ભાઈઓ છે અને ત્રીજો તેમનો મિત્ર છે. તેમણે પ્લાન મુજબ, તેના મિત્રને એકાંતવાળી જગ્યાએ બોલાવ્યો, ત્રણેય મિત્રોએ મળીને બાળકને પકડીને ચેન વડે તેનું ગળું દબાવ્યું હતું. જ્યારે છોકરાએ પીડાથી બૂમો પાડી ત્યારે તેના માથા પર એક મોટો પથ્થર મારી દીધો. આ પછી, બકરા કાપવા માટે વપરાતી છરી વડે તેનું ગળું કાપી નાખ્યું. આ ઘટના જોઈને લાગતું નથી કે, બાળકોએ આવું કર્યું હોય. લોહીના ડાઘ છુપાવવા માટે તેમણે ગાયના છાણનો ઉપયોગ કર્યો હતો.
પીડિતાના પિતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “મારા પુત્રએ થોડા સમય પહેલા મારી મોટી પુત્રીની છેડતી કરનાર ત્રણ છોકરાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેણે તેમને કહ્યું કે, જો તેઓ ફરીથી આવું કરશે તો તે તેમના માતા-પિતાને કહી દેશે.
મૃતકના પિતાએ તાજેતરમાં નોકરી ગુમાવી દીધી હતી અને તેઓ છેલ્લા બે મહિનાથી તેમની પત્ની અને બે બાળકો, 14 વર્ષની મોટી પુત્રી અને તેમના પુત્ર સાથે ઘરે જ રહેતા હતા.
કેવી રીતે મામલો સામે આવ્યો?
છોકરાની માતાએ તેના પુત્રને તેનો મોબાઈલ ફોન ચાર્જ કરવામાં મદદ કરવા કહ્યું હતું. તેણે તેનો ફોન ચાર્જરમાં લગાવ્યો અને રવિવારે બપોરે 1 વાગ્યે ઘરેથી નીકળી ગયો. છોકરાના પિતાએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR)માં જણાવ્યું હતું કે, “અમને લાગ્યું કે તે ગામમાં રમવા માટે ક્યાંક ગયો છે.”
લગભગ 5 વાગ્યાની આસપાસ, તેમના પાડોશીએ ઘરનો દરવાજો ખખડાવ્યો અને પીડિતના માતાપિતાને તેમની સાથે આવવા કહ્યું. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેઓએ પોલીથીનની થેલીમાંથી એક છોકરાના પગ ચોંટી રહેલા જોયા, જે તેમના ઘરની નજીકના કચરાના ઢગલા પર નાખવામાં આવ્યા હતા. માતાએ પુત્રના ટ્રાઉઝર દ્વારા તેના પુત્રને ઓળખી કાઢ્યો, તેઓએ લાશને બહાર કાઢી અને તેનો ચહેરો લોહીથી લથબથ હાલતમાં જોવા મળ્યો.
પિતાએ પોલીસને જણાવ્યું હતું, “તેના ગળામાં સાયકલની સાંકળ લપેટેલી હતી. તેની ગરદન પર ઊંડો કટ હતો, જે ધારદાર હથિયારથી બનાવવામાં આવ્યો હતો અને તેના નાક અને કપાળ પર પણ કટના નિશાન હતા.”
મૃતકના પિતાએ લોહીના ડાઘ જોયા, જે 16 વર્ષના આરોપીના ઘર તરફ દોરી ગયા હતા. તે ગામના કેટલાક અન્ય લોકો સાથે આરોપીના ઘરે પહોંચ્યો અને છોકરાને કડક રીતે પુછ્યું, જેણે કથિત રીતે ગુનો કબૂલ કર્યો અને ગામલોકોને કહ્યું કે, તેણે છોકરાને લાલચ આપી તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં અન્ય બે આરોપીઓ તેની સાથે જોડાયા અને છરી અને પથ્થર વડે છોકરાની હત્યા કરી.
કેવી રીતે પ્લાન બનાવી હત્યા કરી?
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓએ છોકરાને રમવાના બહાને લલચાવ્યો હતો, તેને જલેબીનો ટુકડો પણ આપ્યો હતો અને બાદમાં તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારપછી તેઓએ છોકરાને બાથરૂમની અંદર રાખેલી બારદાનની થેલીમાં પેક કરી દીધો.
એસપી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “છોકરાઓ તેનો નિકાલ કરવાની રીતો વિશે વિચારી રહ્યા હતા. માટીનો બનેલો ફ્લોર લોહીથી ખરડાયેલો હોવાથી તેમણે તેના પર ગાયનું છાણ નાખીને છુપાવવાનો પ્રયાસ કર્યો. પછી તેમણે ટ્રાઉઝરને કાતરથી કાપી નાખ્યું કારણ કે, તેના પર લોહીના ડાઘ હતા. તેઓ જ્યારે પીડિતને બેગની અંદર લઈ જતા હતા ત્યારે અંદર હલવાનો અવાજ સાંભળ્યો, તેથી તેઓએ તેના પર પથ્થરોથી હુમલો કર્યો અને કસાઈની છરી વડે તેનું ગળું કાપી નાખ્યું.”
આ પણ વાંચો – ‘ઓ સાથી રે તેરે બીના ભી ક્યા જીના…’: “પાપા વિશાલ જેવું કોઈ નહીં મળે”, પ્રેમ કહાનીનો કરૂણ અંત
તેમણે ઉમેર્યું કે, ત્યારબાદ છોકરાઓએ લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો અને એક છોકરીને વિસ્તારમાંથી પસાર થતી જોઈ અને ગભરાઈ ગયા. “તેમણે ઉતાવળે શરીરનો નિકાલ કર્યો. એસપીએ કહ્યું, અમે સ્થાનિક બાળ કલ્યાણ સંગઠનોને આ કેસમાં સામેલ કરવા જઈ રહ્યા છીએ અને બાળકો સોશિયલ મીડિયા પર શું જુએ છે, તેનું નિરીક્ષણ કરવા માટે આ ગામના માતાપિતા સાથે પણ વાત કરીશું.”