Supreme Court Collegium: કેન્દ્ર સરકારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડને ચિઠ્ઠી લખીને કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કોલેજિયમમાં સરકારનો પણ પ્રતિનિધિત્વ હોવો જોઈએ. રિપોર્ટ પ્રમાણે કેન્દ્રીય કાનૂન મંત્રી કિરણ રિજિજૂએ (Law Minister Kiren Rijiju) સીજેઆઈ ચંદ્રચુડને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં કેન્દ્ર સરકાર અને હાઇકોર્ટની કોલેજિયમમાં રાજ્ય સરકારોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આવું પારદર્શિતા માટે જરૂરી છે.
કાનૂન મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે તે હાલ જજોની નિયુક્તિવાળી વર્તમાન કોલેજિયમ સિસ્ટમથી સંતુષ્ટ નથી. તેમણે ફરી કોલેજિયમના સ્થાને નેશનલ જ્યૂડિશલ એપોઇન્ટમેન્ટ કમિશન(NJAC) ની બહાલીનો પક્ષ લીધો છે. કિરણ રિજિજૂનો તર્ક છે કે જજોની નિયુક્તિમાં સરકારની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હતી. કારણ કે જજો પાસે તમામ રિપોર્ટ્સ અને જરૂરી સૂચનાઓ હોતી નથી.
આંખો બંધ કરીને એપ્રૂવ ના કરીએ નામ
રિજિજૂ કહી ચૂક્યા છે કે સરકારને ફક્ત એટલા માટે કઠેડામાં ઉભી ના કરી શકાય કારણ કે તેણે કોલેજિયમ દ્વારા ભલામણ કકરેલા નામોને મંજૂરી આપી નથી. સરકારનું કામ ફક્ત આંખો બંધ કરીને કોલેજિયમ દ્વારા સૂચવેલા નામોને એપ્રૂવ કરવાનું નથી.
જોકે બીજી તરફ સુપ્રીમ કોર્ટનો પણ કિરણ રિજિજૂ અને સરકારના આ તર્ક પર પોતાનો પક્ષ છે. જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અભય એસ.ઓકાની બેન્ચ કહી ચૂકી છે કે જો સરકારને કોલેજિયમ દ્વારા ભલામણ કરેલા કોઇ નામો પર આપત્તિ છે તો તેમને બતાવવા જોઈએ. પણ આ રીતે નામોને રોકી રાખવા યોગ્ય નથી.
આ પણ વાંચો – 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સામે કોણ? અરવિંદ કેજરીવાલ માટે આશાનું કિરણ – સર્વેમાં મોટો ખુલાસો
કોલેજિયમ સિસ્ટમ વિવાદ વચ્ચે હાલમાં જ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે સંવૈધાનિક લોકતંત્રમાં કોઇપણ સંસ્થા સો ટકા પરફેક્ટ હોતી નથી. જજોની નિયુક્તિ માટે બનેલ કોલેજિયમ સિસ્ટમ પણ તેમાંથી બાકાત નથી,.
હાલ કોણ-કોણ છે સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં
સુપ્રીમ કોર્ટની વર્તમાન કોલેજિયમ છે તેમાં CJIની આગેવાનીમાં પાંચ સીનિયર જજ છે. CJI ચંદ્રચુડ સિવાય જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ અજય રસ્તોગી સામેલ છે. જોકે તેમાંથી કોઇ પણ જસ્ટિસ ચંદ્રચુડ પછી આગામી ચીફ જસ્ટિસ બનવાની રેસમાં નથી.
પાછલા દરવાજાથી NJACની વાપસી ઇચ્છે છે કેન્દ્ર સરકાર?
કાનૂન મંત્રી કિરણ રિજિજૂની ચિઠ્ઠી એવા સમયે આવી છે જ્યારે જજોની નિયુક્તિને લઇને છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ન્યાયપાલિકાનું માનવું છે કે સરકાર ફરી એક વખત જજોની નિયુક્તિમાં પાછલા દરવાજાથી પોતાની દખલ ઇચ્છે છે. જેવું કોલેજિયમથી પહેલા નેશનલ જ્યૂડિશલ એપોઇન્ટમેન્ટ કમિશનમાં (NJAC)હતું.
શું હતું NJAC અને કેમ થયું ખતમ?
નેશનલ જ્યૂડિશલ એપોઇન્ટમેન્ટ કમિશન (NJAC) એક્ટને પાર્લામેન્ટમાં પાસ કર્યું હતું. એનજેએસીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધિશ રહેતા હતા. જેમાં બે સીનિયર જજો સિવાય કાનૂન મંત્રી અને બે બીજા મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવતો હતો. તેમની પસંદગી પીએમની આગેવાનીવાળી પેનલ કરતી હતી. જેમાં વિપક્ષના નેતા અને સીજેઆઈ સામેલ રહેતા હતા. જોકે ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટના 5 જજોની બેન્ચે NJACને અસંવૈધાનિક ગણાવતા તેને રદ કરી દીધું હતું.