(કૂમી કપૂર) રાજકીય પક્ષોએ વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દીધી છે. તમામ રાજકીય પક્ષોએ આગામી લોકસભાની ચૂંટણી જીતવા વ્યૂહરચનાઓ ઘડી દીધી છે અને તેનો અમલ કરવાનું શરૂ કરી દીધુ છે. રાજકીય વર્તુળોમાં તાજેતરમાં ચૂંટણી સર્વેની ચર્ચા થઇ રહી છે. આ સર્વેના પરિણામો દર્શાવે છે કે તમામ વિરોધ પક્ષોના સંભવિત વડાપ્રધાન પદના દાવેદારો 2024માં નરેન્દ્ર મોદી સામે સ્પષ્ટપણે હારી રહ્યા છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધીની તુલનાએ થોડોક વધારે સ્કોર કરતા દેખાઇ રહ્યા છે. આ સર્વે એવા સમયે થયો છે જ્યારે મોટાભાગના લોકોનું માનવુ છે કે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને તેમની છબીને મજબૂત બનાવવામાં મદદ કરી રહી છે.
ભાજપના પ્રચાર તંત્રએ રાહુલ ગાંધીની ‘પપ્પુ’ તરીકેની ઇમેજ ઊભી કરી હતી, જેન હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ઇમાનદાર અને મજબૂત શારીરિક સહનશક્તિ ધરાવતા વ્યક્તિની છબીમાં બદલી દીધી છે.
લાંબી દાઢી અને ટી-શર્ટમાં કડકડતી ઠંડીમાં દિવસમાં 20 કિલોમીટરનું અંતર કાપીને, રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રામાં જોડાનાર તમામને ગળે લગાડી ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે.
જો કે, ટીકાકારોનું માનવું છે કે, રાહુલની ઇમેજમાં પરિવર્તનથી અત્યાર સુધી કોઈ નક્કર ચૂંટણીલક્ષી લાભો મળ્યા નથી. તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગાયબ હતા. આ એકમાત્ર રાજ્ય છે જ્યારે તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતને સરકાર બનાવી છે. નવા સર્વેમાં જાણવા મળ્યુ છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ભાજપની કોર વોટબેંકમાં ગાબડું પડ્યુ નથી.
2024માં વિપક્ષી એકતાનું સ્વરૂપ કેવુ હશે?
વિરોધ રાજકીય પક્ષો સ્પષ્ટપણે ઈચ્છે છે કે કોંગ્રેસ સંયુક્ત વિપક્ષનો ભાગ બને. જ્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કોંગ્રેસ સિવાય બિન-ભાજપ પક્ષો માટે લંચનું આયોજન કર્યું હતુ ત્યારે, નીતીશ કુમારે પોતાને આ કાર્યક્રમથી દૂર રાખતા કહ્યું, “અમને ત્રીજો મોરચો નહીં, પરંતુ મુખ્ય મોરચો જોઈએ છે”
જો કોંગ્રેસ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને નવા મોરચાનો ચહેરો બનાવવાનો આગ્રહ રાખે તો વિપક્ષ એકતાના પ્રયાસો અટકી શકે છે. ટીએમસીના ડેરેક ઓ’બ્રાયન પહેલાથી જ “ફેસ લેસ ફ્ન્ટ”નું સૂચન કર્યુ છે. અસરકારક રીતે એક નેતાવિહીન મોરચો, જેમાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોમાં વિવિધ વ્યક્તિઓ હોય.
નોંધનિય છે કે, લગભગ તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધીની ઇમેજ બિલ્ડિંગ યાત્રાથી દૂર રહ્યા છે. તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નજીકના સાથીઓએ પણ તેમના જુનિયરોને પ્રવાસ પર મોકલ્યા છે. અખિલેશ યાદવ, દેવેગૌડા, માયાવતી અને આપ પાર્ટી જેવા અન્ય લોકોએ પણ અંતર જાળવી રાખ્યું છે. હવે આગામી 30 જાન્યુઆરીએ યોજાનારી પૂર્ણ થનાર આ ભારત જોડો યાત્રાના સમાપન કાર્યક્રમમાં 21 વિપક્ષી પાર્ટીઓમાંથી કેટલા લોકોને આમંત્રણ આપવામાં આવશે તે જોવાનું રહ્યુ.