પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લોરેન્સ બિશ્નોઇ હાલના સમયે પંજાબની ભઠિંડા જેલમાં બંધ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જેલમાંથી જ તેણે ઇન્ટરવ્યૂ આપ્યું છે. આ દરમિયાન તેણે સિંગરની હત્યા સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. તેણે મૂસેવાલાની હત્યાની પ્લાનિંગથી લઇને બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાને લઇને પણ વાત કરી હતી.
એક્શનની રિએક્શન હતી મૂસેવાલાની હત્યા – લોરેન્સ બિશ્નોઇ
એબીપી સાંઝાને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે ગોલ્ડી બરારે સિદ્ધુ મૂસેવાલાની હત્યા કરાવી હતી. જેની પ્લાનિંગ એક વર્ષથી ચાલી રહી હતી. તેણે એ પણ જણાવ્યું કે તે મૂસેવાલાથી નારાજ હતો. હું જેને પોતાનો મોટો ભાઇ માનતો હતો તેના મર્ડરમાં મૂસેવાલાની ઇનવોલ્વમેન્ટ હતી અને તે અમારી એન્ટી ગેંગને સપોર્ટ કરતો હતો. તેની નેતાઓ સાથે પણ સારી ઓળખાણ હતી. તે અમારા વિરોધી સમૂહોને અમારી સામે મજબૂત કરી રહ્યો હતો. તેને મારવાનો પ્લાન મારો ન હતો તે સચિન અને ગોલ્ડી બરારનો હતો. મને ખબર જરૂર હતી પણ તેમાં મારી કોઇ ભૂમિકા નથી.
મૂસેવાલાને ગોળી મારવાના સવાલ પર તેણે કહ્યું કે ભાઇઓનું દર્દ હતું, જે બહાર ભાઇ હતા તેમણે જે પણ કર્યું તે એક્શનની રિએક્શન હતી. મૂસેવાલાને મારીને ગુરુલાલ અને વિક્કીના મોતનો બદલો લીધો છે. જે લોકોએ તેમની હત્યા કરી હતી મૂસેવાલા તેમની સાથે ફરતો હતો અને તેમને બચાવતો હતો.
આ પણ વાંચો – સમલૈંગિક લગ્ન: વિપક્ષી દળો ખુલીને બોલવા રાજી નથી, સુપ્રીમ કોર્ટથી ઇચ્છે છે 377 જેવી પહેલ
લોરેન્સ બિશ્નોઇએ જણાવ્યું કે આ આખા પ્લાનિંગ પર જે ખર્ચો થયો તે પૈસા ખંડણીથી આવ્યા હતા. જે દારૂના વેપારી બિહાર કે ગુજરાતમાં દારૂ બ્લેક કરે છે તેમની પાસેથી ખંડણી લઇએ છીએ. જેલમાં રહીને બહારના કામની માહિતી કેવી રીતે મળે છે તે સવાલના જવાબામં કહ્યું કે જેલમાં 2 નંબરનું કામ કરનાર વ્યક્તિ જ આવે છે, તે જ જાણકારી આપે છે.
લોરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનની ધમકી પર શું કહ્યું
સલમાન ખાનને મારવાની ધમકીને લઇને લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે સલમાન ખાન કાળિયાર હિરણને મારવાના મામલામાં અમારા સમાજના લોકો પાસે આવીને માફી માંગી લે નહીં તો તેને પણ યોગ્ય જવાબ આપવામાં આવશે. તેણે કહ્યું કે સલમાન ખાને અમારા સમાજની હજુ સુધી માફી માંગી નથી. મારા મનમાં તેના માટે બાળપણથી ગુસ્સો છે. ક્યારેક ના ક્યારેક તેનો અહંકાર તોડી નાખીશું. તેણે અમારા દેવતાના મંદિરમાં આવીને માફી માંગવી પડશે. તેણે અમારા સમાજના લોકોને પૈસા પણ ઓફર કર્યા હતા. અમે સલમાન ખાનને પ્રસિદ્ધિ માટે નહીં પણ અમારા ઉદ્દેશ્ય માટે મારીશું. તેણે કહ્યું કે જો અમને પ્રસિદ્ધિ જોઇતી હોય તો શાહરુખ ખાનને ગોળી મારી દેત તેની સાથે કોઇ ગનમેન હોતા નથી. અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઇપણ વ્યક્તિને ગોળી મારી શકતા હતા. જોકે અમે એવું કર્યું નથી. સલમાને અમારા સમાજને નુકસાન પહોંચાડ્યું છે અને અમારો તેનાથી વિરોધ છે.
પોતાને ગણાવ્યો રાષ્ટ્રવાદી
બિશ્નોઇએ પોતાને રાષ્ટ્રવાદી ગણાવતા કહ્યું કે હું પાકિસ્તાન અને ખાલિસ્તાન બન્નેની વિરુદ્ધ છે. હું સિદ્ધુ જેવો નથી, હું તો પાકિસ્તાનની સામે છું અને ખાલિસ્તાનની પણ સામે છું. હું એક રાષ્ટ્રવાદી વ્યક્તિ છું, હું દેશભક્ત છું, હું જ નહીં મારી ગેંગના બધા લોકો દેશભક્ત છે.
પંજાબ સરકારનો દાવો, લોરેન્સ બિશ્નોઇએ જેલમાંથી ઇન્ટરવ્યૂ આપ્યું નથી
લોરેન્સ બિશ્નોઇના આ ઇન્ટરવ્યૂ પછી સવાલ ઉઠી રહ્યા છે કે તેણે જેલમાંથી ઇન્ટરવ્યૂ કેવી રીતે આપ્યું. તેના પર પંજાબ સરકારનું કહેવું છે કે આ ઇન્ટરવ્યૂ પંજાબની જેલનું નથી. એક અધિકારીએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઇ હાઇ સિક્યોરિટી ઝોનમાં છે, જ્યાં તેના પર ચોવીસ કલાક નજર રાખવામાં આવી રહી છે.