ભાજપે 2024ની લોકસભા ચૂંટણી પહેલા જ રણનીતિ ઘડી લીધી છે અને તેનો અમલ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આ રાજકીય રણનીતિમાં 2024ની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ મતદારો સાથે તાદાત્મય સાંધવા માટે કવ્વાલીના આયોજન મારફતે સંદેશો ફેલાવવાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના અલ્પસંખ્યક બાબતોના વિભાગના સભ્ય સૈયદ એહતેશામ ઉલ હુદાએ જણાવ્યું હતું કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીના પ્રચારમાં પાર્ટી મુસ્લિમ બૌદ્ધિકો અને વિશાળ જનમેદની સાથે સંવાદ સાંધશે. તેને સૂફી સંવાદ અભિયાન (સુફી ડાયલોગ કેમ્પેઇન) તરીકે ઓળખવામાં આવશે.
સૈયદ એહતેશામ ઉલ હુદાએ ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપના મુસ્લિમ નેતાઓ દરગાહની મુલાકાત લેશે અને કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરશે. તેમણે ઉમેર્યું કે, આ કાર્યક્રમ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે કરવામાં આવેલી કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
સૈયદ એહતેશામ ઉલ હુદાએ જણાવ્યું હતું કે, “અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મુસ્લિમ મતદારો સાથે સંવાદ સાંધવા માટેની યોજના પર કામગીરી કરી રહ્યા છીએ. ભાજપ લઘુમતી સેલ સમગ્ર દેશમાં સૂફી સંવાદ અભિયાન ચલાવશે. સૂફી દરગાહની મુલાકાત લેવા ઇચ્છતા મુસ્લિમો કવ્વાલીના કાર્યક્રમનો અનુભવ કરી શકે છે અને ભાજપ સરકારની યોજનાઓની માહિતી મેળવી શકે છે. યુપીમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ આ પ્રચાર ઉત્તર પ્રદેશના દરેક શહેરની મુખ્ય દરગાહ પર કરવામાં આવશે.
આ માટે યુપીમાં ભાજપ માઈનોરિટી સેલના કાર્યાલયોમાંથી સૂફી દરગાહ અને તેમના ખાદીમોની યાદી માંગવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ સૂફી દરગાહો પર કવ્વાલીના કાર્યક્રમમાં ભાગ લે તેવી શક્યતા છે.