લિઝ મૈથ્યુ : ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશનો અમલ કરવાનો પ્લાન બનાવી લીધો છે. બીજેપીના અલ્પસંખ્યક મોરચાએ લધુમતી સમુદાયો સુધી જવા માટે 10 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં લગભગ 60 લોકસભા ક્ષેત્રોની ઓળખ કરી છે. એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં અલ્પસંખ્યકોની વસ્તી 30 ટકાથી વધારે છે. ભાજપ આ સીટો પર ચાર મહિનાનો આઉટરીચ કાર્યક્રમ શરુ કરશે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદીય ક્ષેત્ર વાયનાડ પણ સામેલ છે.
ભાજપનો શું છે પ્લાન?
ભારતીય જનતા પાર્ટીએ પ્લાન બનાવ્યો છે કે ભાજપા કાર્યકર્તા પસંદ કરાયેલા લોકસભા ક્ષેત્રોમાં 5000 લોકોની ઓળખ કરશે. જે પ્રધાનમંત્રી મોદી કે તેમના કલ્યાણકારી કાર્યક્રમની પ્રશંસા કરે છે. ભાજપ માર્ચ-એપ્રિલમાં એક સ્કૂટર યાત્રા અને એક સ્નેહ યાત્રાનું આયોજન કરશે અને મે મહિનામાં પીએમ દિલ્હીમાં એક સાર્વજનિક રેલી સાથે આઉટરીચનું સમાપન કરશે. જેને પ્રધાનમંત્રી મોદી દ્વારા સંબોધિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 60 સીટોના લોકો સામેલ થશે.
ભાજપા અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષે આપી જાણકારી
ભાજપા અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે અમે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મોદીજી દ્વારા આપવામાં આવેલા સંદેશાને આગળ વધારવા માટે આ યોજના બનાવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે વધારે લોકો સુધી પહોંચવાનું છે અને જ્યાં સુધી દરેક વર્ગનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ભારતનો વિકાસ નહીં થાય. તેમણે કહ્યું કે આપણે બધાને સાથે લઇને ચાલવાનું છે, જેથી આપણે પોતાની પહોંચ મજબૂત કરવી પડશે.
આ પણ વાંચો – ચૂંટણી વર્ષના સારથીઓઃ મોદી સરકારની કેબિનેટમાં 11 મંત્રીની વય 70 વર્ષથી વધુ, સોમ પ્રકાશ સૌથી ઉંમરલાયક મંત્રી
જમાલ સિદ્દિકીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે જોકે મોદીજીએ કહ્યું કે આપણે વોટ માટે આવું કરવું જોઈએ નહીં, આપણે એક રાજનીતિક દળ છીએ અને આપણે ચૂંટણી જીતવાની જરૂર છે. જેથી અમારું કામ બન્ને કારકોને ધ્યાનમાં રાખવું પડશે. સાથે એ પણ સુનિશ્ચિત કરવા માટે કે સરકારના કાર્યક્રમ દરેક વર્ગ સુધી પહોંચ્યા છે અને દરેક સમાજ સુધી ભાજપની પહોંચનો વિસ્તાર પણ કરવો છે.
કયા વિસ્તાર છે સામેલ?
ઓળખ કરવામાં આવેલી લોકસભા સીટોમાં ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 13-13 સીટો સામેલ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પાંચ, બિહારમાં ચાર, કેરળ અને અસમમાં 6-6, મધ્ય પ્રદેશમાં ત્રણ, તેલંગાણા અને હરિયાણામાં 2-2 અને મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપમાં 1-1 સીટ સામેલ છે.
ભાજપની યાદીમાં પશ્ચિમ બંગાળ લોકસભા ક્ષેત્રમાં બહરામપુર (64 ટકા અલ્પસંખ્યક વસ્તી), જંગીપુર (60 ટકા), મુર્શિદાબાદ (59 ટકા) અને જયનગર (30 ટકા)સામેલ છે.
બિહારથી કિશનગંજ (67 ટકા), કટિહાર(38 ટકા), અરરિયા (32 ટકા)અને પૂર્ણિયા (30 ટકા)યાદીમાં છે.
કેરળની સંસદીય સીટો જ્યાં ભાજપ ધ્યાન કેન્દ્રીત કરશે તેમાં વાયનાડ(57 ટકા), મલપ્પુરમ(69 ટકા), પોન્નાની(64 ટકા), કોઝિકોડ (37 ટકા), વડકરા (35 ટકા)અને કારસગોડ (33 ટકા)છે.
ઉત્તર પ્રદેશની સીટોમાં બિજનૌર(38.33 ટકા), અમરોહા(37.5 ટકા), કૈરાના(38.35 ટકા), નગીના(42 ટકા), સંભલ(46ટકા), મુજફ્ફરનગર(37 ટકા), રામપુર (49.14 ટકા)સામેલ છે.
હરિયાણાની ગુરુગ્રામ(38 ટકા), ફરિદાબાદ (30 ટકા), તેલંગાણાની હૈદરાબાદ (41.17 ટકા) અને સિકંદરાબાદ (41.17 ટકા) બેઠક સામેલ છે.
સિદ્દીકીએ કહ્યું કે આઉટરીચના ભાગરૂપે ભાજપના કાર્યકરો ઉદ્યોગપતિઓ, ડૉક્ટરો, વકીલો તેમજ ધાર્મિક નેતાઓને સાથે જોડશે. મુસ્લિમો અને અન્ય લઘુમતી સમુદાયના લોકો છે જેઓ મોદીજીના સંદેશાઓ અને સરકારના કલ્યાણ કાર્યક્રમો પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. અમે તેમના સુધી પહોંચીશું, તેમને ભેગા કરીશું અને તેમના જૂથના અન્ય સભ્યો સુધી પહોંચીશું. અમે એક સ્નેહ યાત્રાનું આયોજન કરીશું.
તેમણે કહ્યું કે પીએમ મોદીએ તેમના ભાષણમાં સૂફી સંતોના વખાણ કર્યા પછી, લઘુમતી સેલ પણ સૂફી ઇસ્લામના અનુયાયીઓ સાથે જોડાવા માટે યોજનાઓ તૈયાર કરી રહ્યું છે. તે કાર્યક્રમ સમાંતર રીતે બહાર પાડવામાં આવશે.