વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ કુલ 76 મંત્રીઓ છે, જેમાંથી 31 ડિસેમ્બર, 2022 સુધીમાં 11 મંત્રીઓની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ છે. જો આપણે કુલ મંત્રીઓની તુલનામાં 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના મંત્રીઓની ટકાવારી જોઈએ તો તે લગભગ 14.5 ટકા થાય છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશ સૌથી વૃદ્ધ મંત્રી છે, જેમની જન્મ તારીખ 3 એપ્રિલ, વર્ષ 1949 છે. ઉપરાંત વર્ષ 2023માં વધુ ત્રણ મંત્રીઓ 70 વર્ષના જૂથમાં જોડાશે. આમ વર્ષ 2023ના અંતે 70 કે તેથી વધુ ઉંમર ધરાવતા મંત્રીઓની સંખ્યા વધીને 14 થઈ જશે એટલે કે કુલ મંત્રીઓના લગભગ 18.5 ટકા થશે.
રાજ્યમંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ એક મહિના પછી 73 વર્ષના થઈ જશે
કેન્દ્રીય આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ અને આયોજન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ એક મહિના બાદ 73 વર્ષના થઇ જશે. તેમનો જન્મ 11, ફેબ્રુઆરી, વર્ષ 1950ના રોજ થયો હતો. 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની ઉંમર 72 વર્ષ અને 10 મહિના હતી.. રાવ ઈન્દ્રજીત સિંહ પાંચ વખત સંસદમાં પહોંચ્યા છે. તેઓ ગુરુગ્રામથી જીતીને 17મી લોકસભામાં સાંસદ બન્યા છે.

બે વખત સાંસદ બનેલા કેન્દ્રીય મંત્રી વિજય કુમાર સિંહ 72 વર્ષના થશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તેમજ નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વિજય કુમાર સિંહની ઉંમર ગત 31 ડિસેમ્બર, 2022ના રોજ 71 વર્ષ અને સાત મહિના હતી. તેમનો જન્મ 15 મે, 1951ના રોજ થયો હતો. તેઓ અત્યાર સુધીમાં બે વખત સાંસદ બન્યા છે. તેઓ ગાઝિયાબાદથી જીતીને 17મી લોકસભાના સભ્ય બન્યા છે.
દેશના રક્ષા મંત્રી પ્રધાન રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ, વર્ષ 1951ના રોજ થયો હતો. આમ 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની ઉંમર 71 વર્ષ અને પાંચ મહિના હતી. અત્યાર સુધી છ વખત સાંસદ બનેલા રાજનાથ સિંહ લખનઉથી જીતીને 17મી લોકસભામાં પહોંચ્યા છે.
કેન્દ્રીય રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક સૌથી યુવા મંત્રી
કેન્દ્રીય રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિક મોદી સરકારની કેબિનેટમાં સૌથી યુવા મંત્રી છે. 31 ડિસેમ્બર, 2022ના રોજ પ્રામાણિકની ઉંમર 36 વર્ષ અને 11 મહિના હતી. 40 વર્ષથી ઓછી ઉંમરના મંત્રીઓની વાત કરીએ તો, આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી રેણુકા સિંહની ઉંમર 31 ડિસેમ્બર, 2022ના રોજ 39 વર્ષ અને સાત મહિનાના હતી. શિપિંગ રાજ્ય મંત્રી, શાંતનુ કુમારની જન્મ તારીખ 3 ઓગસ્ટ, 1982 છે અને 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની ઉંમર 40 વર્ષ અને ચાર મહિના હતી.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો જન્મ 15 ફેબ્રુઆરી, વર્ષ 1952ના રોજ થયો હતો. આમ 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની 70 વર્ષ અને 10 મહિના હતી. સરકારી અધિકારીમાંથી નેતા બનેલા હરદીપ સિંહ પુરી બે વખત સંસદ સભ્ય બની ચૂક્યા છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે.
કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રી નારાયણ રાણેનો જન્મ 10 એપ્રિલ, વર્ષ 1952ના રોજ થયો હતો. આમ 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની ઉંમર 70 વર્ષ અને આઠ મહિના હતી. નારાયણ રાણે પહેલીવાર સાંસદ બન્યા છે. તેઓ 2018માં મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તો પશુપતિ કુમાર પારસ જે મોદી સરકારની કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગ મંત્રી છે તેમનો જન્મ 12 જુલાઈ, વર્ષ 1952માં થયો હતો. 31 ડિસેમ્બર, 2022ના રોજ તેમની ઉંમર 70 વર્ષ અને પાંચ મહિના હતી. પશુપતિ કુમાર પારસ પ્રથમ વખત સાંસદ બન્યા છે. તેઓ હાજીપુરથી જીતીને 17મી લોકસભાના સાંસદ બન્યા છે.