ભારતીય જનતા પાર્ટી આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં 2019માં જીતેલી પોતાની 303 સીટો પર ફરી જીત મેળવવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. આવામાં ભાજપ જે મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે તેમાં એક છે ભાજપના નેતાઓની આકસ્મિક ટિપ્પણી.
ગત મહિને રાષ્ટ્રીય રાજધાનીમાં થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો અને વ્યક્તિઓ વિશે બિન જરૂરી ટિપ્પણીઓ ના કરવા ચેતવ્યા હતા. તેમનું કહેવું હતું કે આપણે જે સખત મહેનત કરીએ છીએ તેના પર આ ટિપ્પણીઓ ભારે પડે છે.
પીએમની આ સલાહ પછી એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના સુર બદલી ગયા હતા. આ પહેલા નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ફિલ્મને પ્રતિબંધ કરવા પર વિચાર કરીશું. આ સિવાય ભોપાલ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત કેટલાક વરિષ્ઠ ભાજપા નેતાઓએ પઠાણ ફિલ્મને લઇને ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ
જેપી નડ્ડાએ પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં આપી હતી સલાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હાલમાં જ પોતાના સંબોધનમાં પાર્ટીના ધારાસભ્યોને સલાહ આપી હતી. નડ્ડાએ પાર્ટી ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે તેમણે ધર્મ અને સંસ્કૃતિ પર ટિપ્પણીઓથી બચવું જોઈએ. સાથે વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહ્યું હતું. ગત વર્ષે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે એક ઇન્ટરવ્યૂમાં નડ્ડાએ કહ્યું હતું કે તે હંમેશા નેતાઓને એ વિશે આગાહ કરે છે કે બિન જરૂરિયાત ટિપ્પણી ના કરો. જોકે એ સચ્ચાઇ છે કે કેટલાક એવા છે જે હંમેશા મીડિયાની હેડલાઇન્સમાં રહેવા માટે નિવેદન આપે છે.