મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની હારેલી સીટો પર બીજેપીએ પહેલા જ કેમ જાહેર કરી દીધા ઉમેદવાર, જાણો પાર્ટીની રણનીતિ

Election 2023 : ભાજપે મધ્ય પ્રદેશની 39 અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ તમામ બેઠકો એવી છે જેમાં ભાજપને 2018ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો

Written by Ashish Goyal
August 21, 2023 16:51 IST
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની હારેલી સીટો પર બીજેપીએ પહેલા જ કેમ જાહેર કરી દીધા ઉમેદવાર, જાણો પાર્ટીની રણનીતિ
ભાજપે મધ્ય પ્રદેશની 39 અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે

Madhya Pradesh-Chhattisgarh Election : મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણીને આડે હજુ ત્રણ મહિનાથી વધુનો સમય બાકી છે. આ બંને રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. પરંતુ ભાજપે મધ્ય પ્રદેશની 39 અને છત્તીસગઢની 21 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ તમામ બેઠકો એવી છે જેમાં ભાજપને 2018ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મધ્ય પ્રદેશની 39 બેઠકોમાંથી 21 બેઠકો અનામત છે. જેમાંથી 13 એસટી સીટ છે જ્યારે 8 એસસી છે. આ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોના નામ પણ છે. છત્તીસગઢની 21 બેઠકોમાંથી 10 એસટી બેઠકો છે જ્યારે 1 એસસી છે. અહીં પણ ભાજપે ઘણા સમય પહેલા જ પાંચ મહિલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મધ્ય પ્રદેશ ભાજપના સચિવ રજનીશ અગ્રવાલ ઉમેદવારોની વહેલી જાહેરાત માટે તર્ક આપે છે કે ગત ચૂંટણીમાં અમે કેટલીક મહત્વપૂર્ણ બેઠકો ગુમાવી હતી. પ્રારંભિક જાહેરાતથી કાર્યકરોને એકત્રિત કરવામાં મદદ મળશે અને ટિકિટ અંગે આ બેઠકો પર થનારી લડતને પણ શાંત કરવામાં આવશે.

મધ્ય પ્રદેશમાં 1998 બાદ પ્રથમ વખત ભાજપ ચૂંટણી હાર્યું હતું

એમપીમાં 2018ની ચૂંટણીમાં મળેલી હાર ભાજપ માટે સામાન્ય ન હતી. પાર્ટી 1998 બાદ પહેલીવાર અહીં ચૂંટણી હારી હતી. જોકે ગત ચૂંટણીમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી શકી ન હતી. 230 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 114 બેઠકો જીતી હતી. ભાજપ 109 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. કોંગ્રેસે સપા, બસપા અને અપક્ષોની મદદથી કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી. જોકે આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાને કારણે કોંગ્રેસ સરકાર પડી ભાંગી હતી.

આ પણ વાંચો – કોંગ્રેસની વર્કિંગ કમિટીની જાહેરાત : ગુજરાતમાંથી જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાને સ્થાન

શિવરાજસિંહ ચૌહાણે ફરી રાજ્યની કમાન સંભાળી હતી. હાલ ભાજપ સત્તામાં છે પરંતુ તે જાણે છે કે જો ચૂંટણીને હળવાશથી લેવામાં આવે તો તેને 2018ની જેમ જ નુકસાન ઉઠાવવું પડી શકે છે. ખાસ વાત એ છે કે એમપીના 39 ઉમેદવારોમાંથી 14 એવા છે જે ગત વખતે ચૂંટણી હારી ગયા હતા. 39માંથી 23 એવા છે જેમણે છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી એક વખત ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ચુક્યા છે.

છત્તીસગઢમાં રાજ્યની રચના બાદ પહેલીવાર કોંગ્રેસની સરકાર બની હતી

2018ની ચૂંટણીમાં છત્તીસગઢમાં કોંગ્રેસે 90માંથી 68 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. 2000માં રાજ્યની રચના બાદ આ પહેલી વાર એવું બન્યું છે કે ભાજપ ચૂંટણી હાર્યું હતું. કોંગ્રેસનો વોટ શેર 43.9 ટકા હતો જ્યારે ભાજપનો 33.6 ટકા રહ્યો હતો. 2018 પહેલાની ત્રણ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર ક્યારેય 49 ટકાથી ઓછો રહ્યો ન હતો. જે 21 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે તેમાંથી 19 બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો કોંગ્રેસ સામે પરાજય થયો હતો. જ્યારે બે ડો.અજીત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ સામે હારી ગઈ હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ