Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આવતા મહિને મતદાન થવાનું છે. મતદાન પહેલા મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોનું નામ ‘વચનપત્ર’ રાખ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીનું વચનપત્ર બહાર પાડ્યું હતું. આ દરમિયાન તેમણે જનતાને ઘણા મોટા વચનો આપ્યા હતા. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જનતાને 11 મોટા વચનો આપ્યા છે.
ખેડૂતોની લોન માફ કરવામાં આવશે
કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. આ ઉપરાંત પુરાની પેન્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસે સરકાર બનશે તો 5 હોર્સ પાવરનું સિંચાઈ બિલ ફ્રી કરવાની જાહેરાત કરી છે. આ સિવાય 100 યુનિટ સુધીનું વીજળીનું બિલ માફ કરવામાં આવશે, જ્યારે 200 યુનિટ સુધીના વીજ બિલના દર અડધા થઈ જશે.
મહિલાઓને 1500 રૂપિયા મળશે
કોંગ્રેસે તેના ઢંઢેરામાં મહિલાઓને દર મહિને ₹1500 આપવાનું વચન આપ્યું છે. આ સિવાય પછાત વર્ગ માટે 27 ટકા અનામત આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં એમ પણ કહ્યું છે કે સરકાર બન્યા બાદ જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે અને તેને જાહેર કરવામાં આવશે. એસસી એસટી કેટેગરીની ખાલી પડેલી જગ્યાઓ પણ ભરવામાં આવશે.
આ પણ વાંચો – OBC સર્વે બાદ નીતીશ કુમારે આ યોજના બનાવી! ભાજપના ‘હિંદુત્વ’ નો આ રીતે કરશે મુકાબલો
ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે
કોંગ્રેસે જાહેરાત કરી છે કે પીએમ આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં ઘર બનાવવા માટે જેટલી રકમ આપવામાં આવે છે, એટલી જ રકમ ગામડાઓમાં પણ આપવામાં આવશે. આ ઉપરાંત 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે.
શાળાએ જતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે
કોંગ્રેસે તેના ઢંઢેરામાં જાહેરાત કરી છે કે પઢો ઔર પઢાવો યોજના હેઠળ ધોરણ 1 થી 8 સુધીના બાળકોને દર મહિને ₹ 500 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 10 ના બાળકોને ₹ 1000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ 11-12 ના બાળકોને ₹ 1500ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. કોંગ્રેસે એવી પણ જાહેરાત કરી છે કે જો તે સરકારમાં આવશે તો તે 50% વધુ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં છઠ્ઠી અનુસૂચિ લાગુ કરશે.





