Madhya Pradesh Assembly Election 2023 : મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે 230 બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે તમામ પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન મધ્ય પ્રદેશની રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની ચર્ચાએ જોર પકડ્યું છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ “સ્પેશિયલ મિશન”નું વચન આપ્યું હતું. જે મુજબ જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો બૈગા, ભરિયા અને સહરિયા આદિવાસીઓના કલ્યાણ માટે 15 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ રેલી ઓક્ટોબર મહિનામાં થઈ હતી.
રાજ્ય સરકારે આ ત્રણ જાતિઓને ‘ખાસ કરીને સંવેદનશીલ આદિજાતિ જૂથો’ અથવા ‘PTG તરીકે ઓળખાવી છે. આ આદિવાસીઓની હાલત સારી નથી. તેમની સ્થિતિ સામાજિક અને આર્થિક રીતે નબળી છે. આ સિવાય તેમની વસ્તી પણ ઘણી ઓછી છે. તેથી તેઓ વિશેષ આદિમ આદિજાતિ જૂથો (SPTGs) તરીકે ઓળખાય છે.
કેટલી છે સંખ્યા
આ જાતિઓ રાજ્યની કુલ ST વસ્તીના 8% છે. રાજ્યમાં ST વસ્તી 21% છે. અહીં 2018ની ચૂંટણીમાં STની 47 બેઠકોમાંથી ભાજપને 16 અને કોંગ્રેસને 30 બેઠકો મળી હતી. 2018ના પરિણામોને ધ્યાનમાં રાખીને ભાજપ આદિવાસી મતો સુરક્ષિત કરવા માંગે છે. ભાજપ આદિવાસી મતો પર પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. આ સિવાય ભાજપ રાણી દુર્ગાવતી, શંકર શાહ અને તેમના પુત્ર રઘુનાથ શાહ જેવા નામોને યાદ કરી રહી છે.
ત્રણ જાતિઓ વિશે જાણો
બૈગા જાતિના લોકો પૂર્વ મધ્ય પ્રદેશના મહાકોશલ પ્રદેશમાં રહે છે. જેમાં મંડલા, બૈહાર (બાલાઘાટ), ડિંડોરી અને શહડોલ જિલ્લાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ જનજાતિ નાગપુરના પઠારની ભૂમિયા જાતિમાંથી ઉદ્ભવી હતી. આ આદિજાતિ આજીવિકા માટે જંગલો પર નિર્ભર છે. આ જાતિને ઔષધીય વનસ્પતિઓ વિશે સારી જાણકારી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ આ જાતિની સંખ્યા 4 લાખથી વધુ છે.
આ પણ વાંચો – શું જાતિ જનગણનાના મુદ્દા પર બીજેપીનું બદલાઇ રહ્યું છે વલણ? અમિત શાહે કહી દીધી મોટી વાત
પાતાલકોટ જિલ્લામાં ભૈરા જાતિના લોકો રહે છે. તે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ કમલનાથના મતવિસ્તાર છિંદવાડાથી 78 કિમી દૂર છે. આ જનજાતિના લોકો પહાડોથી ઘેરાયેલી ઘોડાની નાળના આકારની ખીણમાં રહે છે. તેમની સંખ્યા 1.9 લાખ હોવાનો અંદાજ છે. તેઓ બાકીના લોકોથી તદ્દન અલગ છે.
સહરિયા જાતિના લોકો ઉત્તર મધ્ય પ્રદેશના ગ્વાલિયર, દાતિયા, શ્યોપુર, ભીંડ, મોરેના, શિવપુરી, ગુના અને અશોક નગર જિલ્લામાં રહે છે. તેમની વસ્તી 6.1 લાખ છે. તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી, દૈનિક મજુરી, મધ, તેંદુના પાન, મહુઆ છે. તેઓ ઔષધિઓ વેચવાનું પણ કામ કરે છે.
મહાકોશલ જ કેમ?
38 વિધાનસભા બેઠકો ધરાવતો મહાકોશલ પ્રદેશ ભાજપ માટે હંમેશા રસનો વિષય રહ્યો છે. 2018માં કોંગ્રેસે અહીં 24 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપને માત્ર 13 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે 2013માં ભાજપે 24 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 13 બેઠકો જીતી હતી. આ સિવાય મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિય લાડલી બ્રાહ્મણ યોજના પણ આ વિસ્તારમાં લાભ આપી શકે છે.
ઉત્તર મધ્ય પ્રદેશનું મહત્વ
ભાજપે આ પ્રદેશમાં પરંપરાગત રીતે સારું પ્રદર્શન કર્યું છે. ભાજપે 2008માં અહીં 34માંથી 16 બેઠકો અને 2013માં 20 બેઠકો જીતી હતી પરંતુ 2018ની ચૂંટણીમાં પાર્ટીને ફટકો પડ્યો હતો. કોંગ્રેસને 2018ની ચૂંટણીમાં ખેડૂતોની લોન માફીનો લાભ મળ્યો હતો. હવે પીએમ મોદીએ આ ત્રણેય જાતિઓને આપેલા વચનોથી ભાજપને આ ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે તે 3 ડિસેમ્બરે સ્પષ્ટ થશે.