Madhya Pradesh Assembly Election 2023 : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે આગામી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપની આ યાદીમાં ઘણા સાંસદોના નામ છે. આમાંનું એક નામ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર છે. ભાજપે નરેન્દ્ર સિંહ તોમરને દિમની વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. નરેન્દ્ર સિંહ તોમર મુરેનાથી બે વાર અને ગ્વાલિયરથી એક વાર સંસદ પહોંચ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવાના ભાજપના નિર્ણયથી કોંગ્રેસને પોતાની રણનીતિ પર ફરીથી વિચાર કરવા મજબૂર કરશે. આ ઉપરાંત ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આ નિર્ણય રાજ્યના અનેક જૂથોમાં વહેંચાયેલી પાર્ટી માટે ચિંતાનું કારણ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યની રાજનીતિ પર નજર રાખનારાઓના જણાવ્યા અનુસાર નરેન્દ્ર સિંહ તોમરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જેના કારણે રાજ્યમાં અટકળોનું બજાર ગરમ છે. નરેન્દ્રસિંહ તોમર છેલ્લા 15 વર્ષથી રાજ્યની રાજનીતિથી બહાર છે, તેઓ છેલ્લે 2008માં ગ્વાલિયરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
કેમ નરેન્દ્ર સિંહ તોમર બનાવવામાં આવ્યા ઉમેદવાર?
મધ્ય પ્રદેશમાં ભાજપ અનેક જૂથોમાં વહેંચાયેલું જોવા મળે છે. નરેન્દ્ર સિંહ તોમર રાજ્યમાં ભાજપના જૂના દિગ્ગજોમાં જાણીતો ચહેરો છે. જેના કારણે થોડા સમય પહેલા જ ભાજપે તેમને મધ્ય પ્રદેશમાં પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કર્યા હતા. તેઓ રાજ્યના ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાંથી આવે છે, જ્યાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 34 વિધાનસભા બેઠકોમાંથી માત્ર 8 બેઠકો જીતી હતી. ભાજપને આ વખતે અહીં ચમત્કારની આશા છે.
આ પણ વાંચો – ભાજપે 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત છ સાંસદોને આપી ટિકિટ
શિવરાજના નામની જાહેરાત હજુ સુધી કેમ કરવામાં આવી નથી?
ભાજપે અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. આ બંને યાદીમાં જાહેર થયેલા કુલ 78 ઉમેદવારોમાં શિવરાજસિંહ ચૌહાણને સ્થાન આપવામાં આવ્યું નથી. તે 2006થી બુધનીથી ચૂંટણી લડી રહ્યા છે. શિવરાજના સમર્થકોના જણાવ્યા પ્રમાણે સીએમ આ સીટ પરથી ચૂંટણી લડશે. તેમના નામની જાહેરાત અંગે વધુ અટકળો ન થવી જોઈએ.
નબળી બેઠકો ભાજપ માટે પ્રાથમિકતા?
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઉમેદવારોની પ્રથમ બે યાદીમાં પાર્ટીએ ગત ચૂંટણીમાં જે બેઠકો ગુમાવી હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણોસર પાર્ટીએ આ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જેથી તેમને પ્રચાર માટે પૂર્ણ સમય મળી શકે. બીજી યાદીમાં ભાજપ પાસે 3 કેન્દ્રીય મંત્રીઓ અને કુલ 7 સાંસદોના નામ છે, તેમાંથી ઘણા પોતાને સીએમ ઉમેદવાર માની રહ્યા છે.
કોંગ્રેસ પણ શિવરાજ પર સવાલો ઉઠાવી રહી છે
એમપીમાં સરકાર બનાવવાનો દાવો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી સતત સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોમવારે ભોપાલમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ લીધું નથી. વડા પ્રધાને શિવરાજ સરકારની એક પણ યોજનાનો ઉલ્લેખ કર્યો નથી .
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દરેક રેલી, દરેક સભામાં મુખ્યમંત્રી લાડલી બહેના યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દર મહિને 1.3 કરોડ મહિલાઓને 1250 કરોડ રૂપિયા આપશે. વિધાનસભા ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશ ભાજપ આ યોજનાને ગેમ ચેન્જર કહી રહી છે.





