Madhya Pradesh : કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ જસ્ટિસના નારાને બુંલદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આની પાછળ ઘણા ઉદાહરણો છે, જેમ કે પાર્ટીએ દલિત સમુદાયના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ રાહુલ ગાંધીએ દરેક ચૂંટણી રેલીમાં સામાજિક ન્યાય અને જેટલી જેની વસ્તી તેટલી ભાગીદારીના સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય કોંગ્રેસે જાતિગત વસ્તીગણતરીની હિમાયત કરી છે અને બિહાર સરકારની પ્રશંસા પણ કરી છે. કોંગ્રેસ આ પહેલા પણ કેટલાક રાજ્યોમાં ઓબીસી ક્વોટા વધારીને 27 ટકા કરવાનો પ્રયત્ન કરી ચૂકી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ સૂત્રના આધારે ઓબીસી કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે કે નહીં?
ધ પ્રિન્ટે એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવારો સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે કુલ 230 ઉમેદવારોમાંથી 36 ટકા એટલે કે 83 ટિકિટ ઉચ્ચ જાતિના લોકોને આપી છે. કોંગ્રેસે પોતાના 27 ટકા એટલે કે 62 ટિકિટ પછાત જાતિઓને આપી છે. તે જ સમયે અનુસૂચિત જાતિમાંથી 21 ટકા એટલે કે 48 ટિકિટો અને 15 ટકા એટલે કે 35 ટિકિટ અનુસૂચિત જનજાતિમાંથી ઉમેદવારને આપવામાં આવી છે. એકને છોડીને તમામ એસસી અને એસટી ઉમેદવારોની અનામત મતદારક્ષેત્રોમાં ટિકિટ આપી છે. આશ્ચર્યની વાત એ છે કે પાર્ટીએ મુસ્લિમોને માત્ર બે જ ટિકિટ આપી છે.
રાજ્ય સરકારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટને સુપરત કરેલા આંકડા મુજબ રાજ્યની વસ્તીમાં ઓબીસીની સંખ્યા 51 ટકા છે. તે કિસ્સામાં મધ્ય પ્રદેશની વસ્તીમાં ઉચ્ચ જાતિઓનો હિસ્સો લગભગ 10 ટકા છે. આમ છતાં કોંગ્રેસે 36 ટકા ટિકિટો ઉચ્ચ જ્ઞાતિઓને આપી છે. રાજ્યની અડધાથી વધુ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતા ઓબીસીને માત્ર 27 ટકા (62 ઉમેદવારો) જ ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : સત્તા મેળવવા માટે ભાજપે 70+ વાળા 14 નેતાઓને આપી ટિકિટ
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર જો સત્તામાં આવશે તો સરકારી નોકરીઓમાં ઓબીસી સમુદાયને 27 ટકા અનામત આપવાના પક્ષના વચનને અનુરૂપ પાર્ટીએ ઓબીસી ઉમેદવારોને 27 ટકા ટિકિટ આપી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે જો તેમની પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવશે તો દેશમાં રહેતા ઓબીસીની ચોક્કસ સંખ્યા જાણવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે.
કોંગ્રેસના એક પદાધિકારીએ કહ્યું કે ઓબીસી ઉમેદવારો માટે કોઈ નોંધપાત્ર વધારો થયો નથી કારણ કે પાર્ટીએ ટિકિટ વિતરણમાં “યોગ્ય” જાતિ અને સમુદાય સંતુલન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. 148 બિનઅનામત બેઠકોમાંથી પાર્ટીએ 80 બેઠકો પર ઉચ્ચ જાતિ, રાજપૂતો અને બ્રાહ્મણોને ટિકિટ આપી છે અને બે ટિકિટ મુસ્લિમોને આપવામાં આવી છે. 2018માં 74 ટિકિટો ઉચ્ચ જાતિને આપવામાં આવી હતી.





