Assembly Election 2023 : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા યોજાનારી એમપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે જીતવા માંગે છે. જોકે આ વખતે એમપીમાં ચૂંટણી જીતવા માટે ભાજપને ઘણા મોટા પડકારોનો સામનો કરવો પડશે. ભાજપે સત્તા વિરોધી લડાઈ લડવી પડશે, આંતરિક લડાઈને દૂર કરવી પડશે અને ચૂંટણીમાં કોંગ્રેસને રોકવા માટે રાજ્યના નેતૃત્વમાં 16 વર્ષથી જોવામાં આવેલી અરુચિ વચ્ચે મતદારોનો સામનો કરવો પડશે.
2003, 2008 અને 2013માં એમપીમાં સતત ત્રણ ચૂંટણી જીત્યા પછી, ભાજપ 2018માં કોંગ્રેસ સામે હારી ગયું પરંતુ માર્ચ 2020માં કમલનાથની આગેવાની હેઠળની સરકારના પતન પછી સત્તામાં પાછા આવવામાં સફળ રહી હતી. ચાલો MP માં ભાજપની સ્થિતિ જોઈએ (SWOT એનાલિસિસ)
તાકાત
- ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સામૂહિક અપીલ પર વધારે ભરોસો કરી રહ્યું છે, જેઓ તેમની ડાઉન-ટુ-અર્થ ઇમેજ માટે જાણીતા છે અને OBC નેતા છે.
- શાસક પક્ષ મહિલા મતદારોને આકર્ષવા માટે તેની પહોંચ પર ગણતરી કરી રહ્યો છે અને તેણે ‘લાડલી બહના યોજના’ જેવી સમર્પિત યોજનાઓ શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1,250 રૂપિયા મળે છે અને સરકારે આ રકમ વધારીને 3,000 રૂપિયા પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે.
- એક મજબૂત સંગઠનાત્મક માળખું જે સમગ્ર વર્ષ દરમિયાન ચૂંટણી મોડમાં રહે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એમપીમાં પાર્ટી સંગઠનને દેશનું શ્રેષ્ઠ સંગઠનમાંથી એક ગણાવ્યું હતું.
- ભાજપ હિન્દુત્વ, વિકાસ અને ડબલ એન્જિન ડેવલપમેન્ટના મુદ્દા પર ભરોસો કરી રહી છે. કુશળ વ્યૂહરચનાકાર ગણાતા અમિત શાહ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે.
- રાજ્યમાંથી તેના કેટલાક સાંસદો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા બાદ શાસક પક્ષ જન અપીલનો લાભ લેવા માંગે છે.
- બીજેપી પાર્ટીએ તેના રાષ્ટ્રીય મહાસચિવ અને ભીડ ખેંચનાર કૈલાશ વિજયવર્ગીયને પણ ટિકિટ આપી છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશમાં બીજેપીની ચોથી યાદી જાહેર, શિવરાજ સિંહને બુધનીથી, નરોત્તમ મિશ્રાને દતિયાથી ટિકિટ
નબળાઈઓ
- સંભવતઃ સત્તાવિરોધી લહેર, કારણ કે ડિસેમ્બર 2018થી માર્ચ 2020 સુધીના ટૂંકા ગાળા સિવાય ભાજપ પાર્ટી 2003 થી રાજ્યમાં ટોચ પર છે.
- જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભાજપમાં આવેલા ઘણા નેતાઓ તેમના મૂળ પક્ષ કોંગ્રેસમાં પાછા ફર્યા હોવાથી ભાજપ સંગઠનમાં ઉથલપાથલનો સામનો કરી રહી છે.
- 18 વર્ષથી સત્તા પર રહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે નિરાશાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. મુખ્યમંત્રી પદ માટે ઘણા દાવેદારો છે.
- કોંગ્રેસે કથિત ભ્રષ્ટાચાર, મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો, દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારો, વધતી મોંઘવારી અને બેરોજગારી સહિતના અન્ય મુદ્દાઓ સામે સખત ઝુંબેશ ચલાવી છે.
તક
- લગભગ બે દાયકાથી સત્તામાં રહેલા ભાજપે કલ્યાણકારી યોજનાઓ દ્વારા મહિલા મતદારો અને અન્ય વર્ગોને આપેલા ઘણા વચનો અમલમાં મૂક્યા છે.
- વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સહયોગી કોંગ્રેસ, AAP અને સમાજવાદી પાર્ટી અલગ-અલગ ચૂંટણી લડવાની સ્થિતિમાં, આવો માહોલ ભાજપની તરફેણમાં રહેશે.
- સનાતન ધર્મનો વિવાદ હિંદુઓના રક્ષક તરીકે ભાજપની છબીને મજબૂત કરવા માટે કામ કરે છે. તાજેતરમાં જ જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપે ડીએમકેના નેતાઓની ટીપ્પણીઓની ઘણી ચગાવી હતી.
- પરંપરાગત રીતે, મધ્ય પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસ સિવાય સપા, બસપા અને અન્ય પક્ષો નજીવા ખેલાડીઓ રહ્યા છે.
પડકારો
- ભાજપની અંદરનો આંતરિક ઝઘડો તેના મજબૂત કેન્દ્રીય નેતૃત્વને કારણે મોટાભાગે છુપાયેલો રાખ્યો છે, પરંતુ હાર તિરાડને ઉજાગર કરી શકે છે.
- ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં ભાજપને બહુમતી મેળવવા માટે સાથી પક્ષો શોધવામાં મુશ્કેલી પડી શકે છે.
- કોંગ્રેસે 2003થી ગુમાવેલી મોટાભાગની જમીન પાછી મેળવી છે. 2003માં તેણે માત્ર 38 બેઠકો જીતી હતી, પરંતુ 2018માં 114 બેઠકો જીતીને વાપસી કરી હતી.
- 2003માં ભાજપે 173 બેઠકો જીતી હતી પરંતુ 2008માં તેની સંખ્યા ઘટીને 143 થઈ ગઈ હતી. 2013માં ભાજપે 165 બેઠકો મેળવી હતી, પરંતુ 2018માં તેની બહુમતી ગુમાવી દીધી જ્યારે તેની સંખ્યા ઘટીને 109 થઈ ગઈ હતી.
- ભાજપના ઘણા નેતાઓ, જેમાંથી કેટલાક સંઘની વિચારધારા સાથે પ્રતિબદ્ધ છે તે કોંગ્રેસમાં જોડાયા છે. સંઘના કેટલાક જૂના ચહેરાઓએ નવી પાર્ટી બનાવી છે.
- કોંગ્રેસે કૃષિ લોન માફી, જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા અને 100 યુનિટ સુધી મફત વીજળી જેવી અનેક ‘ગેરંટી’ની ખાતરી આપી છે.