મધ્યપ્રદેશ ચૂંટણી : યાદવોને લઈને ભાજપ-કોંગ્રેસમાં થશે ‘મહા ભારત’? બંને પક્ષોની રણનીતિ કંઈક આવી છે

Madhya Pradesh Assembly Elections : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પાર્ટી યાદવ સમાજ (Yadav society) પર ફોકસ કરી રહી છે, મધ્ય પ્રદેશના રાજકારણમાં તેમાં પણ ખાસ કરીને બુંદેલખંડ વિસ્તારમાં યાદવ વોટબેન્ક પ્રભુત્વ ધરાવે છે.

Written by Kiran Mehta
Updated : June 21, 2023 19:00 IST
મધ્યપ્રદેશ ચૂંટણી : યાદવોને લઈને ભાજપ-કોંગ્રેસમાં થશે ‘મહા ભારત’? બંને પક્ષોની રણનીતિ કંઈક આવી છે
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 (ફોટો - શિવરાજ સિંહ ચૌહાણ ટ્વીટર)

Madhya Pradesh Assembly Elections : મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીને લઈને દરેક નાના-મોટા ફેક્ટર પર કામ કરી રહ્યા છે. આ વખતે બંને પક્ષો મધ્યપ્રદેશમાં યાદવ સમુદાયના લોકો પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે ઈન્દોરમાં યાદવ સમાજ પ્રમુખ કાર્ય સમિતિના પ્રતિભા સન્માન કાર્યક્રમમાં કહ્યું હતું કે, અમે ઉજ્જૈનમાં સ્થિત સાંદીપનિ આશ્રમના વિકાસમાં કોઈ કસર છોડી નથી, જ્યાં ભગવાન કૃષ્ણએ તેમનું શિક્ષણ મેળવ્યું હતું. અમે ધીમે ધીમે રાજ્યમાં ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા અન્ય સ્થળોનો પણ વિકાસ કરીશું.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ આપણું કર્તવ્ય છે અને તે રાજકારણનો વિષય નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં ભગવાન કૃષ્ણના પૂજા સ્થાનોનો વિકાસ દરેક સમુદાયને પ્રેરણા આપશે કારણ કે, કૃષ્ણ બધાના છે અને સમગ્ર વિશ્વ તેમનામાં સમાયેલું છે.

તેમણે કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને યાદવ સમુદાયે પ્રગતિ કરી છે અને દેશમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. યાદવ સમુદાયના વખાણ કરતાં તેમણે કહ્યું કે, સમુદાયે કૃષિ, દૂધ ઉત્પાદન, ગાય-પાલન, દેશની સુરક્ષા અને રમતગમત સહિત દરેક ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપ્યું છે. આ દરમિયાન, તેમણે યાદવ સમુદાયને કહ્યું કે તેમને રાજ્યમાં “યોગ્ય પ્રતિનિધિત્વ” આપવામાં આવશે.

જો કે, રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને યાદવ સમુદાયને આકર્ષવા માટે ભાજપની ચાલ ગણાવી હતી. તેમ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જ્યારે કોંગ્રેસે ધાર્મિક પ્રતીકોથી દૂર થયા વિના હિંદુ દેવી-દેવતાઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોને વિકસાવવાની વાત કરી છે. 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં ‘રામ વન ગમન પથ’ના વિકાસની વાત કરી હતી. આ માર્ગનો ઉપયોગ ભગવાન રામે તેમના વનવાસ દરમિયાન કર્યો હતો.

કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે, ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા સ્થળોને વિકસાવવા માટે શિવરાજ સિંહનો પ્રસ્તાવ ભાજપ સરકારની અસુરક્ષા દર્શાવે છે કારણ કે, કોંગ્રેસ ભાજપના હિંદુત્વ કાર્ડને બેઅસર કરવામાં મોટાભાગે સફળ રહી છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ સતત પોતાને ભગવાન હનુમાનના અનુયાયી ગણાવતા રહ્યા છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે, પૂર્વ મુખ્યમંત્રીના આ પ્રયાસોએ કોંગ્રેસને ભાજપના “હિંદુ વિરોધી” હોવાના આરોપોને ટાળવામાં મદદ કરી છે.

કોંગ્રેસ શું કરી રહી છે

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યના વફાદાર ગણાતા બૈજનાથ સિંહ યાદવ તેમાંથી એક છે. કોંગ્રેસમાં સામેલ થવા માટે તેઓ 700 વાહનોના કાફલા સાથે 14 જૂને ભોપાલ પહોંચ્યા હતા. આ પહેલા બીજેપીના અન્ય નેતા યાદવેન્દ્ર સિંહ યાદવ માર્ચમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

રાજ્યની વસ્તીના 14 ટકા ગણાતા યાદવ સમુદાયને મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ભાજપ પરંપરાગત રીતે રાજ્યમાં ચૂંટણી જીતવા માટે OBC સમર્થન પર આધાર રાખે છે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત ભાજપે છેલ્લા બે દાયકામાં બે ઓબીસી સીએમ આપ્યા છે. તેમાંથી એક બાબુ લાલ ગૌર હતા. તેઓ યાદવ સમુદાયના હતા.

રાજ્યમાં યાદવ સમુદાય મોટાભાગે બુંદેલખંડમાં કેન્દ્રિત છે. આ પ્રદેશની લગભગ 29 બેઠકો પર યાદવ મતદારોનો પ્રભાવ છે. હાલમાં પૂર્વ સાંસદ કોંગ્રેસ અધ્યક્ષ અરુણ કે યાદવ બુંદેલખંડ વિસ્તારની મુલાકાતે છે. તેઓ મધ્યપ્રદેશના પૂર્વ ડેપ્યુટી સીએમ સુભાષ યાદવના પુત્ર છે. સુભાષ યાદવ દિગ્વિજય સિંહની સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.

આ પ્રવાસ દરમિયાન અરુણ યાદવ પોતાના સમુદાયના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક નેતાઓને મળી રહ્યા છે અને પ્રદેશમાં ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસમાં યાદવ નેતૃત્વ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા અરુણ યાદવે કહ્યું કે, જ્યારે મારા પિતા ડેપ્યુટી સીએમ હતા ત્યારે રાજ્યમાં અમારી પાસે OBC નેતૃત્વ હતું. તે પછી, ઉમા ભારતી, બાબુલાલ ગૌર અને શિવરાજ ચૌહાણ સહિત ભાજપના નેતૃત્વમાંથી ઓબીસી સમુદાયમાંથી ત્રણ મુખ્યમંત્રી આવ્યા. યાદવ સમુદાય વિધાનસભાની ચૂંટણીમાં મોટી ભૂમિકા ભજવે છે. અમે આ સમુદાયના ઘણા નેતાઓને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોંગ્રેસમાં તેમનું નેતૃત્વ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. અમે 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ કર્યું અને જીત્યા, અમે ફરીથી એ જ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરીશું.

મધ્ય પ્રદેશ કોંગ્રેસના સાંસદ અને અખિલ ભારતીય યાદવ મહાસભાના મહાસચિવ દામાદોર સિંહ યાદવે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, કેટલાક એવા નેતાઓ છે જે કોંગ્રેસમાં જોડાવા માંગે છે કારણ કે તેઓને ખબર પડી ગઈ છે કે, ભાજપ આ ચૂંટણીમાં હારી જશે. ત્યારે કેટલાક એવા પણ છે, જેઓ ભાજપ નેતૃત્વથી ખુશ નથી. અમે આ નેતાઓ પર કામ કરવા માંગીએ છીએ અને પાર્ટીમાં તેમની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

ઓબીસી સમુદાયને આકર્ષવા માટે કોંગ્રેસ 27 ટકા અનામતની વાત કરી રહી છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે, તેને કમલનાથ સરકાર દરમિયાન લાગુ કરવામાં આવ્યું હતું. દામોદરે કહ્યું કે, યાદવ સમુદાય સાંપ્રદાયિક રાજનીતિથી પ્રભાવિત થતો નથી. તેઓ તેમની સાથે જાય છે, જે તેમને અનામત આપશે. આ અમારો આગળનો રસ્તો છે. બુંદેલખંડમાં ઓબીસી આંદોલન વેગ પકડી રહ્યું છે, ત્યાં જબરદસ્ત વાતાવરણ છે.

આ સિવાય બુંદેલખંડમાં પણ કોંગ્રેસ બીજેપીના સિંધિયા સમર્થકો અને પાર્ટીના જૂના ગાર્ડ વચ્ચેના તણાવનો ફાયદો ઉઠાવવા માંગે છે. કોંગ્રેસ ભાજપના કેટલાક જૂના નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બુંદેલખંડમાં ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, યાદવ નેતાઓએ તેમની સમસ્યાઓ વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે.

ગુણાના સાંસદ કેપી યાદવ એક સમયે સિંધિયાના સમર્થકોમાંના એક હતા. તેમણે ગત લોકસભા ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા. તેઓ સતત ટોચના નેતૃત્વને ફરિયાદ કરી રહ્યા છે કે, પાર્ટી નેતૃત્વ રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યક્રમોમાં તેમની અવગણના થઈ રહી છે.

આ પણ વાંચોબાગેશ્વર ધામ : પિસ્તોલ સાથે પકડાયો વિધર્મી યુવક, ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી હતી ધમકી

જ્યારે યાદવ સમુદાયને કોંગ્રેસ દ્વારા યાદવો સુધી પહોંચવાના પ્રયાસો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે ભાજપના એક નેતાએ કહ્યું કે, ભાજપમાં હંમેશા વાતચીતનો અવકાશ રહે છે. આ પાર્ટી કોંગ્રેસ પક્ષની જેમ પરિવાર દ્વારા ચલાવવામાં આવતી નથી. અમે તમામ નેતાઓ સાથે વાત કરી રહ્યા છીએ અને તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છીએ. કોંગ્રેસે 27મી સદીમાં અનામત લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોર્ટમાં પડકારવામાં આવ્યો અને તેઓ તેનો અમલ કરી શક્યા નહીં. અમે દાયકાઓથી ઓબીસી નેતૃત્વ વિકસાવ્યું છે, તે સરળતાથી દૂર થશે નહીં.

ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ કહ્યું કે, કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિમાં માને છે. અમે જાતિના રાજકારણનો અંત લાવવા માંગીએ છીએ અને તેઓ હજુ પણ યાદવ સમુદાયને વોટ બેંક તરીકે જુએ છે. ધાર્મિક સ્થળોને વિકસાવવાની અમારી યોજના કેન્દ્ર સરકાર દેશભરમાં જે કરી રહી છે તેના અનુરૂપ છે. જો આપણે આપણા ધાર્મિક સ્થળોની રક્ષા કરીએ તો આપણો દેશ સુરક્ષિત રહેશે. આમાં કોઈ રાજકારણ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ