Madhya Pradesh CM Mohan Yadav : મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી પર બેસતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યના ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયમિત ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત એમપીના સીએમએ રાજ્યમાં ખુલ્લી જગ્યામાં વેચાતા માંસને લઈને પણ સૂચનાઓ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ફૂડ સેફ્ટીના નિયમોને કડક રીતે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ખુલ્લામાં મીટ-માંસ અને ઇંડાના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મુક્યો છે.
મધ્ય પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં તમામ જિલ્લાઓમાં અવાજના માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને શાંત વિસ્તારોને વર્ગીકૃત કરવા જોઈએ અને ધોરણોનું પાલન થવું જોઈએ. નિયમોનું પાલન થાય તે માટે તેમને ફ્લાઇંગ સ્કવોડની રચના કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – શપથગ્રહણ સમારોહના સ્ટેજ પર જાતે જ ટેબલ ખસેડવા લાગ્યા પીએમ મોદી, સાદગી પર ફિદા થયા લોકો
મધ્ય પ્રદેશમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. મધ્ય પ્રદેશની 230 વિધાનસભામાં સીટોમાંથી ભાજપે 166 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 66 સીટ પર જીત મેળવી હતી. ભારત આદીવાસી પાર્ટીએ 1 સીટ પર જીત મળી હતી. ભાજપને સૌથી વધારે 48.55 ટકા વોટ શેર મળ્યા હતા. કોંગ્રેસને 40.40 ટકા વોટ શેર મળ્યા હતા. આમ બન્ને વચ્ચેનો તફાવત લગભગ 8 ટકાનો હતો. બીએસપીને 3.40 ટકા વોટ શેર મળ્યા હતા.