Madhya Pradesh Assembly Elections 2023 : મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે. આ માટે તમામ પક્ષોના નેતાઓ અને સ્ટાર પ્રચારકોએ રાજ્યમાં સભાઓ અને રેલીઓ યોજવાનું શરૂ કરી દીધું છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મોરચાનું નેતૃત્વ કરી રહ્યા છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીને ત્રીજી વખત સત્તામાં લાવવા માટે મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં પોતાની સરકાર બચાવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહી છે.
ભાજપના સૌથી વૃદ્ધ ઉમેદવાર 80 વર્ષના વર્તમાન ધારાસભ્ય છે
આ માટે પાર્ટી પોતાના સંકલ્પથી પાછળ હટી ગઇ છે. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે નેતાઓની ઉંમર 70 વર્ષથી વધુ થશે ત્યારે તેઓ સક્રિય રાજનીતિથી દૂર થઈને નવી પેઢીને આગળ વધારશે. આ વખતે પાર્ટીએ ત્રણ કેન્દ્રીય મંત્રી અને એક મહાસચિવ સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે આ વખતે 70 વર્ષથી વધુ ઉંમરના 14 ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં સૌથી મોટી ઉંમર 80 વર્ષ છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસે 70 વર્ષથી વધુ ઉંમરના નવ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
કર્ણાટકની હારથી ભાજપે બોધપાઠ લીધો, દિગ્ગજોને આપ્યું મહત્વ
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે કર્ણાટકની ચૂંટણીમાં પરાજય બાદથી પાર્ટીને થોડું ઘણું શીખવા મળ્યું છે. કર્ણાટકમાં તેણે પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર (67) અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે.એસ.ઇશ્વરપ્પા (74) જેવા દિગ્ગજ અને જૂના નેતાઓને બદલે યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું હતું.
ભાજપ સામે આમ આદમી પાર્ટીએ યુવા નેતાને આપી ટિકિટ
મધ્ય પ્રદેશમાં પાર્ટીએ રાજ્યના પૂર્વ મંત્રી નાગેન્દ્ર સિંહ નાગોદ (80)ને સતના જિલ્લાના નાગૌદ વિધાનસભા ક્ષેત્રથી અને નાગેન્દ્ર સિંહ (79)ને રેવા જિલ્લાના ગુઢથી મેદાનમાં ઉતાર્યા છે. ગુઢ એ વિસ્તાર છે જ્યાંથી આમ આદમી પાર્ટીએ ખૂબ જ યુવા નેતા પ્રખર પ્રતાપ સિંહને ટિકિટ આપી છે. પ્રખરે 25 વર્ષની ઉંમરે રાજ્યમાં સૌથી નાની ઉંમરના ઉમેદવારના રૂપમાં મેદાનમાં ઉતરવા માટે અમેરિકામાં પોતાની નોકરી છોડી દીધી હતી.
આ પણ વાંચો – વહાલી બહેનોને ઘર, વરિષ્ઠ નાગરિકોને 1500 રૂપિયા પેન્શન, મધ્ય પ્રદેશ માટે આ છે ભાજપનો સંકલ્પ પત્ર
મધ્ય પ્રદેશના પંડિત દીનદયાળ વિચાર પ્રકાશનના માસિક પત્રિકા ‘ચરૈવતી’ના ભૂતપૂર્વ સંપાદક જયરામ શુક્લાએ જણાવ્યું હતું કે નાગોદ અને નાગેન્દ્ર સિંહ બંને વર્તમાન ધારાસભ્યો છે. તેમણે લગભગ પાંચ મહિના પહેલા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.
દમોહથી જયંત મલૈયા (76), અશોક નગર જિલ્લાના ચંદેરીથી જગન્નાથ સિંહ રઘુવંશી (75), નર્મદાપુરમના હોશંગાબાદથી સીતાશરણ શર્મા (73), અનુપપુર બેઠક પરથી બિસાહુલાલ સિંહ (73), ગ્વાલિયર પૂર્વથી માયા સિંહ (73) પણ ભાજપના સૌથી વૃદ્ધ ઉમેદવાર છે.
ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા અન્ય મોટી ઉંમરના ઉમેદવારમાં રાજગઢ જિલ્લાના ખિલચીપુરથી હજારીલાલ દાંગી (72), નર્મદાપુરમના સિઓની-માલવાથી પ્રેમશંકર વર્મા (72), શહડોલ જિલ્લાના જૈતપુરથી જયસિંહ મરાવી (71), સાગર જિલ્લાના રેહલીથી ગોપાલ ભાર્ગવ (71), જબલપુરના પાટનથી અજય વિશ્નોઇ (71), શ્યોપુર બેઠક પરથી દુર્ગાલાલ વિજય (71) અને બાલાઘાટથી ગૌરી શંકર બિસેન (71)નો સમાવેશ થાય છે.





