શુભાંગી ખાપરે : મહારાષ્ટ્રમાં આગામી 26 ફેબ્રુઆરીએ પૂણે જિલ્લામાં આવતી બે સીટો કસ્બા પેઠ (Kasba Peth)અને પિંપરી ચિંચવાડ (Pimpri Chinchwad)વિધાનસભા સીટો માટે પેટા ચૂંટણી (Maharashtra Bypoll)થવાની છે. આ પેટા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની (MVA)અંદર ટકરાવની સ્થિતિને બહાર લાવી દીધી છે. આ સીટો પર MVAની અંદર સામેલ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ જૂથ) વચ્ચે પેટા ચૂંટણી લડવા માટે હોડ જોવા મળી રહી છે.
ત્રણેય દળો વચ્ચે બે સીટોને લઇને તકરાર વધી શકે છે
શિવસેના ઇચ્છે છે કે પિંપરી-ચિંચવાડમાં તેમની પાર્ટીનો ઉમેદવાર હોય, જ્યારે આ સીટ પરથી એનસીપી 2009થી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પોતાના માટે કસ્બા પેઠ વિધાનસભા સીટ ઇચ્છે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે એનસીપીના એક અંદરના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે એનસીપી પિંપરી-ચિંચવાડને કોઇપણ કિંમતે શિવસેનાને આપશે નહીં. જોકે કસ્બા પેઠ સીટ માટે કોંગ્રેસનો દાવો સ્વીકાર કરી શકે છે. આવી સ્થિતિમાં શિવસેના અને એનસીપી વચ્ચે તકરાર વધી શકે છે.
શિવસેના હાલના દિવસોમાં પાર્ટીની અંદર રાજનીતિક ઝટકાઓનો સામનો કરી રહી છે. આ સાથે તેમની માંગણી છે કે પિંપરી-ચિંચવાડ વિધાનસભા ક્ષેત્રમાં તેનો એક સંગઠનાત્મક આધાર છે અને આ સીટ પર તેને તક મળવી જોઈએ કારણ કે ચૂંટણીની લડાઇમાં પોતાને બહાર રાખવા માંગતી નથી. આ સીટ માટે ઉદ્ધવ સેના રાહુલ કલાટેના પ્રદર્શનના આધારે પોતાનો દાવો કરી રહી છે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના કાર્યકરો પિંપરી-ચિંચવાડ બેઠક પરથી ચૂંટણી લડવા માટે પાર્ટી પર દબાણ વધારી રહ્યા છે.
શિવસેનાને જીતની આશા, આ છે આધાર
રાહુલ કલાટેએ ભાજપાના દિવંગત લક્ષ્મણ જગતાપને જોરદાર ટક્કર આપી હતી. આ સીટ પર પેટા ચૂંટણી જગતાપના નિધન પછી થઇ રહી છે. આવામાં શિવસેનાને આશા છે કે તે પેટા ચૂંટણીમાં જીત મેળવી શકે છે. જણાવી દઇએ કલાટે તૂટ પહેલા શિવસેના સાથે હતા જ્યારે તેમણે ગત વખતે બળવાખોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં તેમને એનસીપી અને કોંગ્રેસ બન્નેનું સમર્થન મળ્યું હતું. જોકે કલાટેનો પરાજય થયો હતો પણ તેમને મળેલા વોટ 2014માં 65,000 હતા જે 2019માં 1,28,000 થઇ ગયા હતા. કલાટેએ પૃષ્ટી કરી છે કે ચૂંટણી લડવા વિશે ઉદ્ધવ સેના નેતૃત્વથી ફોન આવ્યો અને તેણે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો – કેન્દ્રીય બજેટ 2023 : ગ્રામીણ અને શહેરી ગરીબોને ટાર્ગેટ કર્યા પછી, મંત્ર : ધ મિડલ ક્લાસ મેટર
જોકે એનસીપી આ વિધાનસભા સીટને પોતાના ખાતામાં રાખવા માંગે છે. તેને લાગે છે કે આ સીટ પર તેનું નિયંત્રણ છે. લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે થશે. પૂણે જિલ્લામાં 21 વિધાનસભા સીટો છે, જેમાં 2019માં એનસીપીએ 10 અને બીજેપીએ 9 સીટો જીતી હતી, 2 સીટો કોંગ્રેસના ખાતામાં ગઇ હતી.
અહીં જિલ્લા પરિષદ પણ એનસીપીના નિયંત્રણમાં
અહીં જિલ્લા પરિષદ પણ એનસીપીના નિયંત્રણમાં છે. એનસીપી માટે પિંપરી-ચિંચવાડ સીટને જીતવી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ જીતથી શરદ પવારની આગેવાનીમાં પાર્ટીને આગળની લડાઇમાં પૂણેમાં લીડ મળશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે પેટા ચૂંટણીમાં બે સીટો છે અને અમે ત્રણ દળ છીએ. કોંગ્રેસ અને એનસીપીએ પોતાની પારંપરિક સીટ શિવસેના માટે કેમ છોડવી જોઈએ, જે 2019ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સાથે ગઠબંધનમાં હતી?
એનસીપીના અજિત પવાર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ એમવીએમાં મતભેદો અંગે ચર્ચા કરવા માટે પાર્ટીના જિલ્લા નેતાઓ સાથે અન્ય એક બેઠક યોજે તેવી શક્યતા છે. જોકે અજિત પવારે ગુરુવારે કહ્યું કે મેં ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. ત્રણેય પક્ષના નેતાઓએ મળીને અંતિમ નિર્ણય લેવાનો છે, એવું થયું નથી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથે બંને બેઠકો ભાજપ માટે છોડી દીધી છે. તેમણે એમવીએને પેટા ચૂંટણી ન લડવા વિનંતી કરી છે કારણ કે તેમના વર્તમાન ધારાસભ્યના નિધનના કારણે પેટા ચૂંટણી આવી છે. ગયા વર્ષે ભાજપે અંધેરી પશ્ચિમ પેટા ચૂંટણીમાંથી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર રુતુજા લટકેની જીતને આસાન બનાવવા માટે તેના ઉમેદવાર મુરજી પટેલની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
વરિષ્ઠ કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે સંકેત આપ્યો છે કે તેઓ વિરોધ પક્ષોને પત્ર લખીને પેટા ચૂંટણી ન લડવા વિનંતી કરશે. જોકે ચૂંટણીની ગણતરીઓને ધ્યાનમાં રાખીને NCP પ્રમુખ શરદ પવારે ભાજપની અરજીને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં ભાજપે પંઢરપુર (સોલાપુર જિલ્લો)માં આવી સદ્ભાવના દર્શાવી ન હતી.