Maharashtra Politics : મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી આવા દાવા દરરોજ વિવિધ પક્ષોના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ નાના પટોલેએ એમવીએના બે અન્ય દળો એનસીપી અને શિવસેના (યુબીટી) દ્વારા કોંગ્રેસના નેતાઓના તોડવા પર નારાજગી વ્યક્ત કરી છે.
નાના પટોલેએ સોમવારે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે એમવીએની આગામી બેઠકમાં આ મુદ્દો ઉઠાવીશું. તેમને કોંગ્રેસના નેતાઓ દ્વારા પાર્ટી છોડીને એમવીએના અન્ય દળોમાં સામેલ થવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. તે હાલમાં જ રાયગઢ જિલ્લાના મહાડના સ્નેહલ જગતાપનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે તાજેતરમાં શિવસેના (યુબીટી)માં જોડાયા હતા. સ્નેહલ જગતાપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય માણિકરાવ જગતાપના પુત્રી છે.
બીજી તરફ એનસીપી પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે તે એમવીએ ગઠબંધનની અંદર બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર ફરીથી કામ કરવાની તરફેણમાં છે. એનસીપીનો એક વર્ગ બદલાયેલા રાજકીય પરિદૃશ્ય માટે તેમજ ઉદ્ધવની આગેવાની હેઠળની સેના ગઠબંધનમાં જોડાઇ હોવાથી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર નવેસરથી કામ કરવાની તૈયારી કરી રહ્યા છે.
એનસીપીના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે સૌથી પહેલાં તો આ હવે બે પક્ષોની વાત નથી. હવે આપણે ત્રણ થઈ ગયા છીએ. બીજું ઘણા નેતાઓએ પોતાનો મૂળ પક્ષ બદલી નાખ્યો છે હવે તેઓ નવી પાર્ટીમાં જોડાઈ ગયા છે. કેટલાકે પક્ષપલટો કર્યો છે જ્યારે અન્ય એડજસ્ટમેન્ટ છે. આવી સ્થિતિમાં અગાઉની સીટ શેરિંગ ફોર્મ્યુલા હવે કામ કરી શકશે નહીં.
નેતાએ ધ્યાન દોર્યું હતું કે એમવીએની અંદર સંબંધિત પક્ષો માટે એકદમ સલામત વિસ્તારો હોય તેવી કેટલીક બેઠકો બદલવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બદલાયેલા રાજકીય પરિદૃશ્યમાં એક ચોક્કસ પક્ષ માટે સમસ્યારૂપ બની હોય તેવી બેઠક અન્યને આપી શકાય છે. આવા એડજસ્ટમેન્ટમાં થોડો સમય લાગી શકે છે અને એમવીએમાં દરેક જણ શક્ય તેટલી વહેલી તકે સાથે બેસે અને સીટ શેરિંગને આખરી ઓપ આપે તે જરૂરી છે. તેમણે કહ્યું કે દરેક પાર્ટીની હાલની રાજકીય તાકાત પર પણ બધુ ફાઇનલ કરતા પહેલા વિચાર કરવો જોઇએ.
કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે એમવીએની બેઠકમાં સીટોની વહેંચણી પર પણ ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દે એમવીએમાં કોઈ મતભેદ નથી. કર્ણાટકની ચૂંટણી પૂરી થયા બાદ તમામ રાજકીય પક્ષો સાથે બેસીને આ મુદ્દે ચર્ચા કરશે.